ધ્યાન સાધના ધ્યાન એટલે ત્યાં (ધ્યેયમાં) ચિત્તના પ્રત્યયની એક્તાનતા
તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ
૧. ધ્યાનની મહત્તા:
પ્રત્યેક સાધનપથનાં બે પ્રધાન સોપાન હોય છે- બહિરંગ સાધન અને અંતરંગ સાધન ધ્યાન અંતરંગ સાધન છે. એટલું જ નહીં, પરંતુ ઘણું મૂલ્યવાન અને મહત્ત્વપૂર્ણ અંતરંગ સાધન છે. સાધનના કોઇ પણ પથ પર ધ્યાન-સાધનાનો તબક્કો આવે જ છે. સાધનાનાં અનેકવિધ સ્વરૂપો છે અને તે પ્રમાણે ધ્યાનનાં પણ અનેક સ્વરૂપો છે. દરેક સાધનપ્રણાલીમાં પોતાની પદ્ધતિ પ્રમાણેનો ધ્યાનાભ્યાસ અવશ્ય હોય છે. એમ બની શકે કે કોઇ સાધનપથમાં ‘ધ્યાનાભ્યાસ’ એનો શબ્દપ્રયોગ ન થતો હોય છતાં અન્યનામધારી સાધનસ્વરૂપે પણ કોઇ ને કોઇ સ્વરૂપે ધ્યાનાભ્યાસ હોય જ છે. એકાગ્ર ચિત્તે કરેલાં નામજપ પણ ધ્યાનનું જ એક સ્વરૂપ છે. અને નાદાનુસંધાનપૂર્વક કરેલ પ્રણવસાધના પણ ધ્યાનનું જ એક સ્વરૂપ ભે.
આમ ધ્યાનસાધના અધ્યાત્મપથનું અનિવાર્ય, મહત્ત્વપૂર્ણ અને મૂલ્યવાન અંતરંગ સાધન છે.
૨. ધ્યાન એટલે શું?
ધ્યાનની વ્યાખ્યા આપતાં ભગવાન પતંજલિ કહે છે:
“ધ્યાન એટલે ત્યાં (ધ્યેયમાં) ચિત્તના પ્રત્યયની એક્તાનતા.
ધ્યાનાભ્યાસનો પ્રારંભ કરતી વધતે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની ત્રિપુટી હોય છે. જ્યારે ધ્યાતા ધ્યેયાકાર બની જાય ત્યારે તે અવસ્થાને ધ્યાનાવસ્ઘા કહે છે.
ભગવાન શ્રીકૃષ્ણ ધ્યાનાભ્યાસની પ્રક્રિયા આ રીતે સમજાવે છે:
“ચંચળ અને અસ્થિર મન જે જે વિષયમાં વિચરતું હોય તેનો વિષયમાંથી તેને પાછું વાળીને આત્મામાં જ સ્થિર કરો.
મન સ્વરૂપથી જ ચંચળ છે, તેથી કોઇ એક વિષયમાં લાંબા વખત સુધી સ્થિર રહેતું નથી. મનની આ અસ્થિરતાનું ભેદન કરીને તેને કોઇ વિષય કે ધ્યેયમાં સ્થિર રાખવું તે ધ્યાનનું સ્વરૂપ છે. ધ્યાનનાં અનેકવિધ સ્વરૂપો અને પદ્ધતિઓ છે. દરેક સ્વરૂપની પોતાની વિશિષ્ટતા હોય છે. આ બધાં સ્વરૂપોમાં જે સામાન્ય લક્ષણ હોય તેને ધ્યાનનું પ્રધાન લક્ષણ ગણવું જોઇએ. આ લક્ષણ છે. ધ્યાતાનું ધ્યેયાકાર થવું તે આ જ લક્ષણને અન્ય રીતે પણ કહી શકાય છે:
(૧) અસ્થિર ચિત્ત વિષયમાં સ્થિર થાય.
(૨) વિષયોમાં વિચરણ કરતું ચિત્ત આત્મામાં એકાકાર થાય.
(૩) ચિત્તના પ્રત્યયની ધારા ધ્યેયમાં અખંડ સ્વરૂપે વહે.
ધ્યાનની અનેકવિધ પદ્ધતિઓ છે. સમજણની સરળતા માટે આપણે તેમને ચાર વિભાગમાં વહેંચી શકીએ- ભક્તિપરક ધ્યાનપદ્ધતિઓ, યોગપરક ધ્યાનપદ્ધતિઓ, જ્ઞાનપરક ધ્યાનપદ્ધતિ અને અન્ય ધ્યાનપદ્ધતિઓ.
