મનોરંજન

હેપ્પી બર્થડે દેવ આનંદઃ હર ફ્રિક કો ધુંએ મૈં ઉડાતા ચલા ગયા

નવી દિલ્હીઃ ‘હર ફ્રિક કો ધુંએ મે ઉડાતા ચલા ગયા…મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા, અભી ના જાઓ છોડ કે, ગાતા રહે મેરા દિલ, કેટ કેટલા ગીતો ગણગણશો આજે! તમારી જાણ ખાતર જણાવી દઈએ આજે સદાબહાર અભિનેતા દેવ આનંદનો 100મો જન્મદિવસ છે. એટલે એમની જ એમની વાતો. બોલીવુડના દિગ્ગજ અભિનેતા દેવ આનંદનો જન્મ 26 સપ્ટેમ્બર 1923માં પાકિસ્તાનમાં થયો હતો. તેમનું પૂરું નામ ધરમદેવ આનંદ હતું. પિતા પિશોરીમલ શાહુકાર હતા, જ્યારે ચાર ભાઈ અને બે બહેનમાં તેમના સૌથી મોટા ભાઈ મનમોહન આનંદ વકીલ હતા.

તેમનું શિક્ષણ પણ લાહૌરની જાણીતી સરકારી કોલેજમાં લીધું હતું. ઉચ્ચ અભ્યાસ માટે પરિવારની મંજૂરી નહીં મળ્યા પછી પિતાના કહેવાથી બેંકમાં નોકરી કરી હતી પણ એ જામ્યું નહીં. 1943માં પંજાબથી મુંબઈ 30 રુપિયા લઈને લાહૌરથી ફ્રન્ટિયર મેઈલથી મુંબઈ આવ્યા. યુદ્ધના દિવસોમાં તેમને સેન્સરની ઓફિસમાં કામ મળ્યું પણ જામ્યું નહીં. આઝાદી મળી અને એના પછી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી. પુણેમાં ઓડિશન આપ્યા ફછી પહેલો બ્રેક મળ્યો 1946માં. સૌથી પહેલી ફિલ્મ ‘હમ એક હૈ’માં કામ કર્યું. ત્યાર બાદ ધર્મદેવનું નામ દેવ આનંદ બન્યું.

1948માં જિદ્દી ફિલ્મ રિલીઝ થઈ અને બીજા વર્ષે મોટા ભાઈ ચેતનઆનંદની સાથે મળીને પોતાનું પ્રોડ્કશન હાઉસ નવકેતન બનાવ્યું હતું. છ દાયકાની ફિલ્મી કારકિર્દીમાં તેમને 113 ફિલ્મમાં કામ કર્યું હતું. અભિનેતા સિવાય દેવ આનંદ લેખક, નિર્દેશક અને નિર્માતા તરીકે અનેક ફિલ્મો બનાવી હતી. કારકિર્દીની શરુઆતમાં ‘અફસર’, ‘બાજી’, ‘કાલાપાની’, ‘હમ દોનો’, ‘તિન દેવિયાં’, ‘પ્રેમ પુજારી’, સીઆઈડી, અસલી નકલી, ‘તેરે મેરે સપને’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું, જેની યાદી બહુ લાંબી છે, પરંતુ ‘ગાઈડ’ ફિલ્મે જોરદાર સફળતા મળી હતી. ગાઈડ સિવાયની ફિલ્મોમાં ‘જવેલ થીફ’, ‘હરે રામા હરે કૃષ્ણા’, ‘હીરા પન્ના’, ‘વોરન્ટ’, ‘દેસ પરદેસ’, ‘લૂટમાર’, ‘હમ નૌજવાન’ વગેરે ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવી હતી.

‘ગાઈડ’ ફિલ્મ તેમની કારકિર્દી માટે સર્વશ્રેષ્ઠ ફિલ્મ સાબિત થઈ હતી. દેવ આનંદ અને વહીદા રહેમાનની જોડીએ ધૂમ મચાવી હતી. 1966માં બનેલી આ ફિલ્મ લીવ ઈન રિલેશનશિપના કોન્સેપ્ટ પર બની હતી, જ્યારે આ ફિલ્મે પણ બોક્સઓફિસ જ નહીં, પણ સામાજિક અને ધાર્મિક રીતે લોકપ્રિયતા મેળવી હતી. ફિલ્મમાં દેવઆનંદની એક્ટિંગ, ગીત, સંગીત અને ડાયલોગ્સ પણ ફિલ્મના ચાહકોમાં રાજ કરી ગયા હતા. મૈં આત્મા હું, મૈ અમર હું અને મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા જેવા આઈકોનિક સોંગે ધૂમ મચાવી હતી. આ ફિલ્મના કલાકારોને પણ અમર બનાવી દીધા હતા. વાસ્તવમાં આ કલાકારે ફિલ્મી દુનિયામાં અમર બનાવી દીધા હતા દેવાનંદને.

દેવાનંદના ચાહકોમાં અભિનેત્રીઓના નામ પણ લેવાય છે. જાણીતા ફિલ્મ અભિનેત્રી વહીદા રહેમાને એક વખત કહ્યું હતું કે હું દેવ આનંદને પહેલી વખત સીઆઈડીના સેટ પર મળી હતી, ત્યારે મને મળીને દેવસાબ પણ ખુશ થયા હતા. એ વખતે મને કહ્યું હતું કે મને સાહેબ કહેશો નહીં, કારણ કે એમ કહ્યા પછી હું કામ પણ સહજતાથી કરી શકીશ નહીં. દેવ આનંદ હંમેશાં જોશિલા હતા. તેઓ હંમેશાં એક્ટિવ અને ફિટ રહેતા, તેથી હું તેમને એવરીડે બેટરી કહેતી.

અલબત્ત, દેવ આનંદે અનેક નવોદિત કલાકારોને તક આપી હતી. શત્રુઘ્ન સિંહા, જીનત અમાન, ટીના મુનીમ, તબ્બુ, જેકી શ્રોફ, જરીન વહાબ વગેરેના નામ લેવાય છે. તેમની ફિલ્મો પણ સામાજિક જીવન આધારિત હતી. પદ્મભૂષણથી સન્માનિત અભિનેતાને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

અંગત જીવનની વાત કરીએ તો દેવ આનંદનો સુરૈયા સાથેનો પ્રેમ જગજાહેર હતો, પરંતુ એ સંબંધ પરિવારને પસંદ પડ્યો નહીં. સુરૈયા સાથે લગ્ન થયા નહીં, પરંતુ લગ્ન કલ્પના કાર્તિક સાથે થયા અને તેમને એક દીકરી અને દીકરો છે. ત્રીજી ડિસેમ્બર, 2011માં 88 વર્ષે દેવ આનંદનું લંડનમાં નિધન થયું હતું. લંડનમાં જ તેમના પાર્થિવ દેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. હિન્દી ફિલ્મોમાં તેમના પ્રદાનને લઈ દેવ આનંદ અમર બની ગયા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button