લાડકી

વેર- વિખેર -પ્રકરણ ૩૭

તારી જીભડી બહુ ચાલવા માંડી છે. બહુ દિવસથી મેથીપાક નથી પડ્યો એટલે મોઢું બંધ રાખ નહીંતર…

કિરણ રાયવડેરા

‘જમાઈબાબુ, તમે ‘ગોડફાધર’ વાંચી છે? ખેર, તમને વાંચવાનો શોખ નથી એ હું જાણું છું પણ આ નવલકથા જરૂર વાંચજો. એમાં ગોડફાધરનો દીકરો પોતાના નપાવટ સગા બનેવીને કેવો કૂટી નાખે છે. એનું
સચોટ વર્ણન છે’ કરણના હાસ્યમાં કડવાશ હતી.

‘સાળાબાબુ, પછી એ જ સાળાની પાછળથી શું વલે થાય છે એ પણ તો તમને યાદ છે ને?’ જતીનકુમાર ખી…ખી કરીને
હસ્યા. કરણ સડક થઈ ગયો :
એ સમજે છે એટલો બેવકૂફ એનો બનેવી નથી.

‘સાળાબાબુ, પછી એ જ સાળાની પાછળથી શું વલે થાય છે એ પણ તો તમને યાદ છે ને?’ જતીનકુમાર ખી…ખી કરીને હસ્યા. કરણ સડક થઈ ગયો :
એ સમજે છે એટલો બેવકૂફ એનો બનેવી નથી.

‘કેમ, સાળાબાબુ, ચૂપ થઈ ગયા? એક વાત કહી દઉં કે મારા સસરામાં ગોડફાધર બનવાની લાયકાત કે શક્તિ નથી.’
‘બસ, જતીનકુમાર, વાત આપણા સુધી રહેશે તો લડવાની મજા આવશે. મારા પપ્પા સુધી વાત પહોંચશે તો મજા નહીં આવે, કારણ કે મારા હાથે મર્ડર થઈ જશે.’ કરણ ગુસ્સામાં બોલી ગયો.
‘હા, પણ હવે દીવાનના વારસદારોને આત્મહત્યા કે એકબીજાનાં મર્ડર કરવા સિવાય છૂટકો જ નથી. જ્યાં સગા બાપે વસિયતનામામાં ફૂટી કોડી ન આપી હોય ત્યાં…’ જતીનકુમારે વાક્ય અધૂરું મૂક્યું.
‘તમને તો હું જોઈ લઈશ.’ બોલીને ધૂંઆપૂંઆ થતો કરણ રૂમની બહાર નીકળી ગયો.

જોકે, એને જરા પણ ખ્યાલ નહોતો કે એ જ્યારે બેડરૂમનાં ડ્રોઅર તપાસતો હતો ત્યારે એના ખિસ્સામાંથી જગમોહન દીવાનના ટેબલ પરથી લીધેલી ડાયરી ફર્શ પર પડી ગઈ હતી.


‘બબુલ ઈઝ ડેડ…!’
આ સાંભળીને જગમોહન દીવાન પગથી માથા સુધી ધ્રુજી ગયા :
કેવી રીતે? કોણે માર્યો? હવે બાબુ અને ઈરફાનને ખબર પડશે ત્યારે શું થશે? અનેક પ્રશ્નો જગમોહન દીવાનના દિમાગમાં વા-વંટોળની જેમ ફૂંકાવા માંડ્યાં.
‘આ બધું કેવી રીતે બન્યું?’ જગમોહનના મોઢામાંથી માંડ માંડ શબ્દો નીકળ્યા.

