દલિતોમાં ધનિકો, નેતાઓ, અધિકારીઓને અનામત ના મળવી જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતમાં અનામત સંવેદનશીલ પણ બારમાસી મુદ્દો છે. અનામત મુદ્દે દેશની હાઈકોર્ટો કે સુપ્રીમ કોર્ટમાં ક્યાંક ને ક્યાંક કેસ ચાલ્યા જ કરતા હોય છે ને કોઈ ને કોઈ મુદ્દે વિખવાદ થયા જ કરે છે. આવો જ એક વિખવાદ અનુસૂચિત જાતિ (એસટી) એટલે કે દલિતો અને અનુસૂચિત જનજાતિ (એસટી) એટલે કે આદિવાસીઓ માટેની અનામતમાં સબ કેટેગરી રાખી શકાય તેનો છે. સુપ્રીમ કોર્ટે અનામતમાં સબ કેટેગરી મુદ્દે મોટો ચુકાદો આપતાં કહ્યું છે કે, અનુસૂચિત જાતિ (એસટી) એટલે કે દલિતો અને અનુસૂચિત જનજાતિ (એસટી) એટલે કે આદિવાસીઓ માટેની અનામતમાં સબ કેટેગરી બનાવી શકાય છે.
સુપ્રીમ કોર્ટની સાત સભ્યોની બંધારણીય બેન્ચે ૬ વિરુદ્ધ ૧ જજના બહુમતીથી આ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ ઉપરાંત જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ પંકજ મિથલ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશચંદ્ર શર્મા મળીને કુલ છ જજ અનુસૂચિત જાતિ (એસટી) એટલે કે દલિતો અને અનુસૂચિત જનજાતિ (એસટી) એટલે કે આદિવાસીઓ માટેની અનામતની સબ કેટેગરી બનાવવાની તરફેણમાં હતા જ્યારે જસ્ટિસ બેલા ત્રિવેદી સહમત ન હતાં.
આ ચુકાદા સાથે કોર્ટે ૨૦૦૪માં આપેલા ૫ જજોની બંધારણીય બેચના ચુકાદાને પણ રદ કરી દીધો છે. ૨૦૦૪માં ઇ.વી. ચિન્નૈયા કેસમાં પાંચ જજોની બંધારણીય બેંચે ચુકાદો આપેલો કે, બંધારણની કલમ ૩૪૧ મુજબ કયા સમુદાયોને અનામતનો લાભ મળશે તે ફક્ત રાષ્ટ્રપતિ જ નક્કી કરી શકે છે. રાજ્યોને તેની સાથે છેડછાડ કરવાનો અધિકાર નથી.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો દેશના હિતમાં નથી પણ તેની વાત કરતાં પહેલાં આ કેસનો થોડો ઈતિહાસ જાણવો જરૂરી છે. આ ચુકાદાના મૂળમાં પંજાબ સરકારે ૧૯૭૬માં કરેલી જોગવાઈ છે. પંજાબ સરકારે ૧૯૭૬માં એસ.સી. અનામતમાં બાલ્મીકિ અને મઝહબી શીખોને પ્રાથમિકતા આપવાની જોગવાઈ કરતો કાયદો પસાર કરેલો. આ કાયદા પ્રમાણે, પંજાબમાં દલિતો માટેની અનામતમાં ૫૦ ટકા બેઠકો બાલ્મીકિ અને મઝહબી શીખો માટે અનામત રાખવાની જોગવાઈ કરાયેલી. આ કાયદાને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પડકારાયેલો પણ સ્ટે પણ નહોતો મળતો કે ચુકાદો પણ નહોતો આવતો તેથી ૩૦ વર્ષ સુધી એસસી અનામતમાં આ વ્યવસ્થા ચાલુ રહી.
૨૦૦૪મા સુપ્રીમ કોર્ટે ચિન્નૈયાહ કેસમાં ચુકાદો આપ્યો એ સાથે જ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટને પણ ધૂળ ખાતો કેસ યાદ આવ્યો. તાત્કાલિક સુનાવણી શરૂ કરાઈ અને ૨૦૦૬માં એસસી અનામતની પેટા-અનામતને રદ કરી દેવાઈ. આ તો વાત થઈ પંજાબમાં અનામતની પણ સુપ્રીમ કોર્ટે ચિન્નૈયાહ કેસમાં આપેલા ચુકાદા સામે પણ રીવ્યુ પિટિશન થઈ હતી. આ કારણે ચિન્નૈયાહ કેસને સમજવો જરૂરી છે.
ચિન્નૈયાહ કેસ આંધ્ર પ્રદેશનો છે. આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેશમની ચંદ્રાબાબુ નાયડુ સરકારે ૨૦૦૦ની સાલમાં અનુસૂચિત જાતિ (શિડ્યુલ્ડ કાસ્ટ-એસ.સી.) માટેની સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતમાં પેટા અનામતનો નિર્ણય લીધેલો. ચંદ્રાબાબુએ જસ્ટિસ રામચંદ્ર રાજુના અધ્યક્ષસ્થાને એક પંચ રચ્યું. બંધારણની કલમ ૩૪૧ હેઠળ એસ.સી. અનામતનો લાભ કઈ કઈ જ્ઞાતિઓને આપવો એ નક્કી કરાયું છે. નેશનલ શિડ્યુલ્ડ કાસ્ટ કમિશને સામાજિક, આર્થિક, શૈક્ષણિક પછાતપણાને આધારે આ જ્ઞાતિઓનો સમાવેશ એસ.સી. અનામતનો લાભ લેનારી યાદીમાં કર્યો હતો. રાષ્ટ્રપતિએ આદેશ બહાર પાડીને તેને મંજૂરી આપી હતી.
