ભુજ

ભુજમાં વોટસએપ ગ્રુપ પર રોષવ્યક્ત કરતી ઓડિયો કલીપ વાયરલ કરનાર પર કાઉન્સિલરના પુત્રોએ હુમલો કર્યો

ભુજઃ શહેરની નગરપાલિકાની ખાડા,ગટર,લાઈટ પાણી જેવા પાયાના પ્રશ્નો પરત્વેની અક્ષમ્ય બેદરકારી,ગેરરીતિ, ભ્રષ્ટાચાર મુદ્દે અવારનવાર લાઈવ વીડિયો ક્લિપ રેકોર્ડ કરતા યુવકને આ વખતે એક કાઉન્સિલરની નામજોગ ફરિયાદ કરવી ભારે પડી ગઈ છે.

કાઉન્સિલરના પુત્રોએ પોતાના પિતાના નામજોગ ફરિયાદ કરતી ઑડિયો ક્લિપ સોસાયટીના વોટસએપ ગૃપમાં વાયરલ કરવા બદલ યુવકને તેના સ્ટુડિઓમાં જઈને માર મારતાં શહેરભરમાં ભારે ચકચાર પ્રસરી છે.

બનાવ અંગે જાણવા મળેલી વિગતો અનુસાર, ભુજ શહેરના વૉર્ડ નંબર ૮માં રઘુવંશી ચોકડી નજીક શ્રીહરિ પાર્કમાં રહેતા અને ગત ચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી કરનારા વીડિયોગ્રાફર કમ ફોટોગ્રાફર દિગ્વિજય જાડેજાએ સોસાયટીમાં લાંબા સમયથી પ્રવર્તતી ગટર સમસ્યાનો ઉકેલ ના આવતો હોઈ તેના વિસ્તારના નગરસેવક મનુ જાડેજા સામે નામજોગ રોષ વ્યક્ત કરતી ઑડિયો ક્લિપ સોસાયટીના વોટસએપ ગૃપમાં પોસ્ટ કરતાં મનુના બે પુત્રો સત્યરાજ અને ધૃવ તેમના ત્રણ મિત્રો વંશ, જેનીલ અને રાજને લઈને દિગ્વિજયના સ્ટુડિઓ પર પહોંચ્યાં હતાં.

આ પણ વાંચો: Auto-Taxi ચાલકોની મનમાની પર ‘લગામ’: RTOને ફરિયાદ માટે નંબર જારી

પિતાનું નામ લઈને ઑડિયો ક્લિપ શા માટે પોસ્ટ કરે છે, લેખીતમાં રજૂઆત કર કહીને તેમણે ઝઘડો કર્યો હતો. મામલો બિચકતાં બંને પક્ષે સામસામી મારકૂટ થયેલી જેમાં દિગ્વિજયની આંખ પર તીક્ષ્ણ હથિયાર વડે ઈજાઓ પહોંચી હતી. મારકૂટ બાદ પાંચે જણ નાસી ગયાં હતા.

ઘાયલ હાલતમાં દિગ્વિજયે પોતાનો વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. દિગ્વિજયે પોતાને ભ્રમરમાં થયેલી ઈજાથી એક ટાંકો લેવાયો હોવાનું માથાની પાછળ મુઢ માર વાગ્યો હોવાનું જણાવ્યું છે. બનાવ અંગે બંને પક્ષે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે સામસામી ફરિયાદો નોંધાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત એપ્રિલ માસમાં જિલ્લા મથક ભુજને નર્મદાનું પેયજળ પહોંચાડતી મુખ્ય લાઈનમાં ભંગાણ પડ્યા બાદ શહેરમાં સર્જાયેલી અભૂતપૂર્વ જળ કટોકટી વચ્ચે ભાજપના નગરસેવક ધર્મેશ ગોરે પાણી વિતરણ બાબતે પાલિકાની પાણી શાખામાં ફરજ બજાવતા ૩૫ વર્ષીય ઇજનેર મનદીપ સોલંકીને નશાની હાલતમાં ઢોરમાર માર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button