‘સર,’ ઈન્સ્પેક્ટર શિંદેએ કહ્યું:
‘બબલુની મારી સાથે ઝપાઝપી થઈ ગઈ હતી. મારા ખિસ્સામાંથી રિવોલ્વર સરકી જતાં એના પર એ કબજો મેળવવા માગતો હતો. એણે મારી કમર પરના ઘાવ પર પ્રહાર કરવાનું શરૂ કર્યું અને બીજા હાથે રિવોલ્વરને ઝૂંટવાની કોશિશ કરતો રહ્યો. બસ, આ ઝપાઝપી – ખેંચતાણમાં ક્યારે ટ્રિગર દબાઈ ગઈ એ ખબર જ ન પડી. થોડી ક્ષણો બાદ જોયું તો બબલુ ફર્શ પર તફડતો હતો’
જગમોહને એક નજર બબલુની લાશ પર ફેંકી. જે બધાને મારી નાખવાની ધમકી આપતો હતો એ જ માણસ જમીન પર પડ્યો હતો- મરેલો !
‘આઈ એમ સોરી, સર…’ શિંદે ગણગણ્યો.

‘નો …નો પ્લીઝ… તારે માફી માગવાની જરૂર નથી. આ એક અકસ્માત હતો. જે બનવાનું હતું એ બની ગયું. શિંદે, હવે આપણે એ વિચારવું જોઈએ કે હવે શું કરવાનું છે?’ જગમોહન દીવાન બોલ્યો.
ગાયત્રી બોલી ઊઠી: ‘કાકુ, બબલુ મરી ગયો છે અને ઈરફાન અને બાબુ પોલીસ લોક- અપમાં છે તો તમારે ખુશ થવું જોઈએ …તમે એટલા ગંભીર થઈ ગયા જાણે હજી કોઈ ખતરો આપણા માથા પર તોળાતો હોય.’
‘ગાયત્રી…’ જગમોહન બોલવા ગયો પણ પછી ચૂપ થઈ ગયો. હાલના તબક્કે ઈરફાન અને બાબુ વિશે વાત કરીને બધાંને ભયભીત કરવાની જરૂર નથી.

જગમોહને ફોન જોડ્યો :
‘ઈન્સ્પેક્ટર પરમાર, તમારો એક શિકાર અહીં ગાયત્રીને ત્યાં પડ્યો છે. અહીં આવીને એની લાશનો કબજો લઈ લ્યો.’ આટલું કહી જગમોહને લાઈન કાપી નાખી.
‘જગમોહન, શું વાત છે? તમે બહુ સિરિયસ લાગો છો?’

ડોક્ટર પટેલે જગમોહનને પ્રશ્ન પૂછ્યો પણ જગમોહને ‘કંઈ નહીં આઈ એમ ટાયર્ડ…’ કહીને ઉડાઉ જવાબ આપી દીધો. ઈન્સ્પેક્ટર શિંદેએ તરત જ ગાયત્રી સામે જોયું. ગાયત્રીએ પણ જગમોહન દીવાન તરફ નજર ફેંકી.

કાકુ જરૂર કંઈક છુપાવે છે… ગાયત્રીએ વિચાર્યું.
ગાયત્રીની નજર બબલુના શબ પર પડી અને એ ધ્રૂજી ગઈ. એક શિક્ષકના ઘરમાં ગુંડાની લાશ પડી હતી. ગાયત્રીને અચાનક ડર લાગવા માંડ્યો.
‘કાકુ, આ માણસના શબને અહીંથી હટાવવાની વ્યવસ્થા કરોને!’ ગાયત્રીએ રૂંધાયેલા સ્વરે કહ્યું.

‘હા ગાયત્રી, હમણાં થોડી વારમાં જ ઈન્સ્પેક્ટર પરમાર અહીં આવશે.?’ જગમોહને સાંત્વન આપ્યું.
જગમોહન ફરી ફોન લગાડ્યો.

‘કબીર, મારે તને કહેવાની જરૂર છે કે અહીં શું થયું છે? જગમોહને પૂછ્યું.

‘ના જગ્ગે, મારા માણસે ભૂલ કરી છે. ખિસ્સામાંથી રિવોલ્વર પડી કેવી રીતે જાય?’
‘કબીર, હવે વાત છોડ ને! હવે શું કરવું એ કહે.’ જગમોહને સૂચક નજરે શિંદે સામે જોયું.

