આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિધાનસભાની ચૂંટણીમાં શરદ પવાર આ લોકોને આપશે તક…

મુંબઈઃ લોકસભા ચૂંટણી બાદ વિધાનસભા ચૂંટણીમાં પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી) તેમજ શિવસેના વિરુદ્ધ શિવસેના વચ્ચે લડત જોવા મળશે. આ અંગે બંને પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદચંદ્ર પવાર (એનસીપી) પક્ષ દ્વારા ત્રણ યુવા ઉમેદવારોના નામની જાહેરાત થઈ ચૂકી છે.

એનસીપીએ અગાઉ તાસગાંવ વિધાનસભા બેઠક માટે રોહિત પાટિલ અને અહમદનગરના અકોલે મત વિસ્તારમાંથી અમિત ભાંગરેની ઉમેદવારી જાહેર કરી હતી. ત્યારબાદ હવે શરદ પવારની એનસીપી 20 મતક્ષેત્રોમાં યુવા ચહેરાઓને તક આપશે એવી માહિતી મળી છે. અજિત પવારના એનસીપીના દિગ્ગજો સામે નવા ચહેરાઓ મેદાનમાં ઉતરશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવાર જૂથ વિધાનસભાની ચૂંટણીમાં 20 યુવાનોને તક આપશે. શરદ પવારે પક્ષ છોડનારા બળવાખોર વિધાનસભ્યોની દંડ ફટકાર્યો છે અને મુખ્ય ૨૦ વિધાનસભા મતવિસ્તારોમાં યુવાનોને મેદાનમાં ઉતારવામાં આવશે તેવું જાણવા મળે છે.

આ પણ વાંચો: વિધાનસભ્ય અપાત્રતા: શરદ પવાર જૂથની અરજી પર ‘સુપ્રીમ’ની અજિત પવાર જૂથને નોટિસ

ધનંજય મુંડેના પરલી, હસન મુશરીપના કાગલ, દિલીપ વાલસે પાટીલના આંબેગાંવ અને અદિતિ તટકરેના શ્રીવર્ધન મતવિસ્તારમાંથી પણ યુવાનોને તક આપવામાં આવશે. આ અંગે રાજ્યના 20 મતવિસ્તારોમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે શરદ પવારની એનસીપીએ તાસગાવ અને અકોલે મતવિસ્તારમાં યુવા ઉમેદવારોના નામની જાહેરાત અગાઉ કરી દીધી છે.

એનસીપીમાં ભાગલા પડ્યા બાદ 40થી વધુ વિધાનસભ્યો શરદ પવારનો સાથ છોડીને અજીત પવાર સાથે મહાયુતિમાં સામેલ થયા હતા. જોકે શરદ પવારે લોકસભા ચૂંટણીમાં અજીત પવારને જોરદાર લડત આપી. લોકસભાની ચૂંટણી મહાયુતિ અને મહા વિકાસ આઘાડી વચ્ચે લડવામાં આવી હતી.

અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) માત્ર એક જ બેઠક પર વિજય મેળવી શકી હતી. શરદ પવારની એનસીપીએ દસમાંથી આઠ બેઠકો જીતી હતી. એ વખતે મોટાભાગના નવા ચહેરાઓને તક આપવામાં આવી હતી. એટલે લોકસભાની જેમ શરદ પવારની એનસીપીમાંથી યુવાનોને તક આપીને તેમને વિધાનસભામાં મોકલવાની પવારની રણનીતિ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button