ઉત્સવ

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

સ્વતંત્રતાનો એક અર્થ મુક્તિ પણ છે. મુક્તિ આપવી એટલે છુટકારો થવો. મુક્તિ પામવી કે મુક્તિ મળવી એટલે મોક્ષ થવો, સંસારના બંધનમાંથી છૂટા થઈ જવું એવો પણ અર્થ છે. ટૂંકમાં સ્વતંત્રતાનો અર્થ કરવા દરેક જણ સ્વતંત્ર છે. ભાષા સાહિત્યમાં મુક્તકની હાજરી મુગ્ધ અને મોજ કરાવનારી છે. મુક્તક શબ્દ ‘મુક્ત’ એટલે કે ‘છૂટું’ પરથી ઊતરી આવ્યો હોવાનો મત છે. મુક્તક લઘુકાવ્યનો પ્રાચીન અને પ્રચલિત પ્રકાર છે. મુક્તક એટલે એક સ્વતંત્ર કડી કે શ્ર્લોકનું કાવ્ય. કાવ્યપ્રકાર તરીકે મુક્તક બે હજારથી પણ વધુ વર્ષોથી લખાતાં આવ્યાં છે. મુક્તકમાં બે કે ચાર પંક્તિમાં ભાવકને તરબોળ કરી દેવાનું કૌવત હોય છે. સોરઠા અને છપ્પામાં પણ મુક્તકની હાજરી છે. માતૃભાષામાં અનેક મુક્તક રચાયા છે. અહીં આપણે મુક્તકની સાહિત્યિક વાત કે મીમાંસા નથી કરવી, પણ જૂજ પંક્તિઓ મનુષ્યના ભાવ વિશ્ર્વને ઢંઢોળવાનું કેવું કૌવત ધરાવે છે એ જોવું – ઓળખવું છે. કોઈને ઢંઢોળીને જગાડવો એ સૌથી મોટું પુણ્યનું કામ છે.

સરળ ભાષા અને ચોટદાર અભિવ્યક્તિમાં માહેર કૈલાશ પંડિતનું બહુ જાણીતું મુક્તક છે: કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે? મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે? અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે? સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે? ચાર પંક્તિમાં જાણે કે સમગ્ર બ્રહ્માંડ સમજાવી દે છે કવિ.

અમૃતભાઈ લાલજીભાઈ ભટ્ટ – અમૃત ‘ઘાયલ’નો એક જાણીતો કિસ્સો છે કે એક સમયના અલગ રાજ્ય સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉછંગરાય ઢેબર હતા ત્યારે સીએમ અને વિધાનસભ્યો સમક્ષ કાવ્યપઠન માટે જવાનું કહેણ આવ્યું હતું, પણ અગાઉથી જણાવી સંમતિ ન લીધી હોવાથી ‘હું નહીં આવું’ એમ ઘાયલ સાહેબે રોકડું પરખાવી દીધું હતું. આવા મિજાજના સર્જક પાસેથી કેવું મુક્તક મળે એની કલ્પના કરવી મુશ્કેલ નથી: થોડો ઝાઝો હિસાબ તો આપો, ખોટો સાચો જવાબ તો આપો, બાગમાં ભાગ છે અમારો પણ, એક વાસી ગુલાબ તો આપો! હકની માગણીનું કેવું ધારદાર સ્વરૂપ! મિર્ઝા ગાલિબના કેટલાક શેર વિશે કહેવાય છે કે તમે એ પ્રેમિકાને પણ કહી શકો અને પ્રભુને પણ. ‘ઘાયલ’ સાહેબનું ફરિયાદ કરતું મુક્તક પિતા, પત્ની, બોસ કે સરકારના સર્વોપરીને પણ કહી શકાય એવું સશક્ત છે. સત્ય સચોટતાથી કહેવાની કળા તેમને હસ્તગત હતી.