શિંદેનો ચહેરો ઝંખવાઈ ગયો હતો. એ સમજી ચૂક્યો હતો કે કબીર સર એનાથી નારાજ છે.

‘જગ્ગે, બબલુ મરી ગયો એ એક રીતે સારું થયું. અમે પોલીસવાળા અકસ્માતમાં ગુંડાઓ મરી જાય ત્યારે બહુ જ ખુશ થઈએ. અકસ્માત ન થતો હોય ત્યારે તો અમે અકસ્માત ગોઠવીને એને ‘એન્કાઉન્ટર’ જેવું રૂપાળું નામ આપી દઈએ.

‘તો તો તારા માણસે સારું જ કામ કર્યું છે.’ જગમોહન હસ્યો. શિંદેએ નિરાંતનો શ્વાસ લીધો.

‘હા, એ રીતે જોઈએ તો એક ખતરનારક ગુનેગાર ખતમ થઈ ગયો. પણ હજી તારા માથે ભય તો તોળાય જ છે. મને એવા રિપોર્ટ મળ્યા છે કે બાબુ અને ઈરફાન ગમે ત્યારે ગાયત્રીના ઘરે આવી પહોંચશે.’
એ જ પળે ગાયત્રીના ઘરની ઘંટડી રણકી ઊઠી.


કોણ કરણભાઈ રૂમમાં આવ્યા હતા?’
રેવતીએ અચાનક ઊંઘમાંથી ઊઠી જતાં જતીનકુમારને પ્રશ્ન કર્યો.

‘હા, તારો લાડકો આપણા રૂમમાં આવીને ખાંખાંખોળા કરતો હતો.’ જતીનકુમારે મોઢું કટાણું કરતાં કહ્યું.

‘એક્સ્યુઝ મી, તમે એ ભૂલો છો કે આપણે અત્યારે મારા લાડકા ભાઈના બેડરૂમમાં સૂતાં છીએ.’ રેવતીએ સણસણતો જવાબ આપ્યો.

‘મને ખબર હતી… મને ખબર હતી કે ભાઈની વાત આવશે કે તું ઊછળી પડીશ. ભાઈનું આટલું લાગી આવે છે પણ તારો ભાઈ તારું કેટલું ધ્યાન રાખે છે એ હું જાણું છું.’ જતીનકુમારના સ્વરમાં ભારોભાર તિરસ્કાર હતો.

‘કોઈ પૈસા આપે તો જ એ સારો ગણાય એવી તમારી વ્યાખ્યા હશે. મારા માટે તો એ મારો લાડકો ભાઈ છે અને એ મારા માટે જાન પાથરી શકે છે.’ ભાઈની વાત કરતાં રેવતીનું ગળું ભરાઈ આવ્યું.

‘તારી જીભડી બહુ ચાલવા માંડી છે. બહુ દિવસથી મેથીપાક નથી પડ્યો એટલે. મોઢું બંધ રાખ નહીંતર…’ જતીનકુમાર જેવા રેવતી તરફ ધસી ગયા ત્યાં રેવતી બરાડી :
‘મને હાથ પણ લગાડ્યો છે તો યાદ રાખજો. હું ચીસાચીસ કરી મૂકીશ. ઘરના બધાં ભેગાં થઈ જશે અને તમારો ફજેતો થઈ જશે.’
‘રેવતી, માય ડાર્લિંગ, તું ભૂલી જાય છે કે મને લોકોની ભીડમાં ફજેતો કરવાની વધુ મજા આવે છે. આજે બધાં ટોળે વળશે તો બધાંને એક સાથે વસિયતનામા વિશે વાત કરીશ.’ કહીને જતીનકુમાર ખી…ખી હસી પડ્યા.

