રાજકોટ

અગ્નિકાંડની દુર્ઘટના બાદ યોજાનાર લોકમેળાને લઈને તંત્રએ રાખી 44 શરત

રાજકોટ: TRP ગેમ ઝોન અગ્નિકાંડની દુર્ઘટના બાદ આ વર્ષે યોજાનાર જન્માષ્ટમી લોકમેળાને લઈને તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના રેસકોર્સ મેદાનમા આગામી 24થી 28 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ લોકમેળાનું આયોજન થનાર છે. પાંચ દિવસના લોકમેળામાં રોજ લાખો લોકો મેળાની મજા માણવા ઉમટે છે.

લોકમેળામાં આયોજનમાં અગ્નિકાંડની દુર્ઘટના બાદ તંત્ર દ્વારા વિશેષ તકેદારીના પગલાઓ લેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સ્ટોલ ધારકો અને રાઈડ ધારકો માટે નિયમો લાદવામાં આવ્યા છે.લોકમેળા સમિતિ દ્વારા આપવામાં આવેલા ફોર્મમાં કુલ 44 શરત રાખવામાં આવી છે અને આ 44 નિયમનું પાલન કરવાનું ફરજિયાત છે.

લોકમેળા સવારે 8થી રાત્રિના 11 વાગ્યા સુધીનો રહેશે અને આ સાથે જ સ્ટોલ/પ્લોટધારકે અસલ કબજા પાવતી એલોટમેન્ટ લેટર, ઓળખપત્ર લોકમેળા દરમિયાન સ્ટોલ/પ્લોટ ઉપર સતત રાખવાનું રહેશે.

આ પણ વાંચો: TRP ગેમ ઝોન કરૂણાંતિકામાં જવાબદાર લોકોને છોડતા નહીં, અસ્મિતા મંચ સુરેન્દ્રનગરની રજૂઆત

સ્ટોલમાં વેચાતા માલ કે ખાદ્ય પદાર્થો વગેરેના ભાવ બજારભાવ પ્રમાણે રાખવાના રહેશે અને જાહેરમાં દેખાય એ રીતે ભાવના બોર્ડ મૂકવાનાં રહેશે. કોઈ સ્ટોલધારક દ્વારા MRPથી વધારે કિંમત વસૂલ કરવામાં આવશે તથા અન્ય કોઈ પ્રકારે ગ્રાહક સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ મળશે તથા કોઈ ગેરરીતિ માલૂમ પડશે તો એલોટમેન્ટ લેટર રદ કરવામાં આવશે અને ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે.

આ મેળામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. સ્ટોલ/પ્લોટ ઉપર કોઈપણ પ્રકારની જાહેરાતના હકો લોકમેળા સમિતિના જ રહેશે અને સ્ટોલ/પ્લોટધારકો સ્ટોલના બહારના ભાગમાં પરવાનગી વગર કોઈપણ પ્રકારની જાહેરાતનું બેનર-બોર્ડ રાખી શકશે નહીં. કોઈપણ જાતના અકસ્માત અંગેની સમિતિની કોઈપણ જાતની જવાબદારી રહેશે નહિ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button