દ્રાસ (કારગિલ): પાકિસ્તાને ઈતિહાસમાંથી કોઈ બોધપાઠ લીધો નથી અને તેઓ હજી પણ આતંકવાદની આડમાં પ્રોક્સી-વૉર કરી રહ્યા છે એમ જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે દુશ્મનની કોઈપણ દુષ્ટ યોજનાને સફળ થવા દેવામાં આવશે નહીં.
25મા કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે વડા પ્રધાને ફરજ પર પ્રાણ ન્યોછાવર કરનારાઓને અંજલિ આપી હતી. તેમણે શ્રદ્ધાંજલિ સમારોહમાં હાજરી આપી હતી અને કારગિલ વોર પર નોન-કમિશન્ડ ઓફિસરો દ્વારા કરાયેલી ગૌરવ ગાથા પણ સાંભળી હતી. તેમણે અમર સંસ્મરણ અને વીર ભૂમિની પણ મુલાકાત લીધી હતી.
તેમણે પાકિસ્તાનની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે ભૂતકાળમાં દર વખતે તેમને પરાજયનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાને પોતાના ભૂતકાળમાંથી કોઈ બોધપાઠ લીધો નથી. તેમણે આતંકવાદની આડમાં પ્રોક્સી-વૉર ચાલુ રાખી છે.
જમ્મુમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાબતે વડા પ્રધાન દ્વારા આ ટિપ્પણી કરવામાં આવી હતી.
મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે આતંકવાદીઓના બદઈરાદા ક્યારેય સફળ થશે નહીં. અમારા બહાદુર જવાનો બધા જ આતંકવાદી પ્રયાસોને કચડી નાખશે.
આ પણ વાંચો: જય હો: કારગિલ વિજય દિવસની ઉજવણી માટે આર્મીએ મોટરસાઈકલ માર્ચ કાઢી
કારગિલ યુદ્ધના સમયને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે સદનસીબે તે વખતે હું જવાનોની સાથે હતો અને આટલી ઊંચાઈએ કેવી કપરી પરિસ્થિતિમાં આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું તે યાદ છે.
મોદીએ કહ્યું હતું કે માતૃભૂમિની રક્ષા કરવા માટે વીર જવાનોએ જે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે તેને હું સલામ કરું છું. કારગિલમાં આપણે ફક્ત યુદ્ધ નહોતું જીત્યું, આપણે સત્ય, સંયમ અને શક્તિનું પ્રદર્શન કર્યું હતું. આપણે પાડોશી સાથે શાંતિ જાળવવા માટે બધા જ પ્રયાસો કરી રહ્યા છીએ, પરંતુ પાકિસ્તાને પોતાનો વાસ્તવિક રંગ દેખાડ્યો છે.
આજે હું એ જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાંથી આતંકવાદના આકાઓ મારો અવાજ સીધો સાંભળી શકે છે. મારે આતંકવાદના આશ્રયદાતાઓને કહેવું છે કે તેમના બદઈરાદા ક્યારેય સફળ થશે નહીં. અમારા શૂરવીર જવાનો આતંકવાદને કચડી નાખશે અને શત્રુઓને જડબાતોડ જવાબ આપશે.
તેમણે કહ્યું હતું કે લદાખ અને જમ્મુ-કાશ્મીરના વિકાસ આડેના બધા જ પડકારોને દૂર કરવામાં આવશે. કાશ્મીરમાં સાડા ત્રણ દાયકા બાદ શિયા મુસ્લિમો દ્વારા મોહરમના તાજિયા કાઢવામાં આવ્યા તે બાબતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે દુનિયાનું સ્વર્ગ હવે શાંતિ તરફ આગળ વધી રહ્યું છે. મોદીએ શિનકુન લા ટનલ પ્રોજેક્ટના પહેલા બ્લાસ્ટનું વર્ચ્યુઅલી નિરીક્ષણ કર્યું હતું.
શિનકુન લા ટનલ પ્રોજેક્ટમાં 15,800 ફૂટની ઊંચાઈ પર 4.1 કિલોમીટર લાંબી ટ્વિન ટનલ બાંધવામાં આવશે જે નિમુ-પદુમ-દાર્ચા રોડનો ભાગ છે, જે લેહને વર્ષના બધા જ મહિનામાં કનેક્ટિવિટી પૂરી પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. લદાખના લોકોને વધામણાં આપતાં તેમણે કહ્યું હતું કે લોકોની પરેશાનીમાં કનેક્ટિવિટીને કારણે ઘટાડો થશે. (પીટીઆઈ)