મોતનો માતમ ન હોય પણ મૃત્યુ મહોત્સવ છે કે ‘મૌત તૂ એક કવિતા હૈ’ તેમજ ‘પરમસખા મૃત્યુ’ જેવી ભાવના સાથે ઠાઠથી બિરાજમાન છે મુશાયરાના મહારથી અને જલસાના જ્યોતિર્ધર જેવી ઉપમાના ધણી શોભિત દેસાઈનું મુક્તક: વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય, સર્વ યાદોને ભૂલવાનો સમય.ખૂબસૂરત પ્રસવ મરણનો અને હોવાની કેદ ખૂલવાનો સમય. ‘વિસ્મરણમાં ઝૂલવું’ અને હોવાની ‘કેદનું ખૂલવું’ જેવી અભિવ્યક્તિ દ્વારા કવિ મૃત્યુને અલગ રીતે જોવાની દ્રષ્ટિ આપી એને અલગ સપાટીએ મૂકી દે છે. હોવાની કેદનું ખૂલવું દ્વારા મૃત્યુ એ તો મુક્તિ છે એમ કદાચ કવિ કહેવા માગે છે અને મુક્તિ એ સ્વાતંત્ર્યનો જ પર્યાય છે ને.

INDEPENDENCE – INDEPENDENT

ગુરુવારે 15 ઓગસ્ટ છે. 1947માં આ દિવસે આપણો દેશ બ્રિટનની ગુલામીમાંથી મુક્ત થયો હતો. આ દિવસ સ્વાતંત્ર્ય દિન – INDEPENDENCE DAY તરીકે ઉજવાય છે. અંગ્રેજીમાં એવા કેટલાક શબ્દો છે જે મામૂલી તફાવતથી સંજ્ઞામાંથી વિશેષણ Noun to Verb બની જાય છે. INDEPENDENCE is Noun, whereas INDEPENDENT is Adjective. ઉદાહરણ જોઈએ.. Ghana gained independence from the UK in 1957. ઘાનાને 1957માં યુકે પાસેથી સ્વાતંત્ર્ય મળ્યું.Two independent surveys were carried out. એકબીજા સાથે સંબંધ નહીં ધરાવતા – આધાર નહીં રાખતા બે સ્વતંત્ર સર્વે કરવામાં આવ્યા. ઈન્ડિપેન્ડન્ટ આર્થિક સ્વાતંત્ર્ય દર્શાવવા પણ વાપરવામાં આવે છે. Present generation’s girls want to be financially independent. આજની પેઢીની છોકરીઓ આર્થિક સ્વતંત્રાનો આગ્રહ રાખતી હોય છે. Independent has many synonyms. ઈન્ડિપેન્ડન્ટ શબ્દના ઘણા પર્યાયવાચી શબ્દ છે. એક શબ્દ છે ઓટોનોમસ. Autonomous means able to take care of oneself or itself without outside help. બહારથી કે અન્યની મદદ લીધા વિના પોતાની સંભાળ રાખી શકે, વ્યવહાર ચલાવી શકે, શાસન કરી શકે એ ઓટોનોમસ – સ્વાયત્ત કહેવાય છે. Autonomous vehicles operate without human control. સ્વાયત્ત વાહનો માનવ અંકુશ વિના ચાલતા હોય છે. દેશના સ્વાતંત્ર્યના અર્થમાં

Sovereign શબ્દ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. સોવરિન શબ્દનો અર્થ થાય છે સાર્વભૌમ, સર્વોપરી. The UN is an association of sovereign states. યુનાઇટેડ નેશન્સ સાર્વભૌમ રાષ્ટ્રનો સંઘ છે. કાયદો, સમાજ, રાજ્ય, નીતિ વગેરેનાં બંધનોમાંથી મુક્ત કરવા માટે Emancipate શબ્દ વપરાય છે. The emancipation of women has always been closely bound up with the struggle for political freedom in India. ભારતની સ્વાતંત્ર્ય લડત સાથે મહિલા મુક્તિની ભાવના કાયમ જોડાયેલી હતી.

