ઇન્વેસ્ટ ઇન મહારાષ્ટ્ર: 81,000 કરોડનું રોકાણ, 20 હજાર નોકરીઓ થશે ઉપલબ્ધ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં વધુને વધુ રોકાણ થાય અને તેના કારણે રોજગારની નવી તકો ઊભી થાય એ માટે મહાયુતિની સરકારે સાત અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રકલ્પોને મંજૂરી આપી હતી. સોમવારે સહ્યાદ્રી ગેસ્ટ હાઉઝ ખાતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવેલી ઉદ્યોગ વિભાગના પ્રધાનમંડળની ઉપસમિતીમાં આ પ્રકલ્પોને મંજૂરી આપવામાં આવી હતી.
મંજૂરી આપવામાં આવેલા પ્રોજેક્ટમાં એડ્વાન્સ ટેક્નોલોજી આધારિત લિથિયમ બેટરીના નિમાણ, ઇલેક્ટ્રિક વ્હિકલ, સેમીકંડક્ટર ચીપ, ફ્રુટ-પલ્પના નિર્માણના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટના કારણે કોંકણ, મરાઠવાડા અને વિદર્ભ ક્ષેત્રમાં મોટાપાયે રોકાણ કરવામાં આવશે અને પ્રત્યક્ષ રોજગારની 20,000 તક ઊભી થશે.
આ પણ વાંચો: Assembly Election: રાજ ઠાકરે મહાયુતિ સાથે રહેવાનો શિંદે જૂથના વિધાનસભ્યને વિશ્વાસ
આ બેઠકમાં શિંદે ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત સહિતના પ્રધાનો ઉપરાંત સનદી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
આ તમામ પ્રોજેક્ટ નાગપુર, પુણે, નવી મુંબઈ, રાયગઢ, રત્નાગિરી સહિતના વિવિધ ક્ષેત્રમાં શરૂ કરવામાં આવશે. આ તમામ પ્રોજેક્ટ પાછળ લગભગ 81,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે અને તેના કારણે 20,000 જેટલી નોકરીઓ ઊભી થશે, જેના કારણે મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારમાં રહેતા યુવાનોને પણ રોજગારની તક મળી રહેશે.