Maratha Reservation મુદ્દે વિપક્ષને વલણ સ્પષ્ટ કરવાનો આ નેતાએ કર્યો અનુરોધ
મુંબઈ: છેલ્લાં અનેક સમયથી ચાલતો આવતો મરાઠા અનામત (Maratha Reservation)નો મુદ્દો લોકસભાની ચૂંટણી દરમિયાન ખાસ્સો વિવાદમાં રહ્યો હતો. હવે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી આ વિવાદ આસમાને ચઢી રહ્યો છે. એવામાં મરાઠા અનામતના મુદ્દે સરકારની હંમેશાં ટીકા કરતા વિપક્ષ પર ભાજપના નેતા રાવસાહેબ દાનવેએ નિશાન સાધ્યું છે.
વિપક્ષ મરાઠા અનામત બાબતે પોતાનું વલણ સ્પષ્ટ કરે તેમ કહેતા દાનવેએ સવાલ કર્યો હતો કે શું વિપક્ષ મરાઠા સમાજને ઓબીસી ક્વોટા અંતર્ગત અનામત આપવા તૈયાર છે?મરાઠા અનામતના આંદોલનકારીઓએ સૌપ્રથમ રાજકીય પક્ષો પાસે જઇને તેમને પોતાની ભૂમિકા વિશે પૂછવું જોઇએ.
આ પણ વાંચો: Maratha Reservation: જરાંગેના ગામમાં પથ્થરમારો, બે જણ સામે ગુનો
તેમણે સૌપ્રથમ તો કૉંગ્રેસ, પછી એનસીપી (શરદચંદ્ર પવાર) અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ની પાસે જવું જોઇએ. આંદોલનકારીઓએ તેમને કહેવું જોઇએ કે જો તે ઓબીસી ક્વોટા અંતર્ગત મરાઠા સમાજને અનામત આપવા તૈયાર હોય તે આ બાબત તેમણે તેમના ઘોષણાપત્રમાં સામેલ કરવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ હાલમાં જ કેન્દ્ર સરકાર અનામત માટે 50 ટકાની મર્યાદા હટાવે તો જ અનામતની સમસ્યા ઉકેલાઇ શકે તેવું નિવેદન આપ્યું હતું. જેને પગલે દાનવેએ ઉક્ત નિવેદન આપ્યું હતું.
દાનવેએ કહ્યું હતું કે શિવસેના(ઉદ્ધવ ઠાકરે)એ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવી જોઇએ. તે મરાઠા અનામતના આંદોલનકારીઓને બે દિવસ સુધી મળ્યા જ નહીં અને હવે કેહે છે કે મરાઠાઓને અનામત આપવું એ કેન્દ્ર સરકારની જવાબદારી છે. જ્યાં સુધી મરાઠા સમાજ વિપક્ષને તેમનું વલણ શું છે તે નહીં પૂછે ત્યાં સુધી વિપક્ષ મહાયુતિની સરકાર સામે જ આંગળી ચીંધ્યા કરશે.