આમચી મુંબઈમહારાષ્ટ્ર

મરાઠા અનામત મુદ્દે સંગઠનના સભ્યોએ વલણ સ્પષ્ટ કરવાનો કર્યો અનુરોધ

મુંબઈ/પુણેઃ મરાઠા સંગઠનના સભ્યો આજે એનસીપી (એસપી) નેતા શરદ પવારને પુણેમાં તેમના નિવાસસ્થાને જઈને મળ્યા હતા અને તેમને આરક્ષણ મુદ્દે તેમનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું, વિરોધીઓએ સોલાપુર જિલ્લામાં પીઢ નેતાની એસયુવી અટકાવી અને તેમની રેલી દરમિયાન સૂત્રોચ્ચાર કર્યા તેના બીજા દિવસે આ મુલાકાત થઈ હતી.

મરાઠા ક્રાંતિ ઠોક મોરચાના નેતા રમેશ કેરે પાટીલ અને પવાર વચ્ચેની બેઠક પર પ્રતિક્રિયા આપતાં આરક્ષણના કાર્યકર્તા મનોજ જરાંગે-પાટીલે આક્ષેપ કર્યો હતો કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના અન્ય નેતાઓ મરાઠા સમુદાયમાં તિરાડ પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કેરે પાટીલની પવાર સાથેની મુલાકાતને મરાઠાઓને વિભાજિત કરવા માટેનું ‘છટકું’ ગણાવી હતી.

ફડણવીસ મરાઠા સમુદાયમાં તિરાડ ઊભી કરવાનું સપનું જોઈ રહ્યા છે, જો કે, તેમનું સ્વપ્ન ક્યારેય સાકાર થશે નહીં, એમ જરાંગે પાટીલે પુણેમાં પત્રકારોને જણાવ્યું હતું. ભાજપના નેતાઓ (પ્રવિણ) દરેકર અને ફડણવીસ આરક્ષણ મુદ્દે મરાઠાઓને વિભાજિત સમુદાય તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે એવો આરોપ જરાંગેએ કર્યો હતો.

આ પણ વાંચો: મરાઠા સમુદાય પરનો Survey Report સબમિટઃ જરાંગેની ભૂખ-હડતાળ મુદ્દે શિંદેએ કરી આ અપીલ

મરાઠા આંદોલનકારીઓએ રવિવારે સોલાપુર જિલ્લામાં પવારના વાહનને રોક્યું હતું અને બાદમાં સૂત્રોચ્ચાર કર્યા તેમ જ કાળા વાવટા દેખાડ્યા હતા. ઓબીસી કેટેગરીમાં મરાઠાઓ માટે અનામતની માંગ કરતા વિરોધીઓએ પવારને આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું. પવારે સોમવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને સર્વપક્ષી બેઠક બોલાવવાની અપીલ કરી હતી. આ બેઠકમાં મરાઠાઓ અને ઓબીસી સમુદાયો વચ્ચેના આરક્ષણને મુદ્દે થયેલા વિવાદની ચર્ચા કરવાની વિનંતી કરવામાં આવી છે.

રાજ ઠાકરેએ મારું નામ કેમ લીધું ખબર નહીં: શરદ પવાર

મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેના રસાલા પર શુક્રવારે બીડ જિલ્લામાં સોપારીઓ ફેંકવામાં આવી હતી, તે પ્રકરણે રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારનું નામ લઈને ચેતવણી ઉચ્ચારી હતી કે મારા રસ્તામાં આડા આવશો નહીં, નહીં તો મારા કાર્યકર્તા રાજ્યમાં એકેય ચૂંટણી સભા થવા દેશે નહીં.

આના પ્રત્યાઘાતરૂપે રવિવારે શરદ પવારની કારને સોલાપુરમાં રોકવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે પૂછવામાં આવતા શરદ પવારે આજે કહ્યું હતું કે રાજ ઠાકરેએ આખા પ્રકરણમાં મારું નામ કેમ લીધું તે મને ખબર નથી. હું આવા રસ્તા અપનાવતો નથી.

આ પણ વાંચો: મરાઠા અનામતનો વિરોધ કરનાર યુવાન પર છાંટ્યૂ ઓઇલ: મરાઠા કાર્યકર્તાઓની સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

રાજ ઠાકરેએ કહ્યું હતું કે શરદ પવારનું રાજકારણ જોવામાં આવે તો જેમ્સ લેન પ્રકરણથી તેમણે શરૂઆત કરી હતી. તેઓ જાતી-જાતી વચ્ચે દ્વેષ ફેલાવીને પોતાનું રાજકારણ કરે છે. તેમને અત્યારે એવું લાગતું હશે કે આટલા સંસદસભ્યો ચૂંટાઈને આવ્યા છે, પરંતુ તેના પર જશો નહીં.

ફડણવીસ પર ગુસ્સો હોય તો તેમના પર કાઢો, જાતીઓમાં કેમ દ્વેષ ફેલાવો છો? એવો સવાલ રાજ ઠાકરેએ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે મારા પ્રવાસમાં અવરોધ ઊભા કરવાનો પ્રયાસ કરતા નહીં, નહીં તો મારા છોકરાઓ (કાર્યકર્તા) શું કરશે તે તમને ખબર પણ પડશે નહીં.

શરદ પવારે કહ્યું હતું કે રાજ ઠાકરેએ બેથી ત્રણ વખત મારું નામ કેમ લીધું તે મને ખબર પડી નથી. હું આ રસ્તે ક્યારેય જતો નથી. મને મારું મહારાષ્ટ્ર થોડું ઓળખે છે. મારી પાર્શ્ર્વભૂમિ આવી નથી. હું ક્યારેય આગ્રહ કર્યો નથી અને કરીશ પણ નહીં. હું આજે પણ રાજ્યમાં ફરી રહ્યો છું અને મારી કાર પણ રોકવામાં આવે છે તો શું હું લોકોને કહું છું કે મારી કારને રોકો? એમ પવારે પૂછ્યું હતું.
(પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button