गुजराती प्रयोग हिंदी में

ભાષાની કેટલીક કહેવતો અને રૂઢિપ્રયોગ ક્યારેક કોઈ હકીકત કે ઘટનામાંથી જન્મ લેતા હોય છે. કોઈ વ્યક્તિ કે ઘટનાથી માણસ ડરી જાય, ભયભીત થઈ જાય એ માટે હિન્દીમાં भीगी बिल्ली बनना રૂઢિપ્રયોગ વપરાય છે. બિલાડીના ભીના થવા સાથે ભયને શું સંબંધ એવો સવાલ થવો સ્વાભાવિક છે. વાત એમ છે કે બિલાડી પાણીથી ભીંજાય ત્યારે એના શરીર પરની રૂંવાટી પાણીમાં તરબોળ થવાને કારણે બિલાડી પોતાને વજનદાર મેહસૂસ કરે છે. એની ચપળતા ઘટી જાય છે અને એથી એ ડરી જાય છે. स्कूल में सभी लड़के बहुत शोर मचा रहे थे, लेकिन टीचर के सामने आते ही सब भीगी बिल्ली बन गए। સદંતર ખોટી વાત, ગપગોળા માટે હિન્દીમાં चंडूखाने की गप्प પ્રયોગ વપરાય છે. ચંડૂખાને બે શબ્દના યુગ્મથી તૈયાર થયો છે. અફીણની ગોળી હિન્દીમાં ચંડૂ કહેવાય છે અને ખાના ફારસી શબ્દ છે જેનો અર્થ ઓરડો કે કક્ષ થાય છે. चंडूखाने में यह अफीम पी जाती है। पीने के बाद शुरू होती है अफीमचियों की लंतरानी, जिसके लिए आज भी ‘चंडूखाने की गप’ जैसा मुहावरा सुनने को मिल जाता है। અફીણના અડ્ડામાં એના સેવનનો નશો ચડ્યા પછી અફીણીઓ શેખી કે ડિંગ (બિલ ગેટ્સને પહેલો ઓર્ડર મેં આપેલો અને એમાંથી એ મોટો માણસ બન્યો) મારતા હોય છે. એના પરથી આ રૂઢિપ્રયોગ અસ્તિત્વમાં આવ્યો છે.

विलक्षण भाषा

ભાષા એટલે સંકેત વ્યવસ્થા એવો પણ એક અર્થ થાય છે. કોઈ આશય કે હેતુ ભાષાના માધ્યમથી વ્યક્ત કરવામાં આવે છે. ભાષા અક્ષરથી આકાર લઈ શબ્દ સ્વરૂપ પામે છે અને પછી વાક્ય દ્વારા આશય કે હેતુ વ્યક્ત થતા હોય છે. શબ્દ યુગ્મની લાક્ષણિકતાના આજના અંતિમ હપ્તામાં અન્ય ઉદાહરણ જોઈ ભાવ ફરક સમજીએ. घोटाळा – भानगड શબ્દ ગોટાળો કે ગોલમાલ દર્શાવવા વપરાય છે. અલબત્ત સૂક્ષ્મ સ્વરૂપે ફરક છે. जो अचानक नकळत होतो तो घोटाळा. અચાનક, કલ્પના પણ ન હોય અને જોવા મળે એ ઘોટાળા. भारतात अनेक प्रकारचे घोटाळे व भ्रष्टाचार होत आलेले आहेत. ભારતમાં અનેક પ્રકારે ગોલમાલ અને ભ્રષ્ટાચાર થતા આવ્યા છે. जी नियोजनबद्ध पद्धतीने होते ती भानगड. જે આયોજનપૂર્વક થાય એ ભાનગડ – ગુજરાતીમાં ભાંજગડ (ખટપટ – ઘાલમેલ). बरीच भानगडी करुन तो पळाला। સારી એવી ઘાલમેલ કરી એ નાસી ગયો. आभाळ- आकाश શબ્દ યુગમાં કોઈ જ ફરક પ્રથમ દ્રષ્ટિએ નહીં લાગે. भरून येतं ते आभाळ. વાદળ, વરસાદ સાથે આભાળ શબ્દ જોડાયેલો છે. आभाळ फाटले तेथे ठिगळ कसे देणार – આભ ફાટ્યું હોય ત્યાં થીગડું કઈ રીતે દેવાય? निरभ्र असत ते आकाश. વાદળ વિનાનું હોય એ આકાશ. पावसाळ्याच्या दिवसात निरभ्र आकाश पाहून शेतकरी चिंताक्रांत झाले. ચોમાસાના દિવસોમાં વાદળ વિનાનું આકષ જોઈ ખેડૂતો ચિંતાગ્રસ્ત થયા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમારા ફોનમાં પણ દેખાય છે આ ખાસ સાઈન? કોઈ કરી રહ્યું છે તમારા ફોનની જાસૂસી… આ ફિલ્મોએ સેલિબ્રેટ કર્યા છે ઑલિમ્પિક વિનર્સને ફેન્સ બોલીવૂડની જે હસીનાઓના દિવાના છે, એ છે આમની દિવાની, ફોટો જોઈને જ… શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે તો આ ફળોનું સેવન કરો, જે વાળને ફરીથી ઉગવામાં મદદ કરે છે