બાંગ્લાદેશ સામેની સિરીઝ પહેલા રોહિત-વિરાટ આ ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે, શું છે સીલેક્ટર્સનો પ્લાન

નવી દિલ્હી: શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમની શરમજનક હાર થઇ હતી, હવે ભારતીય ટીમ આવતા મહીને બંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચ અને ત્રણ T20 મેચની સિરીઝ (IND vs BAN) રમશે. ટેસ્ટ સિરીઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. એ પહેલા ટીમ ઈન્ડિયાએ આગામી એક મહિના સુધી કોઈ ઈન્ટરનેશનલ મેચ રમવાની નથી. ડોમેસ્ટિક ક્રિકેટમાં 5 સપ્ટેમ્બરથી દુલીપ ટ્રોફી શરૂ થઈ રહી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી દુલીપ ટ્રોફીની મેચમાં રમતા જોવા મળી શકે છે.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીના દુલીપ ટ્રોફીમાં રમવાની સંભાવના છે. પરંતુ હજુ એ સ્પષ્ટ નથી થયું કે તે પહેલી મેચ રમશે કે નહીં. BCCIની સીલેક્ટર્સ કમિટી ઈચ્છે છે કે તમામ ખેલાડીઓ દુલીપ ટ્રોફી માટે ઉપલબ્ધ રહે. એક અખબારી અહેવાલ મુજબ, શુભમન ગિલ, કેએલ રાહુલ, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ અને કુલદીપ યાદવ 5 સપ્ટેમ્બરથી નવા ફોર્મેટમાં શરૂ થઈ રહેલી દુલીપ ટ્રોફીમાં રમી શકે છે.
બાંગ્લાદેશ બાદ ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે. આવી સ્થિતિમાં સીલેક્ટર્સ આગામી 10 ટેસ્ટ મેચોની લાઇન-અપ વિશે વિચારી રહ્યા છે. અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ભારતને બાંગ્લાદેશ સામે સ્પિન ફ્રેન્ડલી પિચો મળી શકે છે. આ કારણોસર જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. થોડા સમય પહેલા, બીસીસીઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમામ રાષ્ટ્રીય ખેલાડીઓએ પોતાને ડોમેસ્ટિક ક્રિકેટ માટે ઉપલબ્ધ કરાવવું પડશે.
આ પણ વાંચો : ભારત vs શ્રીલંકા T20 મેચ પહેલા ટીમમાં મોટો ફેરફાર, આ ખેલાડીની અચાનક એન્ટ્રી
અજીત અગરકરની પેનલ દુલીપ ટ્રોફી ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ચાર ટીમો – ઈન્ડિયા A, ઈન્ડિયા B, ઈન્ડિયા C અને ઈન્ડિયા Dની પસંદગી કરશે. તેનું આયોજન લીગ ફોર્મેટમાં કરવામાં આવશે. જેનું સમાપન 22 સપ્ટેમ્બરે થશે. બાંગ્લાદેશ સામેની શ્રેણી 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. દુલીપ ટ્રોફીની આ સિઝનની પ્રથમ મેચ બેંગલુરુના મેદાન પર રમાશે.