સ્પેન-બેલ્જિયમની હૉકીમાં છેલ્લે મોટો ડ્રામા થઈ ગયો!
પૅરિસ: મેન્સ હૉકીમાં બેલ્જિયમ વર્લ્ડ નંબર-વન તેમ જ ઑલિમ્પિક્સનું ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને સ્પેન છેક આઠમા ક્રમે છે, પરંતુ રવિવારે પૅરિસ ઑલિમ્પિક્સની ક્વૉર્ટર ફાઇનલમાં સ્પેને બેલ્જિયમને થ્રિલરમાં 3-2થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ મુકાબલાનો અંત નાટ્યાત્મક રહ્યો હતો.
હૉકીની મૅચ કુલ 60 મિનિટની હોય છે જેમાં 15-15 મિનિટના ચાર ક્વૉર્ટર રાખવામાં આવે છે. ચોથા ક્વૉર્ટરની અંતિમ પળોમાં સ્પેનની ટીમને માની લીધું હતું કે તેમનો 3-2થી વિજય થઈ જ ગયો છે. જોકે રેફરીએ છેલ્લી ઘડીએ બેલ્જિયમને પેનલ્ટી કોર્નર આપ્યો હતો એટલે રમત ચાલુ રહી હતી.
આ પણ વાંચો:આજથી મેન્સ જૂનિયર હૉકી વર્લ્ડકપનો પ્રારંભ
જોકે બેલ્જિયમનો ખેલાડી હેન્ડ્રિક્સ કોર્નરને ગોલમાં પરિવર્તિત કરવામાં નિષ્ફળ ગયો હતો અને સ્પેનના ખેલાડીઓ જીતના ઉન્માદમાં આવી ગયા હતા.
સ્પેન વતી બાસ્ટેરા (40મી મિનિટ), રેની (55) અને મિરેલીઝ (57)એ ગોલ કર્યો હતો. બેલ્જિયમના બે ગોલ ડી’સ્લૂવર (41મી મિનિટ) અને હેન્ડ્રિક્સે (58) કર્યો હતો.
બીજી બે ક્વૉર્ટર ફાઇનલ નેધરલૅન્ડ્સ-ઑસ્ટ્રેલિયા વચ્ચે અને જર્મની-આર્જેન્ટિના વચ્ચે રમાવાની હતી અને એમાં જીતનારી ટીમ મંગળવારે ભારત સામે સેમિ ફાઇનલમાં રમશે એવું નક્કી થયું હતું.