આપણું ગુજરાતભુજ

કચ્છના સરહદી વિસ્તારમાંથી પાકિસ્તાની બિનવારસ બોટ ઝડપાઇ

ભુજ: સમગ્ર દેશમાં સ્વાતંત્ર પર્વની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે વચ્ચે બાંગ્લાદેશમાં ઉભી થયેલી વિકટ પરિસ્થિતિનો લાભ લઈને પાકિસ્તાન ‘ઇન્ટર સર્વિસીસ એજન્સી’ સાથે મળીને રાષ્ટ્રીય તહેવારો દરમ્યાન ગુજરાત સહીત દેશના દિલ્હી, મુંબઈ જેવી જગ્યાઓએ ત્રાસવાદી હુમલા કરાવવાની યોજના બનાવી રહ્યું હોવાના ગુપ્તચર વિભાગને મળેલા ઇનપુટ્સ વચ્ચે કચ્છની ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેના કુખ્યાત હરામીનાળામાંથી એક પાકિસ્તાની બોટ નધણિયાતી હાલતમાં મળી આવતાં સુરક્ષા એજન્સીઓ સાબદી બની છે.

આ અંગે સરહદી સલામતી દળના પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ, ગત ગુરુવારની મોડી સાંજે બીએસએફના જવાનો કીચડભર્યા હરામીનાળામાં જાનના જોખમે ફુટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બ્લુ રંગની એન્જીન વળી પાકિસ્તાની માછીમારી બોટ મળી આવી હતી. બિનવારસુ હાલતમાં મળેલી આ બોટની તલાશી લેતાં કેરબા, માછીમારીનાં સાધનો સિવાય શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. અલબત્ત માછીમારના

સ્વાંગમાં ભૂતકાળમાં નાપાક ઇરાદે ભારતની સીમમાં ઘુસી આવેલા ઘૂસણખોરો પકડાઈ ચુક્યા હોઈ, હાલ સંવેદનશીલ એવા હરામીનાળા આસપાસના વિસ્તારોમાં સંભવિત પાકિસ્તાની ઘૂસણખોર છુપાયા હોવાની આશંકાએ સર્ચ ઓપરેશન તેજ બનાવી દેવામાં આવ્યું હોવાનું પ્રવક્તાએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો :“બાંગ્લાદેશમાં હિંદુઓનું રક્ષણ નહીં થાય તો રોહિંગ્યા મુસ્લિમોના એ જ હાલ” સાધુ સંતોએ ઉચ્ચારી ચીમકી

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના કેટલાક મહત્વના સ્થળોએ આતંકવાદી હુમલા કરવાના ગુપ્તચર એજન્સીઓને મળેલા ઇનપુટ વચ્ચે કચ્છની સંવેદનશીલ સીમાએથી બિનવારસુ પાકિસ્તાની બોટનું મળવું તે બાબત ગંભીર હોવાનું સુરક્ષા જાણકારો જણાવી રહ્યા છે. હાલ આ બોટ કેવી રીતે અહીં પહોંચી અને તેમાં કેટલા લોકો સવાર હતા તે જાણવા હાલ સલામતી દળ તપાસ ચલાવી રહ્યાનું દયાપર પોલીસ મથક પાસેથી જાણવા મળ્યું છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button