જસ્ટિસ રામચંદ્ર રાજુ પંચે આંધ્રમાં એસ.સી. અનામતનો લાભ લેનારી ૫૭ જ્ઞાતિઓને ચાર વિભાગમાં વહેંચીને ૧૫ ટકા એસ.સી. અનામતમાંથી ક્યા ગ્રુપની જ્ઞાતિને કેટલા ટકા અનામત આપવી તેની ભલામણ કરેલી. ગ્રુપ એ અને ગ્રુપ ડીની જ્ઞાતિઓ માટે એક-એક ટકા, ગ્રુપ બીની જ્ઞાતિઓ માટે ૭ ટકા તથા ગ્રુપ સીની જ્ઞાતિઓ માટે ૬ ટકા અનામતની ભલામણ કરાયેલી.
ચંદ્રાબાબુ સરકારે આ ભલામણો સ્વીકારીને કાયદો બનાવી દીધો. આ કાયદા સામે અનામતનો લાભ લેનારી જ્ઞાતિઓએ વિરોધ કરીને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટની પાંચ જજની બેંચે આ કાયદાને બહુમતીથી રદ કરી નાખતાં ચંદ્રાબાબુ સરકારે ભાષાકીય ફેરફાર કરીને નવો કાયદો બનાવેલો. એ કાયદાને પણ હાઈકોર્ટે ગેરબંધારણીય ઠેરવતાં મામલો સુપ્રીમ કોર્ટમાં ગયેલો. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે આ કાયદાને ગેરબંધારણીય ગણાવીને પડીકું કરી નાખતાં અનામતમાં પેટા અનામતની વાતનો વીંટો વળી ગયેલો.
દરમિયાનમાં પંજાબમાં એસસી અનામતમાં પેટા અનામત અંગેના હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો. ૨૦૨૦માં સુપ્રીમ કોર્ટની જસ્ટિસ અરૂણ મિશ્રાના વડપણ હેઠળની બેંચે હાઈકોર્ટના ચુકાદાને ફગાવીને એસ.સી. અનામતમાં પેટા અનામતની વાતને યોગ્ય ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે ચિન્નૈયાહ કેસનો ઉલ્લેખ કરીને આ કેસમાં સુપ્રીમ કોર્ટે ખોટો ચુકાદો આપેલો એવું પણ કહ્યું હતું.
ચિન્નૈયા કેસમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે ચુકાદો આપેલો તેથી વર્તમાન બેંચ તેનાથી મોટી હોય તો જ એ ચુકાદાને બદલી શકે. જસ્ટિસ અરૂણ મિશ્રાની બેંચ પણ ૫ જજની હોવાથી અનામતમાં પેટા અનામતને બંધારણીય રીતે મંજૂરી ના મળી તેથી ૭ જજની બંધારણીય બેંચ સમક્ષ મામલો આવેલો. ૭ જજની બંધારણીય બેંચે એ જ ચુકાદો આપતાં અનામતમાં પેટા-અનામતને બંધારણીય માન્યતા મળી ગઈ છે.
આ ચુકાદો દેશના ફાયદામાં નથી કેમ કે અનામતમાં જ્ઞાતિ આધારિત પેટા અનામત રાખવાનો અર્થ પછાત જ્ઞાતિઓમાં ભાગલા પાડીને તેમને સામસામે મૂકી દેવી એવો છે. જ્ઞાતિઓમાં પેટા અનામત આપીને ભાગલા પાડવાનો વિચાર રાજકારણીઓની મતબેંકની લાલચુ ને હલકી માનસિકતામાંથી ઉદભવ્યો છે. સુપ્રીમ કોર્ટે તેના પર મંજૂરીની મહોર મારી દેતાં દેશ જ્ઞાતિઓ ને પેટા જ્ઞાતિઓમાં વહેંચાઈ જશે ને પરસ્પર નફરત વધશે.
આ રીતે પેટા અનામતના બદલે એસસી, એસટીમાં ક્રીમિ લેયર પ્રથા લાવવી જોઈએ. આદિવાસીઓ અને દલિતોમાં અનામતનો લાભ લેનારાંને ક્રીમિ લેયર ગણીને તેમને સાવ બાજુ પર મૂકીને જેમને સાવ લાભ નથી મળ્યો તેમને લાભ મળે એવું કરવું જોઈએ.
કેન્દ્ર કે રાજ્ય સરકારમાં પ્રધાન હોય તેવા એસસી-એસટી, આ વર્ગમાં આઈએએસ, આઈપીએસ સહિતના તમામ ક્લાસ વન અને ક્લાસ ટુ ઓફિસરનાં સંતાનો, ડોક્ટર, જે પરિવારમાંથી બે વ્યક્તિને અનામતનો લાભ મળ્યો હોય તેવા પરિવારોને અનામતનો લાભ ના મળે, તેના બદલે જે પરિવારે કદી અનામતનો લાભ નથી લીધો તેમને અનામતનો લાભ મળે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.