મેટિની

વેર- વિખેર -પ્રકરણ ૨૬

ગાયત્રી, બબલુએ આપણને ચોવીસ કલાકનો સમય આપ્યો છે. હવે જો ચોવીસ કલાકની અંદર આપણે બાબુ, ઈરફાનને ન છોડાવીએ તો એ આપણા પર હુમલો કરશે.

કિરણ રાયવડેરા

‘ના.. હવે હું તારી કોઈ જીદ ચલાવી નહીં લઉં. હવે તું મારી સાથે જ રહીશ. નો આર્ગ્યુમેન્ટ… ઓકે?.’
-અને ત્યારે જ બારીનો કાચ તૂટ્યો હતો અને એક મોટો પથ્થર ગાયત્રીના પગ પાસે પડ્યો હતો.

ગાયત્રીએ એ પત્થરને ઊંચકીને એની આસપાસ વીંટાળેલી ચબરખીને ખોલી અને વાંચવાની શરુઆત કરી :
‘જગમોહન શેઠ.. તમને લોકોને ચોવીસ કલાકનો સમય આપું છું. પોલીસ સ્ટેશન જઈને બાબુ-ઈરફાનને છોડાવી આવો. જો કાલ સવાર સુધી એ લોકો નહીં છૂટે તો હવે તમને કિડનેપ નહીં કરું. પહેલાં પેલી છોકરીને અને પછી તને ઠાર કરીશ યાદ રાખજો, ફક્ત ચોવીસ કલાક… નહીંતર મરવા માટે રેડી રહેજો !.’
એ ચીઠ્ઠીનીચે કોઈની સહી નહોતી. પણ દેખીતી રીતે જ નોટ બબલુએ લખી હતી. જગમોહન વિચારમાં પડી ગયો.

‘મને લાગે છે કે કોઈએ નીચેથી પથ્થર ફેંકયો છે. કદાચ આપણને વોર્નિંગ આપવા માટે ફેંકયો હોય.’ ગાયત્રી બોલી.

‘હા, કદાચ બબલુએ જંગનું એલાન કર્યું છે. ગાયત્રી, તું થોડો સામાન પેક કરી લે… આપણે હમણાં જ આ ઘર છોડીને મારે ત્યાં જઈએ છીએ. ત્યાં તું સલામત રહીશ.’ જગમોહને સત્તાવાહી અવાજમાં ગાયત્રીને આદેશ આપ્યો.

‘કાકુ, પ્લીઝ, મને ડર લાગે છે પણ હું ડરપોક નથી. હું અહીં જ રહીશ મારા ઘરે. જોઉં છું મને કોણ હાથ લગાડે છે. હા, તમારા ઘરે હું સલામત રહીશ પણ બાકી તમારા બધાની સલામતી જોખમાઈ જશે.’
ગાયત્રીએ જાણે નિર્ણય લઈ લીધો હોય એટલી મક્કમ દેખાતી હતી. જગમોહને એક પળ માટે ગાયત્રી સામે જોયું:
‘તો ગાયત્રી, હવે તું જ મને કહે કે મારે શું કરવું! તને અહીં એકલી મૂકીને કેવી રીતે જાઉં? કબીર તો મને એમ જ કહેશે કે તું એક છોકરીનું ધ્યાન ન રાખી શક્યો.’
ગાયત્રી હજુ એનો જવાબ આપે એ પહેલાં જગમોહનનો મોબાઈલ રણકી ઊઠયો. જગમોહને બેધ્યાનપણે જ કાનમાં સેલ લગાડીને હલ્લો કહ્યું:
‘પપ્પા…’

અરે, આ તો કરણનો અવાજ…
‘હા, બોલ બેટા,’ જગમોહના ગળે ડૂમો અટવાયો.

‘પપ્પા, તમે ક્યાં છો? કોઈ તકલીફમાં તો નથી ને?’ કરણ પૂછતો હતો.
કદાચ વરસો બાદ એનો નાનો પુત્ર બાપની ફિકર કરી રહ્યો હતો.

‘ના, બેટા, હું એક અગત્યના કામમાં બિઝી છું. આજે સાંજ સુધી ઘરે આવી જઈશ. થેન્ક યૂ , બેટા…’
‘પપ્પા… ટેક કેર… ઘરે જલદી આવી જજો.’
‘હા બેટા…’ જગમોહન બોલ્યો.સામેથી લાઈન કપાઈ ગઈ.

