આમચી મુંબઈમહારાષ્ટ્ર

મનસે વરલી સીટ પર વિધાનસભ્ય આદિત્ય ઠાકરે સામે ચૂંટણી લડશે

મુંબઈ: લોકસભા ચૂંટણીમાં વરલીમાં શિવસેના (યુબીટી)ના ઉમેદવારની લીડ 7,000 જેટલી ઓછી થઈ જવાથી મનસે એક તક અનુભવે છે અને સંદીપ દેશપાંડેને આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી આદિત્ય ઠાકરે સામે મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે.

ભારતના કેટલાક સૌથી ધનાઢ્ય રહેવાસીઓનાં ઘર આવેલા છે તે વરલી વિસ્તાર મુંબઈ દક્ષિણ લોકસભા મતવિસ્તારનો એક ભાગ છે ઉચ્ચ અને સમૃદ્ધ બિઝનેસ હબ તરીકે તેની ઓળખ છે. જો કે, તેમાં પુન:વિકાસની રાહ જોઈ રહેલી જર્જરિત ચાલીઓ પણ આવેલી છે, જેમ કે બીડીડી ચાલ અને પોલીસ કોલોની.

ઝૂંપડપટ્ટીના પુન:વસનના ઘણા પ્રોજેક્ટ અટકેલા છે અને કેટલીક ઇમારતોના પુન:વિકાસ ચાલુ થયા છે, પરંતુ રહેવાસીઓને વચન આપેલ માસિક ભાડું પૂરું પાડ્યું નથી. આ બધી ઘણી સમસ્યાઓ વચ્ચે શનિવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) ના પ્રમુખ રાજ ઠાકરેએ વરલીને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી અને વરલી સંબંધિત ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ બેઠક મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: વિધાનસભાની ચૂંટણીમાં શરદ પવાર આ લોકોને આપશે તક…

મીટિંગ બાદ શિંદેએ અધિકારીઓને વરલીના મુદ્દાઓને પ્રાધાન્ય આપવાનો નિર્દેશ આપ્યો હતો, એમ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી જાણવા મળ્યું હતું. મનસેના નેતા દેશપાંડે વરલીના રહેવાસીઓ સાથે તેમની ચિંતાઓને દૂર કરવા સક્રિયપણે જોડાઈ રહ્યા છે.

નોંધનીય છે કે, મનસેએ 2019ની વિધાનસભા ચૂંટણીમાં વરલીમાંથી ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો કારણ કે શિવસેના (યુબીટી)ના વડા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે તેમની પ્રથમ ચૂંટણી લડી રહ્યા હતા.
આદિત્ય ચૂંટણીના રાજકારણમાં પ્રવેશનાર પ્રથમ ઠાકરે છે અને 62,247 મતોની સરસાઈથી જીત્યા હતા, કેમ કે ત્યારે તેમને કોઈ મજબૂત વિરોધીનો સામનો કરવા મળ્યો નહોતો.

લોકસભાની ચૂંટણીમાં ઘટ્યું માર્જીન

શિવસેના (યુબીટી)ની જીત છતાં 2024ની લોકસભાની ચૂંટણી દરમિયાન વરલી વિધાનસભા ક્ષેત્રમાં લીડમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં પક્ષના ઉમેદવાર અરવિંદ સાવંત માત્ર 6,715 મતોથી આગળ હતા, જે મુંબઈ દક્ષિણ હેઠળની છ વિધાનસભા બેઠકોમાંની ચાર બેઠકોમાં સૌથી ઓછી હતી. મનસે હવે અહીં શક્યતા જોઈ રહી છે. શાસક ગઠબંધન કે મનસે સાથે મળીને ચૂંટણી લડશે કે કેમ તે હજી સુધી સ્પષ્ટ નથી.

એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને સત્તાધારી ભાજપ તેમની હાજરીને મજબૂત કરવા માટે વરલીમાં કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. દેશપાંડેએ કહ્યું હતું કે, 2017ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અમે વરલીમાંથી લગભગ 30,000 થી 33,000 મતો મેળવ્યા હતા. અમારી પાસે આ મતવિસ્તારમાં મનસેને સમર્પિત મતદારો છે.

મનસેએ એવો દાવો કર્યો છે કે આદિત્ય ઠાકરે તેમના પિતા ઉદ્ધવ ઠાકરે પછી શિવસેના (યુબીટી)માં પદાનુક્રમમાં સેક્ધડ ઇન કમાન્ડ છે અને સામાન્ય લોકો માટે મળવા સુલભ નથી, જ્યારે સ્થાનિકોને એવા વિધાનસભ્યની જરૂર છે જે તેમને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. પ્રશ્ન અહીં સુલભતાનો છે. લોકોને સુલભ હોય તેવા વિધાનસભ્યની જરૂર છે, જે વર્તમાન વિધાનસભ્યની બાબતમાં નથી, એમ દેશપાંડેએ કહ્યું હતું.

આ પણ વાંચો: મહાયુતિ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અમારા કામ અને કલ્યાણકારી યોજનાને આધારે જીતશે: એકનાથ શિંદે

મનસે મત તોડી શકે, જીતશે નહીં: શિવસેના (યુબીટી)

શિવસેના (યુબીટી)ના વિધાન પરિષદના સભ્ય સુનિલ શિંદેએ લોકસભા ચૂંટણી દરમિયાન તેમના પક્ષના ઉમેદવારની લીડમાં ‘અનપેક્ષિત ઘટાડો’ સ્વીકાર્યો હતો અને તેને વધુ પડતા આત્મવિશ્ર્વાસને આભારી ગણાવ્યો હતો, પરંતુ આગામી વિધાનસભા ચૂંટણીમાં આદિત્ય ઠાકરેના મેદાનમાં પાછા ફરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

લીડમાં ઘટાડો થવાનો અર્થ એ નથી કે લોકો અમારાથી નારાજ હતા. અમારા ઉમેદવાર અમારા પ્રતિસ્પર્ધી (શિવસેનાના યામિની જાધવ) કરતા ઘણા સારા હતા, પરંતુ લોકસભાની ચૂંટણીમાં મોદી પરિબળ હતું. અમને અપેક્ષા મુજબનું પરિણામ મળ્યું નથી. એમ તેમણે કહ્યું હતું.

એમએલસીએ કહ્યું કે ત્રિકોણીય હરીફાઈમાં મનસે કદાચ સેના (યુબીટી) ના મતો ખાઈ શકે છે, પરંતુ માત્ર 2,500ની આસપાસ. શિવસેના (યુબીટી) પાસે ચૂંટણીના દિવસે મતદારોને મતદાન મથકો તરફ આકર્ષવા માટે મજબૂત યોજના છે, એમ તેમણે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં આ વર્ષે ઓક્ટોબરમાં 288 વિધાનસભા સીટો માટે ચૂંટણી થવાની છે. મુંબઈ શહેર અને મુંબઈ ઉપનગર જિલ્લો મળીને 36 વિધાનસભ્યોને રાજ્યની વિધાનસભામાં પહોંચશે. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભીંડાનું પાણી પીવાના ફાયદા ચહેરા પરની ચરબી ઓછી કરવી છે? સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે…