આ કોના હાથની ચા પીધી પીએમ મોદીએ?
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે એક રોબોટના હાથની ચા પણ પીધી હતી. PMએ સાયન્સ સિટીની રોબોટિક્સ ગેલેરીની મુલાકાત લીધી હતી. તેમની સાથે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા.
Exploring the endless possibilities of the future with Robotics! pic.twitter.com/DYtvZN9CLC
— Narendra Modi (@narendramodi) September 27, 2023
નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર ગુજરાત સાયન્સ સિટીની તેમની મુલાકાતની ઝલક ધરાવતો વીડિયો શેર કર્યો છે. 50 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે પીએમ કેવી રીતે રોબોટ્સ વિશે માહિતી લઈ રહ્યા છે. તેઓ રોબોટ ટેક્નોલોજીના નિષ્ણાતો પાસેથી માહિતી લઈ રહ્યા છે કે આવનારા દિવસોમાં આ મશીનો કેવી રીતે અજાયબીઓનું પ્રદર્શન કરશે.
નરેન્દ્ર મોદી જ્યારે સાયન્સ સિટીની રોબોટિક્સ ગેલેરીના કેફેમાં ગયા ત્યારે તેમને એક અનોખો અનુભવ મળ્યો. તેમના માટે ચા અને નાસ્તો કોઈ માણસ દ્વારા નહિ, પરંતુ રોબોટ દ્વારા લાવવામાં આવ્યો હતો. પીએમે રોબોટ પાસેથી ચા લીધી હતી. આ પછી તેઓ ગેલેરીમાં પ્રદર્શિત અન્ય રોબોટ્સ પાસે ગયા હતા અને તેમની વિશેષતાઓ વિશે જાણ્યું હતું. વડાપ્રધાને ડીઆરડીઓ દ્વારા તૈયાર કરાયેલા રોબોટ વિશે માહિતી લીધી હતી. તેઓએ માઇક્રોબોટ્સ, કૃષિ રોબોટ્સ, મેડિકલ રોબોટ્સ, સ્પેસ રોબોટ્સ અને અન્ય પ્રકારના રોબોટ પણ જોયા હતા. પીએમે કેટલાક રોબોટ પોતે પણ દોડતા જોયા હતા.
સાયન્સ સિટીમાં હાજર એન્જિનિયરોએ પીએમને જણાવ્યું હતું કે કેવી રીતે રોબોટ્સનો ઉપયોગ ભૂકંપ જેવી આફતોથી લઈને ઈમરજન્સીની સ્થિતિમાં ઊંચી ઈમારતો પર ચઢવા સુધીના કાર્યો માટે થઈ શકે છે. રોબોટની મદદથી કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવી શકાય છે. ઘરની સફાઈ જેવા કામ પણ રોબોટ કરી શકે છે.