Hindenburg રિપોર્ટ પર રવિશંકર પ્રસાદે કહ્યું, આ આર્થિક અરાજકતા લાવવાનું ષડયંત્ર
નવી દિલ્હી : હિંડનબર્ગના રિપોર્ટ(Hindenburg)પર દેશમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે વિપક્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભારતના લોકો દ્વારા નકારી કાઢવામાં આવ્યા પછી કોંગ્રેસ પાર્ટી, તેના સાથી પક્ષો અને ટૂલકિટ ગેંગે ભારતમાં આર્થિક અરાજકતા અને અસ્થિરતા લાવવા માટે સાથે મળીને કાવતરું ઘડ્યું છે. હિંડનબર્ગ રિપોર્ટ શનિવારે જાહેર થયો રવિવારના દિવસે હોબાળો થાય છે. જેથી સોમવારે સમગ્ર મૂડીબજાર અસ્થિર થઈ જાય. ભારત આજે પણ શેરોની દ્રષ્ટિએ સલામત, સ્થિર અને આશાસ્પદ બજાર છે.
સેબીએ સુપ્રીમ કોર્ટની દેખરેખ તપાસ પૂર્ણ કરી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બજારો સરળતાથી ચાલે તે સુનિશ્ચિત કરવાની કાનૂની જવાબદારી સેબીની છે.જ્યારે સેબીએ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ જુલાઈમાં તેની સંપૂર્ણ તપાસ પૂર્ણ કરી હતી. તેમજ હિંડનબર્ગ સામે નોટિસ કાઢવામાં આવી હતી. ત્યારે હિંડનબર્ગ કોઈ જવાબ આપ્યા વિના પાયાવિહોણો રિપોર્ટ જાહેર કર્યો છે.
આ પણ વાંચો : ‘આ મેગા-કૌભાંડ…’ હિંડનબર્ગ રીપોર્ટ મામલે ખડગેએ વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું…
આ ટૂલકીટ ગેંગ છે
રવિશંકર પ્રસાદે કહ્યું, ‘હિંડનબર્ગમાં મુખ્ય રોકાણકાર અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસ છે. આ એક ટૂલકીટ ગેંગ છે. ષડયંત્ર દ્વારા ભારતની વધતી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શેરબજારને અસ્થિર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બધાએ જોયું છે કે એક ષડયંત્રના ભાગરૂપે આ અહેવાલ શનિવારે જ સામે આવ્યો જ્યારે બજાર બંધ છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ માર્કેટમાં શું થયું તે તમે બધાએ જોયું હશે.
અમે ભારતને નબળું નહિ પડવા દઇએ
કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, કોંગ્રેસ શું ઈચ્છે છે? શું કોંગ્રેસ ઈચ્છે છે કે ભારતમાં કોઈ રોકાણ ન થાય? ભારતના વિકાસને રોકવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ ભારતને આર્થિક રીતે નબળું પાડવા માંગે છે. પરંતુ અમે ભારતને નબળું નહિ પડવા દઇએ.