એકસ્ટ્રા અફેર

મનુએ ઈતિહાસ રચ્યો પણ નવો ઈતિહાસ રચી શકે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતીય શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતને પહેલો મેડલ અપાવીને ઈતિહાસ રચ્યો છે. ૨૨ વર્ષની મનુ ભાકરે મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે અને ઓલિમ્પિકના ઈતિહાસમાં શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની ગઈ છે. મનુ બીજી સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી છે એ જોતાં તેના માટે બીજો મેડલ જીતીને એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી બનીને નવો ઈતિહાસ સર્જવાની પણ તક છે.

મનુ માટે સિલ્વર મેડલ જીતવાની તક હતી પણ મનુ માત્ર ૦.૧ પોઈન્ટથી સિલ્વર મેડલ જીતવામાં ચૂકી ગઈ હતી. મનુએ ૨૨૧.૭ પોઈન્ટ મેળવ્યા હતા જ્યારે સિલ્વર મેડલ જીતનારી શૂટરને ૨૨૧.૮ પોઈન્ટ મળ્યા હતા. આ ઇવેન્ટમાં દક્ષિણ કોરિયાની ઓહ યે જિને ૨૪૩.૨ પોઇન્ટ મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઓહ યે જિને નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો છે. દક્ષિણ કોરિયાની જ કિમ યેજીએ સિલ્વર મેડલ જીત્યો છે.

ઓલિમ્પિક ગેમ્સ જેવી વૈશ્ર્વિક સ્પર્ધાઓમાં કેવી જબરદસ્ત સ્પર્ધા હોય છે તેનું આ વધુ એક ઉદાહરણ છે. ભારતનાં મહાનતમ એથ્લેટ પી.ટી. ઉષા ઓલિમ્પિક ગેમ્સમાં સેક્ધડના સોમા ભાગ માટે મેડલ જીતવાથી ચૂકી ગયાં હતાં. મનુ ભાકરના કિસ્સામાં પણ એ ઘટનાનું પુનરાવર્તન થયું છે પણ મનુ પી.ટી. ઉષા કરતાં નસીબદાર કહેવાય કે, કમ સે કમ બ્રોન્ઝ મેડલ જીતી શકી અને ભારતને ગૌરવ અપાવી શકી.

પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં પહેલો મેડલ જીતીને મનુ ભાકરે ભારતનું ખાતું જ નથી ખોલાવ્યું પણ ઓલિમ્પિક ગેમ્સમાં ભારત તરફથી શૂટિંગમાં મેડલ જીતનારી સૌપ્રથમ મહિલા ખેલાડી બનીને ઈતિહાસમાં પોતાનું નામ પણ અમર કરી દીધું છે.

મનુ ભાકર માટે આ સિદ્ધિ બીજી રીતે પણ મહત્ત્વની છે. ૨૦૨૧ના ટોક્યો ઓલિમ્પિકમાં મનુની પિસ્તોલ તૂટી જતાં તે પૂરા શોટ્સ પણ નહોતી મારી શકી. મનુની પિસ્તોલ રિપેર થવામાં ૨૦ મિનિટ લાગી હતી. એ દરમિયાન અડધી ગેમ પૂરી ખઈ ગઈ હતી. પિસ્તોલ રિપેર થઈ ગયા પછી મનુ માત્ર ૧૪ શોટ જ ફાયર કરી શકી અને આખી ગેમ રમ્યા પહેલાં જ હારીને ફાઈનલ રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

મનુ માટે ૨૦૨૧ની ઓલિમ્પિક ગેમ્સ ઘોર નિરાશાની પળ હતી પણ હતાશ થયા વિના મનુએ મહેનત ચાલુ રાખી. ત્રણ વર્ષ પછી તેણે માત્ર જબરદસ્ત પુનરાગમન જ નથી કર્યું પણ ઓલિમ્પિકમાં મેડલ જીતીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. મનુએ સાબિત કર્યું છે કે, ટોક્યો ઓલિમ્પિક્સમાં તેની પિસ્તોલ ના તૂટી હોત તો કદાચ એ વખતે જ ભારત માટે મેડલ જીતવામાં સફળ થઈ ગઈ હોત. મનુ ભાકરે હતાશ થયા વિના જે લડાયકતા બતાવી છે તેને સલામ મારવી જોઈએ. મનુ આ દેશના યુવાઓ માટે રોલ મોડલ સાબિત થઈ છે.

મનુ ભાકર આ દેશના યુવાઓ માટે એ રીતે પણ પ્રેરણારૂપ છે કે, ભૂતકાળમાં મનુને આંખમાં ઈજા થઈ હોવા છતાં તેણે હાર ના માની અને સ્પોર્ટ્સને વળગી રહીને ઈતિહાસ રચ્યો. હરિયાણાના ઝજજરમાં જન્મેલી મનુ ભાકર સ્કૂલના દિવસોમાં ટેનિસ, સ્કેટિંગ અને બોક્સિંગ સહિતની સ્પોર્ટસમાં હાથ અજમાવ્યો હતો. મનુ ભાકરે થાન ટા’ નામની માર્શલ આર્ટમાં રાષ્ટ્રીય કક્ષાએ મેડલ પણ જીત્યો હતો. એક વાર બોક્સિંગની પ્રેક્ટિસ દરમિયાન મનુ ભાકરને આંખમાં ગંભીર ઈજા થતાં તેની બોક્સિંગની સફર પૂરી થઈ હતી.