જગમોહને તરત જ ગાયત્રી સામે જોયું. થોડી ક્ષણ સુધી બંને વચ્ચે ભારેખમ મૌન છવાયેલું રહ્યું પછી જગમોહન અચાનક બોલી ઊઠયો :
‘ગાયત્રી ,હવે મારે મરવું નથીહવે મારે જીવવું છે, ગાયત્રી! ’


‘પપ્પા, ટેક કેર, ઘરે જલદી આવી જજો.’
બોલતી વખતે કરણને લાગ્યું કે એને બધું ધૂંધળું દેખાવા માંડ્યું હતું. પહેલાં એને સમજાયું નહીં કે આસપાસ બધું ઝાખું કેમ દેખાય છે. થોડી ક્ષણો બાદ એને ખ્યાલ આવી ગયો કે એની આંખોમાં ઝળઝળિયાં ઊભરાયાં હતાં.

કરણને આશ્ચર્ય થયું કે આજે પપ્પા સાથે વાત કરતાં આંખ કેમ ભરાઈ આવી? કદાચ છેલ્લાં ચાર-પાંચ વરસમાં પહેલી વાર એમની સાથે વાત કરતાં એની આંખોમાં આસું ધસી આવ્યા હતા.
પપ્પા પર લાગણી નહોતી એવું નહોતું, પણ ‘પપ્પા આઈ લવ યુ’ એવું કહેવાનું તો એ વિચારી પણ ન શકે. મમ્મીને પણ ક્યાં એ કહી શક્યો હતો! એવી કોઈ પરિસ્થિતિ આવી ચડે ત્યારે એના હોઠ સિવાઈ જાય. હા, ખબર પડે કે પપ્પા કે મમ્મીની તબિયત ખરાબ છે તો એ દોડીને ઘરે આવી જાય, પપ્પા-મમ્મીનો હાથ પકડીને રાતભર બેઠો રહે. એનું હૈયું વલોપાતું રહે, પણ બોલી ન શકે.

‘બધી ફીલિંગ્સને એક્સપ્રેસ કરવાની જરૂર ન હોય’ એ વિક્રમને કહેતો, પણ અંદરખાને એ જાણતો હતો કે ‘એક્સપ્રેસ’ કરવાની વાત આવે ત્યારે એનો ખુદનો અવાજ ગળામાં અટવાઈ જતો, શબ્દો જડતા નહીં. હથેળી પરસેવાથી ભીની થઈ જતી. છાતી પર ભાર વધી જતો. છેવટે એ ધૂંધવાઈને રહી જતો.

પોતાની નબળાઈ જાણતો હતો એટલે જ કરણને અચંબો થયો કે એ પપ્પાને કેવી રીતે કહી શક્યો :
‘પપ્પા, ટેક કેર, ઘરે જલદી આવી જજો.’

મઝાની વાત તો એ હતી કે પપ્પાને આ શબ્દો કહેવા ગમ્યા હતા. પપ્પા પણ કેટલા હેતથી બોલ્યા
હતા :‘હા બેટા, આજ સાંજ સુધી ઘરે આવી જઈશ’
કદાચ એટલે જ કરણની આંખો ભરાઈ આવી હતી.

કરણે ધૂંધળી આંખે એની મમ્મી તરફ જોયું. પ્રભા સૂઈ ગઈ હતી. એનાં નસકોરાં શરૂ થઈ ગયાં હતાં. કરણને પહેલાં મમ્મી પર ગુસ્સો ચડ્યો પણ પછી મન મનાવી લીધું. મમ્મીએ તો પહેલાં જ સ્પષ્ટતા કરી દીધી હતી કે હું તારા પપ્પા સાથે વાત નહીં કરું, તારે કરવી હોય તો કરી શકે છે.

કરણને એક સીધોસાદો તર્ક ક્યારેય ન સમજાયો. શા માટે આપણને જે વ્યક્તિ ગમતી હોય એ બધાને ન પણ ગમે? મને પપ્પા પર પ્રેમ છે તો મમ્મીને કેમ નથી ગમતા? મને મમ્મી વગર ચાલતું નથી તો પપ્પા શા માટે….
પપ્પા કેટલા મઝાના છે, કેવી ફાઈન પર્સનાલિટી છે, કેટલું વહાલ વરસાવે છે અમારા પર. કાશ, મમ્મી પણ જાન પાથરી દે,પણ એ બંને જ્યારે એકબીજાની સામે આવે છે ત્યારે ભગવાન જાણે શું થઈ જાય છે. કરણ હવે રસ્તામાં, બસ, ટ્રામમાં કોઈને ઝઘડતા જુએ કે એને મમ્મી-પપ્પા યાદ આવી જાય. મિત્રો ઘણી વાર કહે, ચાલ યાર, મમ્મી-પપ્પા પિકચર જોવા ગયાં છે, આજે ઘરે કોમ્પ્યુટર ગેમ્સ રમીએ. ત્યારે એને આશ્ચર્ય થાય, ઓહ તો બીજાનાં મમ્મી-પપ્પા ફિલ્મ જોવા પણ જઈ શકે.