‘તમારી સાથે તો વાત કરવાનો કોઈ અર્થ નથી’ કહીને રેવતી બીજી બાજુથી પલંગ પર ઊતરવા ગઈ ત્યારે એની નજર કરણના ખિસ્સામાંથી સરકી ગયેલી જગમોહનની ડાયરી પર પડી.
‘અરે કરણભાઈ પોતાની ડાયરી અહીં ભૂલી ગયા લાગે છે.’ રેવતીએ ડાયરી ઊંચકી .

રેવતી ડાયરી ઉઘાડે એ પહેલાં જતીનકુમારે તરાપ મારીને એના હાથમાંથી ડાયરી આંચકી લીધી.
‘હવે તારા લાડકાની ડાયરી મને આપ. એ મજનૂના ઔલાદની ડાયરી મારે જ વાંચવી પડશે. રૂપાને લખેલો પત્ર મળી જાય તો બ્લેકમેઈલ કરીને થોડાઘણા રૂપિયા કઢાવી શકાશે.’ કહીને જતીનકુમારે ડાયરી ખોલીને વાંચવાની શરૂઆત કરી.


ગાયત્રીના ઘરનો કોલબેલ રણકી ઊઠતાં જગમોહન દીવાન ચોંકી ઊઠ્યો. કબીર સાથેની વાતચીત હજી ચાલુ જ હતી.
બધાને હતું કે ઈન્સ્પેક્ટર પરમાર લાશનો કબજો લેવા આવ્યા હશે. જ્યારે જગમોહન દીવાનને ડર હતો કે કદાચ-
‘જગમોહન, દરવાજો ખોલ… આપણે પછી વાત કરશું.’ કહીને કબીરે લાઈન કટ કરી નાખી.

ગાયત્રી બારણું ખોલવા આગળ વધતી હતી એને અટકાવીને જગમોહન દરવાજા તરફ આગળ વધ્યો.
જગમોહને બારણું ખોલ્યું.

સામે ઈન્સ્પેક્ટર પરમાર એમની પૂરી ટીમ સાથે આવી પહોંચ્યા હતા.

‘દીવાન સાહેબ, કમાલ છો તમે. ફોનમાં મારી વાત પૂરી સાંભળી જ નહીં. અરે ભાઈ, હું તમને કહેતો હતો કે હવે ખાસ તમારું અને ગાયત્રીનું ધ્યાન રાખજો…’
ગાયત્રીએ આગળ વધીને પૂછ્યું:
‘ઈન્સ્પેક્ટર, હવે કોનો ભય છે? તમે કોની વાત કરો છો?’

ઈન્સ્પેક્ટરને એમની ભૂલ સમજાઈ પણ ત્યારે ખૂબ જ મોડું થઈ ચૂક્યું હતું.
‘ગાયત્રી’ જગમોહન વચ્ચે પડ્યો :
‘ઈરફાન અને બાબુ પોલીસ લોક-અપમાંથી ભાગી ચૂક્યા છે.’
ઘરમાં સોપો પડી ગયો.

એક આફતનો માંડ માંડ નિવેડો આવ્યો હતો કે બીજી ઉપાધિઓ જાણે બારણા પર ટકોરા મારતી હતી.
‘ઓહ નો…’ ગાયત્રીએ કપાળ કૂટ્યું.

ઈન્સ્પેક્ટર પરમારની ટીમે લાશનું પંચનામું કર્યું. ફોટોગ્રાફરે ફોટા ખેંચ્યા. થોડી મિનિટોમાં તો ઔપચારિકતા આટોપાઈ ગઈ.
બબલુની લાશને લઈ જવા પોલીસના ચાર કોન્સ્ટેબલ આગળ આવ્યા કે જગમોહને કહ્યું: ‘ઈન્સ્પેક્ટર, આપણે એક કામ કરી શકીએ? આપણે આ ડેડબોડીને એક-બે કલાક અહીં પડી રહેવા દઈએ તો?’
‘અરે, એ કઈ રીતે શક્ય છે? આ સરકારી કામ છે. અમારે લાશની કસ્ટડી તો લેવી જ પડે.’ ઈન્સ્પેક્ટર પરમાર ગુંચવાઈ ગયા.
‘આઈ નો…આઈ નો…’ જગમોહને એને સમજાવવાના સૂરમાં કહ્યું.
‘પણ ફક્ત એક-બે કલાક…’
‘ઓ.કે.’ ઇન્સ્પેક્ટરે કોન્સ્ટેબલને ઇશારો કર્યો.

