જેન્તી ભાનુશાલી હત્યા કેસની મહત્વની આરોપી મનીષા ગોસ્વામીને સુપ્રીમ કોર્ટ આપ્યા જામીન
ભુજઃ પશ્ચિમ કચ્છની અબડાસા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પીઢ અગ્રણી નેતા એવા જેન્તી ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં શેખર અને સુરજીત ભાઉ નામના શાર્પશૂટરો દ્વારા સાયલેન્સર વાળી બંદૂકના ભડાકે હત્યા કરવાના ચકચારી ગુનામાં નવેમ્બર ૨૦૧૯થી પાલારા જેલમાં બંધ મનીષા ગોસ્વામીને સુપ્રીમ કૉર્ટે જામીન આપ્યાં છે.
વર્ષ ૨૦૧૯ના જાન્યુઆરીમાં સયાજીનગરી એક્સપ્રેસમાં અમદાવાદ આવી રહેલાં ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં કરપીણ હત્યા થયાં બાદ મનીષા અને તેનો સાગરીત સુરજીત પરદેશ ઊર્ફે ભાઉ બેઉ નાસતાં ફરતાં રહ્યાં હતા અને નવેમ્બર માસમાં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી પકડાયાં હતાં.
આ પણ વાંચો: ગવળીના ખંડણી કેસની ‘મકોકા’ ફાઈલ મળતી નથી: Crime Branch
અગાઉ સર્વોચ્ચ અદાલતે હત્યા કેસની ટ્રાયલ ઝડપથી ચલાવવા હુકમ કર્યો હતો પરંતુ તેનું પાલન ના થતાં અદાલતે પ્રી ટ્રાયલ કન્વિક્શન ગણીને મનીષાને જામીન પર મુક્ત કરી દીધી છે. જો કે, માધાપરના યુવકને હની ટ્રેપ કરી મરવા માટે મજબૂર કરવાના ગુનામાં મનીષાને જામીન મળ્યાં નથી. તેથી તે હજુ જેલમાં જ રહેશે.
સુપ્રીમના આ હુકમ બાદ ભાનુશાલી હત્યા કેસ સબબ પૂર્વ હાલ જેલમાં રહેલા ધારાસભ્ય છબીલ પટેલ અને જયંતી ઠક્કર જેવા મુખ્ય આરોપીઓ સહિત હત્યાને અંજામ આપનારા શાર્પશૂટરો, છબીલના ફાર્મહાઉસમાં તેમને મદદ કરનારાં અન્ય મળતીયાઓ વગેરે અન્ય આરોપીઓને પણ જામીન મળશે કે કેમ તે ચર્ચાઈ રહ્યું છે.