૩. ભક્તિપરક ધ્યાનાપદ્ધતિઓ:
ભક્તિ એટલે ભગવતત્પ્રેમ ભક્તના હ્રદયમાં ભગવાન માટે પ્રેમ પ્રગટે, આ ભગવત્પ્રેમ વિકસે અને આખરે ભક્ત ભગવાનનાં ચરણોમાં સમર્પિત થાય તે ભક્તિની યાત્રા છે. ભક્તિ હ્રદયપ્રધાન સાધનપથ છે, તેથી ભક્તિપરક ધ્યાનપદ્ધતિઓ પણ હ્રદયપ્રધાન જ હોય તે સ્વાભાવિક છે.
(૧) જપયુક્ત ધ્યાન:
ભગવાનના નામનો જપ કરવો તે ભક્તિમાર્ગમાં ઘણું મૂલ્યવાન સાધન ગણાય છે. નામજપ ગમે તે રીતે કરવામાં આવે તોપણ તે કદી નિષ્ફળ જતો નથી. પરંતુ બંધ્યાનપણે અને યંત્રવત્ કરેલા નામજપ કરતાં ધ્યાનપૂર્વક કરેલા જપ સહસ્રગણા અધિક મૂલ્યવાન ગણાય છે, તેથી નામજપ ધ્યાનપૂર્વક કરવામાં આવે તે ઇષ્ટ છે. આ ધ્યાનપૂર્વક કરેલા જપને જ જપયુક્ત ધ્યાન પણ કહેવામાં
આવે છે.
જપયુક્ત ધ્યાન કેવી રીતે કરવું?
ભક્ત પોતાના ઇષ્ટદેવના નામનો જપ કરે છે અને જપ કરતી વખતે ધ્યાન તે નામ પર જ રાખે છે. દષ્ટાંતત: એક રામભક્ત રામનામનો જપ કરે છે. જો તે ભક્ત રામનામના જપ દરમિયાન પોતાના ચિત્તને જપની પ્રક્રિયા પર એકાગ્ર કરે તો તે ઘટના ધ્યાનની જ પ્રક્રિયા છે. ભક્ત રામનામના જપ દરમિયાન વાચિક, ઉપાંશુ કે માનસિક સ્વરૂપે રા… મ રા…મ રા…મ રા…મ- આ જપાપ્રક્રિયા પર ધ્યાનને એકાગ્ર કરે છે. જ્યારે નામજપની સાથેસાથે નામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ઘટના સિદ્ધ થાય ત્યારે ‘જપયુક્ત ધ્યાન’ની પદ્ધતિ સિદ્ધ થઇ છે તેમ ગણી શકાય.
ઘણા સાધકો એવી ફરિયાદ કરતા હોય છે કે વર્ષોથી જપ કરવા છતાં તેમની સાધના અને જીવનમાં કોઇ ક્રાંતિ જોવા મળતી નથી. આમ થવાનું કારણ એ હોય છે કે તેમના જપ મોટે ભાગે બેધ્યાનપણે અને યંત્રવત્ થતાં હોય છે. આ રીતે થતા જપમાં ઊંડાણ હોતું નથી તેથી તેવા જપ દ્વારા ક્રાંતિ ફલિત થતી નથી. આ રીતે યંત્રવત્ થતા જપમાં ચેતનાનો ઘણો નાનો અંશ જ જપ કરે છે અને બાકીની ચેતના અન્યત્ર રોકાયેલી હોય છે. જ્યારે જપ સાથે ધ્યાન પણ જોડાય ત્યારે જપ સમગ્ર ચેતના દ્વારા થવા માંડે છે. સમગ્ર ચેતના દ્વારા થતા જપમાં ઊંડાણ હોય છે. આવા જપ જીવનમાં ક્રાંતિ સર્જી શકે છે.
આમ જપમાં જ્યારે ધ્યાન જોડાય છે ત્યારે તે જપયુક્ત ધ્યાન ગણાય છે. જપયુક્ત ધ્યાનપદ્ધતિ બહુ સરળ પદ્ધતિ છે અને સર્વજનસુલભ છે. પ્રારંભમાં મન ચંચળ બનીને અન્યત્ર વિહરણ કરવા લાગે તેમ બને છે. પરંતુ આ અભ્યાસને ધીરજપૂર્વક ચાલુ રાખવામાં આવે તો જપયુક્ત ધ્યાનપદ્ધતિ દ્વારા મધુર રસ પ્રગટે છે. એક વાર મધુર રસનો સ્વાદ ચાખ્યા પછી મનને એકાગ્ર કરવા માટે આયાસ કરવી પડતો નથી. પછી તો જપયુક્ત ધ્યાનની મધુરતા જ મનને એકાગ્ર કરી દે છે. દરેક સાધનપદ્ધતિ પ્રારંભમાં કઠિન હોય છે તેટલી કઠિન પછી હોતી નથી. જ્યાં સુધી સાધનમાં રસ ન પ્રગટે ત્યાં સુધી તે કઠિન લાગે છે. જ્યારે સાધનમાં રસ પ્રગટે પછી તો બધું સહજ અને સરળ બની જાય છે.