જ્યારે મારાં માતા-પિતા તો તકની રાહ જોતાં હોય. જેવાં સામસામે ભટકાય કે ચાલુ થઈ જાય. કૈલાશના પેરેન્ટ્સને એકબીજા સાથે પ્રેમથી વાત કરતાં જોઈને એને પૂછવાની ઈચ્છા થઈ આવે- અંકલ, આંટી, મારાં મમ્મી-પપ્પાને પણ સમજાવોને કે એ તમારી જેમ પ્રેમથી વાત કરતાં શીખે, એકબીજા સામે હસતાં પણ શીખે.

મોટો ભાઈ વિક્ર્મ તો પૂજા ભાભી સામે પોતાનો ભાર હળવો કરી લે, પણ પોતે કોની પાસે જાય!
અક મિત્ર જેવો કૈલાશ હતો, પણ જતીનકુમાર હવે એના પપ્પા પાસેથી નાણાં ઉછીનાં લઈને આવ્યા એટલે હવે એ મિત્ર પણ દૂર થઈ જશે. અને બીજી રૂપા…
રૂપાની યાદ આવતાં કરણનો ચહેરો લાલ થઈ ગયો. હોઠ પર એક નાનકડું સ્મિત ઊભરવા લાગ્યું. કાનની બૂટ ગરમ થઈ ગઈ રૂપા ચક્રવર્તી.

બધી રીતે સંપૂર્ણ કહી શકાય એવી છોકરી હતી પણ રૂપા…મમ્મીને તો હજી સમજાવી લેવાશે, પણ પપ્પા જિદ્દી છે, એ નહીં માને.

એની વે, હજી તો એ રૂપાને પણ કહી નથી શક્યો કે- ‘આમી તોમારે ભાલોબાસીઆઈ લવ યુ..! ’
એટલે પપ્પાની પરવાનગીની ચિંતા કરતાં વધુ ગંભીર સમસ્યા એ હતી કે રૂપા સામે પ્રેમનો એકરાર કેવી રીતે કરવો. ઘણા છોકરાઓ કેવું ફટાફટ બોલી નાખે, પણ રૂપાની સામે કરણ મૂંગો જ થઈ જાય.
આમ તો કરણ બધાની સામે મૂંગો થઈ જાય, પણ રૂપા સામે આવે કે એને થાય કે એ રૂપાની મોટી મોટી આંખોની અંદર ડોકિયું કર્યા જ કરે.

કરણે મમ્મી સામે જાયું. મમ્મી હજી સૂતી હતી. કરણના મોઢામાંથી શબ્દો સરી પડ્યા :
‘પપ્પા, તમે આવો છોને?’

એ જ વખતે કરણને બહાર ખખડાટ સંભળાયો. સવારના સાડા સાત થયા હતા. વિક્રમ, પૂજા અને લખુકાકા ત્રણે જણ પોતપોતાના રૂમમાં હતાં. તો પછી આ અવાજ ક્યાંથી આવે છે?
કરણ સાવચેતીથી બહાર આવ્યો. કોરિડોરમાં ભાઈની રૂમની બહાર કોઈ ઊભું હતું. કોણ હતું એ? કરણે ધ્યાનથી જોયું :
અરે, આ તો પૂજા ભાભી છે. ભાભી બેડરૂમમાંથી નીકળીને કિચન તરફ જઈ રહ્યાં હતાં. પણ ભાભી આટલું ધીમે ધીમે કેમ ચાલે છે?
કરણ છુપાઈને જોતો રહ્યો હતો. હવે પૂજાભાભી કિચનનું બારણું વાસીને પાછાં ફરી રહ્યાં હતાં. કરણ બહાર નીકળ્યો અને પૂછયું:
‘શું થયું ભાભી?’
અરે આ શું? પૂજા ભાભીએ એની સામે જોયું જ નહીં. એની આંખો સપાટ હતી. કોઈ પણ જાતના ભાવ વિનાની. ભાભી કેમ કંઈ બોલ્યાં નહીં, મારી સામે જોયું પણ નહીં
કરણ ઊભો રહી ગયો. પૂજા પોતાના બેડરૂમ તરફ આગળ વધી. કરણને ચિંતા થવા માંડી. અચાનક એણે બૂમ પાડી :
‘પૂજા ભાભી, આર યુ ઓલરાઈટ? તમારી તબિયત સારી છે ને?’

