વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના મુખ્ય પ્રધાનો, નાયબ મુખ્ય પ્રધાનો સાથે ચર્ચા કરી
નવી દિલ્હી: ભાજપ દ્વારા શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોએ તેમના રાજ્યોમાં ચાલી રહેલા વિકાસના વિવિધ કામોનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના મોવડીમંડળને પ્રેઝન્ટેશન કર્યું હતું. તેમણે સતત બીજા દિવસે વહીવટી મુદ્દાઓ પર પડી રહેલી અડચણો પર રવિવારે ચર્ચા કરી હતી.
કેન્દ્રીય પ્રધાનો રાજનાથ સિંહ, અમિત શાહ અને પાર્ટીના અધ્યક્ષ જે. પી. નડ્ડા પણ આ બેઠકમાં હાજર હતા. બે દિવસની મુખ્ય પ્રધાન પરિષદ શનિવારે ચાલુ થઈ હતી.
વડા પ્રધાને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ભાજપ શાસિત રાજ્યોમાં ચાલી રહેલી કલ્યાણકારી યોજનાનો યોગ્ય પ્રચાર થવો જોઈએ અને આ યોજનાઓને ગુડ ગવર્નન્સના દાખલા તરીકે જોવામાં આવવી જોઈએ.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેમણે ભાજપ શાસિત રાજ્યોમાં ગરીબો અને અન્ય સમાજના વર્ગોને મદદ કરવા માટેની યોજનાઓની નોંધ લીધી હતી.
આ પણ વાંચો: બજેટથી નારાજ આ ચાર રાજ્યોના મુખ્ય પ્રધાનો NITI આયોગની બેઠકમાં સામેલ નહીં થાય
તેમણે શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું હતું કે અમારી પાર્ટી અવિરત ગુડ ગવર્નન્સને આગળ વધારવા માટે તેમ જ લોકોની અપેક્ષાઓને પૂરી કરવા માટે કામ કરી રહી છે.
ભાજપ દ્વારા મુખ્યમંત્રી પરિષદનું આયોજન નિયમિત ધોરણે કરવામાં આવતું હોય છે. તેમાં રાજ્યમાં ચાલી રહેલી ચાવીરૂપ યોજનાની સમીક્ષા કરવી, સુયોગ્ય રીતે શાસન કરવું અને કેન્દ્ર સરકારની વિવિધ પહેલને યોગ્ય રીતે અમલી બનાવવા પર ચર્ચા થતી હોય છે.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ (ઉત્તર પ્રદેશ), હેમંતા બિસ્વા શર્મા (આસામ), ભજનલાલ શર્મા (રાજસ્થાન), મોહન યાદવ (મધ્ય પ્રદેશ) આ બેઠકમાં હાજર નેતાઓ હતા.
ઓડિશા, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, ગોવા, હરિયાણા, મણીપુર અને છત્તીસગઢના મુખ્ય પ્રધાનો પણ બેઠકમાં હાજર હતા. આ બેઠકમાં નેતાઓ દ્વારા રાજકીય સ્થિતિનું વિષ્લેશણ પણ કરવામાં આવ્યું હતું.
પાર્ટીના નેતાઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ બેઠકમાં શાસન કરતી વખતે આવી રહેલી અડચણો પર મુખ્યત્વે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રકારની છેલ્લી બેઠક ફેબ્રુઆરીમાં થઈ હતી. (પીટીઆઈ)