પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

ગર્ભમાં સાત મહિનાના બાળકને લઈને આ મહિલા ઑલિમ્પિક્સની તલવારબાજીમાં ખૂબ લડી અને છેવટે…

પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સ જેવી વિશ્ર્વની સર્વોચ્ચ સ્પર્ધા માટે પ્રૅક્ટિસ કરવી અને એમાં ક્વૉલિફાય થવું ખૂબ મુશ્કેલ હોય છે જ, પરંતુ ત્યાર બાદ મુખ્ય રણમેદાનમાં ઊતરવું અને વિશ્વના શ્રેષ્ઠ હરીફ સામે લડવું એનાથી અનેકગણું અઘરું હોય છે. ઑલિમ્પિક્સનો મંચ હોય એટલે સ્વાભાવિક રીતે આખી દુનિયાની નજર પોતાના પર હોય અને એમાં એકાગ્રતા સાથે તેમ જ પૂરી ક્ષમતાથી રમવું કોઈ પણ સ્પર્ધક માટે મોટી કસોટી કહેવાય. જોકે ઇજિપ્તની એક મહિલા સ્પર્ધક એવી છે જે ગર્ભવતી હોવા છતાં ઑલિમ્પિક્સમાં ભાગ લેવા આવી.

નૅદા હાફેઝના ગર્ભમાં સાત મહિનાનું બાળક હોવા છતાં તેણે તલવારબાજીની હરીફાઈમાં ભાગ લીધો હતો.
સોમવારે હાફેઝ મહિલાઓની તલવારબાજી (ફેન્સિંગ)ની સૅબર કૅટેગરીના પ્રી-ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડમાં પહોંચી હતી, પરંતુ એ રાઉન્ડમાં તે સાઉથ કોરિયાની જેઑન હૅયન્ગ સામે હારી ગઈ હતી. દરેક મુકાબલામાં હરીફ સામે માત્ર હાફેઝ નહીં, પણ તેના ગર્ભમાંનું બચ્ચું પણ જાણે લડી રહ્યું હતું એમ કહી શકાય.

ઇજિપ્તના કૅરો શહેરમાં રહેતી 26 વર્ષની હાફેઝે સોમવારે તલવારબાજીમાં અમેરિકાની ભૂતપૂર્વ ચૅમ્પિયન એલિઝાબેથ ટાર્ટાકૉવ્સ્કીને હરાવીને પ્રી-ક્વૉર્ટર રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. એ વિજય બાદ ખુદ હાફેઝે ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં લખ્યું હતું, ‘અત્યારે મારા ગર્ભમાં એક ઑલિમ્પિયન છે.

આ પણ વાંચો: મનુ ભાકર સાથે ઑલિમ્પિક્સનો શૂટિંગનો બ્રૉન્ઝ મેડલ જીતનાર સરબજોત સિંહ કોણ છે?

મારી સામે જીતવાનો જે પડકાર છે એટલી જ ચૅલેન્જ મારા ગર્ભમાંના મારા બાળક સામે પણ છે. ગર્ભમાં બાળક હોય એ સમગ્ર સમય ખૂબ કઠિન કહેવાય અને એમાં જિંદગી અને ખેલકૂદ વચ્ચે સંતુલન જાળવવું એ વધુ મુશ્કેલ કહેવાય. જોકે આ પણ એક અવસર કહેવાય. હું આ અવસરે ખાસ લખવા માગું છું કે ઑલિમ્પિક્સની હરીફાઈની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં સ્થાન મેળવવું એ મારી દૃષ્ટિએ બહુ મોટું ગૌરવ છે.’

હાફેઝ ત્રણ વાર ઑલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ ચૂકી છે. મેડિસિનમાં ડિગ્રી ધરાવતી હાફેઝ અગાઉ જિમ્નૅસ્ટ હતી. 2019ની આફ્રિકન ગેમ્સમાં તે તલવારબાજીમાં બે ગોલ્ડ મેડલ જીતી હતી. ઑલિમ્પિક ગેમ્સમાં તે વધુમાં વધુ 16મા સ્થાન સુધી પહોંચી શકી છે. જોકે ગર્ભવતી હોવા છતાં આ સર્વોચ્ચ સ્પર્ધામાં હરીફને પડકારવી અને હારતાં પહેલાં તેને સંઘર્ષ કરાવવો એ પણ બહુ મોટી વાત કહેવાય.

હાફેઝની ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટને મંગળવાર સાંજ સુધીમાં 25,500થી વધુ લાઇક્સ મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?