પૂજાએ કદાચ સાંભળ્યું નહીં. એણે ધીમેથી બેડરૂમનો દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશી ગઈ.
ઓહ, કરણે માથું પકડી લીધું : સ્લીપ વોકિંગ…!
પૂજાભાભી ઊંઘમાં ચાલતાં હતાં. ક્યારથી ભાભીને આ બીમારી વળગી હતી? ભાઈને ખબર છે? મમ્મી-પપ્પાને જાણ છે? પપ્પા, તમે ક્યાં છો?


‘કરણ બેટા, હું આવું છું.’
જગમોહન દીવાનના હો્ઠ ફફડી રહ્યા હતા. સેલ પર કરણનો અવાજ સાંભળીને એ થોડો વિચલિત થઈ ગયો હતો. મેટ્રો સ્ટેશન પર પણ પહેલી ટ્રેન આવવાની હતી ત્યારે અચાનક કરણનો ચહેરો એની આંખ સામે આવી જતાં એ પાછળ હટી ગયો હતો.

એ ક્ષણે જો કરણ યાદ ન આવ્યો હોત તો કદાચ એ આજે ગાયત્રી સાથે ઊભો ન હોત. અત્યાર સુધી તો એના અંતિમસંસ્કાર પણ થઈ ચૂક્યા હોત.
આજે વરસો બાદ કરણે કહ્યું હતું:
‘ટેક કેર, પપ્પા.’
ઓહ, તો દુનિયામાં એવું કોઈ પણ છે જે એને મિસ કરે છે. જેને જગમોહનની ગેરહાજરી ખટકવાની છે. એ હંમેશાં એમ સમજતો રહ્યો કે કોઈ એને ચાહતું નથી. શું એ એની ભૂલ હતી? કદાચ.
હકીકત એ છે કે એને કોઈ ચાહે છે પણ વ્યક્ત નથી કરી શકતું. જોકે આજે તો એવી વ્યક્તિ વિષે પણ ખબર પડી છે જે એને નફરત કરે છે અને એનું ખૂન કરીને એની નફરતને વ્યક્ત કરવા માગે છે.
હવે જીવવાની મઝા પડશે.

ગાયત્રી કદાચ એવું કહે કે, ‘આબાર ખેલા હોબેઅબ આયેગા મઝા.’
થોડી વાર પહેલાં જ કરણનો ફોન આવ્યા બાદ એણે ગાયત્રીને જ્યારે કહ્યું હતું:
‘ગાયત્રી, હવે જીવવું છે, હવે મરવું નથી.’ ત્યારે ગાયત્રી કેવી રડી પડી હતી.

‘કાકુ, હું મારાં માતા-પિતાને બચાવી ન શકી, પણ તમને બચાવીને આજે એવું લાગે છે કે હું મારા મકસદમાં કામિયાબ થઈ છું. આજે મારા શિક્ષક પપ્પા મારી પીઠ થાબડીને કહેત- ‘મારી નજરે તું પાસ થઈ. તને સોમાંથી સો માર્ક્સ આપું છું. કાકુ, પપ્પાની નજરે પાસ થવું એ અમારા માટે મોટામાં મોટી સફળતા ગણાય. આજે તમારામાં જીવવાની ઈચ્છા ફરી જાગ્રત થઈ એ જોઈને હું મારી જાતને સફળ સમજું છું.’
‘ગાયત્રી, બબલુએ આપણને ચોવીસ કલાકનો સમય આપ્યો છે. હવે જો ચોવીસ કલાકની અંદર આપણે બાબુ, ઈરફાનને ન છોડાવીએ તો એ આપણા પર હુમલો કરશે.’

ગાયત્રીએ હકારમાં માથું હલાવ્યું : ‘યસ’
‘હવે આ ચોવીસ કલાક માટે તારી ક્યાંય ગોઠવણ કરવાની છે. ગાયત્રી, હું તને છેલ્લીવાર પૂછું છું તું શું મારા ઘરે નહીં આવે?’
‘ના…’ ગાયત્રીએ ફરી મક્કમ સ્વરે ના પાડી.

‘ઓકે, એઝ યુ વીશ.’ જગમોહને હતાશ થઈને ખભા ઉછાળ્યા :
‘મેં તારી બધી વાત માની એટલે જ આજે હું જીવતો છું. હવે તું જીદ લઈને બેઠી છો અને મન ડર છે કે તને એકલી મૂકીશ તો બબલુ તને જીવવા નહીં દે.’
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button