જો કે મનુએ હાર્યા વિના બોક્સિંગ છોડીને શૂટિંગ અપનાવ્યું. ૨૦૧૬માં ૧૪ વર્ષની ઉંમરે મનુએ શૂટિંગમાં કરિયર બનાવવાનો નિર્ણય કર્યો. રિયો ઓલિમ્પિક્સ ૨૦૧૬ની સમાપ્તિ વખતની આ વાત છે. મનુએ પિતા રામ કિશન ભાકરને એક અઠવાડિયાની અંદર શૂટિંગની પ્રેક્ટિસ માટે પિસ્તોલ લાવી આપવા કહ્યું. રામ કિશન ભાકરે દીકરીની ઈચ્છા પૂરી કરીને અઠવાડિયામાં પિસ્તોલ ખરીદેને આપી દીધી. મનુ ભાકરે એ વખતે જ પિતાને વચન આપેલું કે, આ પિસ્તોલની મદદથી પોતે ઓલિમ્પિકમાં મેડલ લાવીને બતાવશે અને આ વચન મનુએ પૂરું કર્યું છે.

મનુએ આ જીત સાથે ભારતનો શૂટિંગમાં મેડલનો દુકાળ પણ પૂરો કર્યો છે અને શૂટિંગમાં ભારતનો પાંચમો ઓલિમ્પિક મેડલ જીત્યો છે. મનુ ભાકરે ૧૨ વર્ષ બાદ ઓલિમ્પિકમાં ભારતને શૂટિંગમાં મેડલ અપાવ્યો છે. ભારતને શૂટિંગમાં છેલ્લો ઓલિમ્પિક મેડલ ૨૦૧૨માં મળ્યો હતો કે જ્યારે ગગન નારંગ અને વિજય કુમાર બંનેએ મેડલ જીત્યા હતા. રાજ્યવર્ધન સિંહ રાઠોડે ૨૦૦૪માં સિલ્વર મેડલ જીતાડીને ભારતને શૂટિંગમાં પહેલો મેડલ જીતાડ્યો પછી ૨૦૦૮માં બીજિંગ ઓલિમ્પિક્સમાં અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. અભિનવ બિન્દ્રા ભારત વતી વ્યક્તિગત રીતે ગોલ્ડ મેડલ જીતનારા પહેલા ખેલાડી હતા. ૨૦૧૨માં લંડન ઓલિમ્પિક્સમાં વિજય કુમારે સિલ્વર મેડલ અને ગગન નારંગે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારતે સળંગ ત્રણ ઓલિમ્પિક્સમાં શૂટિંગમાં મેડલ જીતતાં ભારતીય શૂટિંગ ઓલિમ્પિક ગેમ્સમાં નવી ઊંચાઈઓ હાંસલ કરશે એવી આશા જાગી હતી પણ કમનસીબે એવું થયું નહીં. ૨૦૧૬ની રીયો ડી જાનેરો ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય શૂટર ખાલી હાથે પાછા આવ્યા હતા. ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં પણ આ ઈતિહાસ દોહરાવાયો હતો. ભારતે ટોક્યોમાં પોતાના ઈતિહાસનો સૌથી શાનદાર દેખાવ કરીને એક ગોલ્ડ મેડલ સાથે ૭ મેડલ જીત્યા હતા પણ શૂટિંગમાં મેડલ નહોતો મળ્યો. આ કારણે ભારતીય શૂટર્સની ક્ષમતા સામે સવાલો ઊઠવા લાગ્યા હતા.

પેરિસ ઓલિમ્પિકના પ્રથમ દિવસે પણ ભારતના શૂટર્સની શરૂઆત સારી રહી ન હતી.ભારતીય ટીમ ૧૦ મીટર એર રાઈફલ મિક્સ્ડ ઈવેન્ટમાં ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. સરબજોત અને અર્જુન ૧૦ મીટર મેન્સ એર પિસ્તોલમાંથી ફેંકાઈ ગયા હતા. ભારતીય શૂટર રિધમ સાંગવાન ફાઈનલમાં પહોંચી શક્યો નહોતો. અમદાવાદની ઈલાવેનિલ વાલારિવાન પણ ૬૩૦.૭ના સ્કોર સાથે ૧૦મા ક્રમે રહી હતી અને ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શકી નહોતી.

આ કારણે ભારતીય શૂટર્સ ફરી નિરાશ કરશે કે શું એવું લાગવા માંડેલું પણ મનુ ક્વોલિફિકેશન ઈવેન્ટમાં ૬૦૦માંથી ૫૮૦ પોઈન્ટ મેળવીને ૪૫ શૂટર્સમાં ત્રીજા સ્થાને અને પછી ફાઈનલમાં મેડલ જીતી લાવી. તેના કારણે તમામ શંકાઓ ખતમ થઈ ગઈ.

મનુ ભાકરે ભારતીય શૂટર્સની ક્ષમતા સામે ઊઠેલા તમામ સવાલોના જવાબ આપી દીધા છે અને સાબિત કર્યું છે કે, ભારતીય શૂટર્સ ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતવા માટે લાયક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button