(૨) ભગવત્સ્વરૂપનું ધ્યાન:
પોતાના ઇષ્ટદેવના સ્વરૂપનું ધ્યાન કરવું તે પણ ધ્યાનની એક પદ્ધતિ છે. ધ્યાનની આ પદ્ધતિના અર્થાત્ સ્વરૂપધ્યાનના બે તબક્કા છે. પ્રથમ તબક્કામાં સાધક પોતાના ઇષ્ટદેવની મૂર્તિ કે ચિત્રનું નિરીક્ષણપૂર્વક ધ્યાન કરે છે. આ તબક્કામાં ઇષ્ટદેવના શ્રીવિગ્રહનું એકાગ્રભાવે દર્શન છે. શ્રીવિગ્રહને આંખ દ્વારા ચિત્તમાં ભરવાની આ પ્રક્રિયા છે. આ દર્શન મંદિરમાં કરાતા દર્શનની જેમ ક્ષણિક નથી. સાધન લાંબા સમય સુધી શ્રીવિગ્રહનાં દર્શન કરે છે તેથી તે ધ્યાન છે. દ્વિતીય તબક્કામાં ઇષ્ટમૂર્તિ કે ચિત્રનું ચર્મચક્ષુથી ધ્યાન કરવાને બદલે મનશ્ર્ચક્ષુથી ધ્યાન કરવામાં આવે છે. આ તબક્કામાં આંધ બંધ કરીને, પ્રથમ તબક્કામાં જેનું દર્શનાત્મક ધ્યાન કર્યું હોય છે તેનું મનથી ધ્યાન કરવામાં આવે છે. જે શ્રીવિગ્રહનું એકાગ્રભાવે દર્શનાત્મક ધ્યાન કર્યું હોય તેની સ્મૃતિ ચિત્તમાં અંક્તિ થયેલી હોય છે. આ સ્મૃતિને આધારે મન સમક્ષ ભગવત્સ્વરૂપને ઉપસ્થિત કરાય છે. આ સુક્ષ્મ સ્વરૂપને ચિત્તમાં એકાગ્રભાવે ધારણ કરવામાં આવે છે. ચિત્ત તેના દર્શનમાં – આસ્વાદનમાં તલ્લીન બની જાય છે. આ સૂક્ષ્મ અને મનોમય ભગવતત્સ્વરૂપનું ધ્યાન નીચેનાં ત્રણમાંથી કોઇ એક સ્થાન પર કરવામાં આવે છે:
(૧) હ્રદયાકાશ (૨) ભ્રૂમધ્યાકાશ (૩) બાહ્યાકાશ
ભગવત્સ્વરૂપનું ધ્યાન તે કોઇ શુષ્ઠ પ્રક્રિયા નથી. પોતાના વહાલાના સ્વરૂપના ધ્યાનમાં કેવો ભાવ પ્રગટે છે, કેટલો આનંદ અનુભવાય છે, તે તો માત્ર અનુભવથી જ સમજી શકાય છે. પ્રિયતમાને પોતાના પ્રિયતમના ધ્યાનમાં કેવો ભાવ અનુભવાય? માતાને પોતાના વહાલસોયા પુત્રના ધ્યાનમાં કેવો ભાવ અનુભવાય? આ બધા ભાવને એકત્રિત કરીને સહસ્ત્રગણા અધિક બનાવો. તેવો ભાવ – તેવો પ્રેમ-તેવો આનંદ- અરે! તેનાથી પણ અધિકાઅધિક ભાવ, પ્રેમ અને આનંદ ભગવત્સ્વરૂપના ધ્યાન દ્વારા પ્રગટે છે. ભગવાન પ્રેમસ્વરૂપ છે અને ભગવત્સ્વરૂપ પણ પ્રેમસ્વરૂપ છે. આવા પરમ પ્રેમાસ્પદ પરમ પ્રેમીના સ્વરૂપનું ધ્યાન કરવાથી હ્રદયમાં પ્રેમના જે ઓઘ ઊમટે છે તેનું વર્ણન કરવા માટેની ભાષાની રચના કરવાનું કાર્ય હજુ બાકી છે. પ્રારંભમાં ચંચળ મન અન્યત્ર ભટકે તેવી શક્યતા છે, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે તે પ્રમાણે અભ્યાસ ભટકે તેવી શક્યતા છે, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે તે પ્રમાણે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા ચંચળ ચિત્તને વશ કરી શકાય છે. (ક્રમશ:)