થાણેની બિલ્ડિંગમાં સીલિંગનું પ્લાસ્ટર તૂટી પડતાં યુવક ઘાયલ
થાણે: થાણેના કોપરી વિસ્તારમાં ઇમારતની રૂમમાં સીલિંગનું પ્લાસ્ટર તૂટી પડતાં 27 વર્ષનો યુવક ઘાયલ થયો હતો.
50 વર્ષ જૂની ચાર માળની ઇમારતની રૂમમાં રવિવારે મળસકે ચાર વાગ્યે આ ઘટના બની હતી. આ ઇમારતને સી-1 (અત્યંત જોખમી, ખાલી કરીને તોડી પાડવી જોઇએ) શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવી હતી.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના રિજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ કહ્યું હતું કે આ ઘટનામાં સૂરજ સોલંકી (27) ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: થાણેના સિનિયર સિટિઝને શેર ટ્રેડિંગ ફ્રોડમાં રૂ. 46 લાખ ગુમાવ્યા
ઇમારતના થાંભલામાં તિરાડો પડી છે અને સ્ટ્રકચરનો બાકીનો ભાગ પણ જોખમી સ્થિતિમાં છે. અગ્નિશમન દળના જવાનો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી, એમ તડવીએ જણાવ્યું હતું.
રૂમમાં રહેનારા બે જણને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા અને સાવચેતીના ભાગરૂપે એ ઇમારતના આસપાસના વિસ્તારને કોર્ડન કરી દેવાયો છે. કેટલાક સપ્તાહ અગાઉ આ જ ઇમારતની રૂમમાં સીલિંગનું પ્લાસ્ટર તૂટી પડ્યું હતું. (પીટીઆઇ)