‘ઈન્સ્પેક્ટર, તમે અને તમારા બે માણસ પાસેના કમરામાં છુપાઈ જાવ. હું ઈશારો કરું ત્યારે જ બહાર આવજો અને હવે તમારા બીજા બધા માણસોને અહીંથી તાબડતોબ રવાના કરી દો.’
જગમોહનનો ગંભીર ચહેરો જોઈને ઈન્સ્પેક્ટર પરમારે વધુ પ્રશ્ન પૂછવાનું ટાળ્યું. જગમોહને કહ્યું હતું એની ટીમને સૂચના આપી.
‘દીવાન સાહેબ, તમે શું કરવા માગો છો એ બાબત તમે શ્યોર છો ને?’

‘હા, ઈન્સ્પેક્ટર, હવે એક છેલ્લું કામ કચાલો, બબલુના શબને ખુરશી પર ગોઠવી દઈએ!’

ઘરના તમામ સ્તબ્ધ થઈ ગયા. પણ કોઈ કાંઈ બોલ્યું નહીં . પરમાર અને ડોક્ટર પટેલે બબલુના શબને ઊંચકીને ખુરશી પર ગોઠવ્યું.

બબલુના ભારેખમ શરીરને ઊંચકીને રેઝઝેબ થયેલા ઈન્સ્પેકટર પરમારે જગમોહન પાસે આવીને પૂછ્યું: ‘હવે તમે કહેતા હો તો આને ઊંચકીને સ્મશાનઘાટ પહોંચાડી આવું.’
એ જ વખતે કોલબેલ રણકી ઊઠી.

‘ઈન્સ્પેક્ટર, હરી અપ, તમે પાસેના કમરામાં છુપાઈ જાવ.’ બોલતો જગમોહન દીવાન બારણા પાસે ગયો.
દરવાજો ખોલ્યો કે ઈરફાન અને બાબુ અંદર ધસી આવ્યા :
‘ક્યોં શેઠ પહેચાના?’ ઈરફાને ફરી સ્વભાવગત બોલવાનું શરૂ કરી દીધું. ‘કલ રાતકો મુલાકાત હુઈ થી યાદ હૈ… શેઠ કલ તો બેવકૂફ બનાયા પર આજ તુમકો જિન્દા નહીં છોડેંગે.’
‘ઈરફાન, તેં કાલ રાતના મારા પ્રશ્નનો ઉત્તર હજી નથી આપ્યો. એક કરોડમાં કેટલાં શૂન્ય હોય છે?’ જગમોહને ગંભીર ચહેરે એ જ પ્રશ્ન પૂછ્યો.
‘બાબુભાઈ, યહ પાગલ સે આપ હી બાત કીજીયે.’ ઈરફાન અકળાયો.

‘શેઠ, તમે બહુ મોટી ભૂલ કરી બેઠા. તમને આ છોકરીની પણ દયા ન આવી?’ જગમોહનને ઉદ્ેશીને બાબુ બોલવા
લાગ્યો.

‘અરે બાબુભાઈ, યહ અપને બબલુભાઈ તો યહીં સો રહે હૈં…’ કહીને બબલુભાઈના શબ તરફ ઈરફાન આગળ વધ્યો અને લાશને ઢંઢોળવા લાગ્યો : .
‘અરે બબલુભાઈ ઊઠો, યહ કોઈ સોને કા વક્ત હૈ?’ ધક્કો લાગવાથી બબલુનું શબ એક તરફ ઝૂકી ગયું.

એ જ જોઈને બાબુએ બૂમ પાડી:
‘ઈરફાન, ભાગો…’ (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે