ઇન્ટરનેશનલસ્પોર્ટસ

ઑલિમ્પિક્સમાં ભારતીય મહિલા તીરંદાજોનું શરૂઆતમાં જ અચૂક નિશાન, ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ

પૅરિસ: ભારતની મહિલા તીરંદાજોની ટીમે પૅરિસ ઑલિમ્પિક્સના રૅન્કિંગ રાઉન્ડમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. દીપિકા કુમારી, અંકિતા ભગત અને ભજન કૌરે કુલ મળીને 1,983 પૉઇન્ટ મેળવ્યા અને એ સાથે ભારતીય ટીમ ચોથા સ્થાન પર રહી જેનો અર્થ એ થયો કે તેમણે ભારતની મહિલા તીરંદાજોએ ટીમ ઇવેન્ટની ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સાઉથ કોરિયા 2,046 પૉઇન્ટ સાથે પ્રથમ સ્થાને, ચીન બીજા સ્થાને અને મેક્સિકો ત્રીજા સ્થાને રહ્યું હતું.

આ પણ વાંચો: ઑલિમ્પિક્સના આરંભ પહેલાં જ કોવિડ-19ની એન્ટ્રીથી સનસનાટી, પાંચ ખેલાડીઓના રિપોર્ટ પૉઝિટિવ

પૅરિસ ઑલિમ્પિક્સનો વિધિવત આરંભ શુક્રવારે થશે, પરંતુ અમુક હરીફાઈઓ વહેલી શરૂ થઈ ગઈ છે. ટૉપ-ફોરમાં આવનાર ટીમને ક્વૉર્ટરમાં જગ્યા મળે છે. ભારતનો ક્વૉર્ટર ફાઇનલમાં યજમાન ફ્રાન્સ અને નેધરલૅન્ડ્સ વચ્ચેની વિજેતા ટીમ સામે મુકાબલો થશે. 5-12 વચ્ચેના સ્થાને રહેનારી ટીમોએ પહેલાં તો 16 ટીમના રાઉન્ડમાંથી પસાર થવું પડશે.

આ પણ વાંચો: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય સ્પર્ધકોનું શરૂઆતનું શેડ્યૂલ શું છે?

રૅન્કિંગ રાઉન્ડ પાછળનો ઉદ્દેશ તીરંદાજીમાં 128 ઍથ્લીટોનું એક બ્રૅકેટ તૈયાર કરવાનો હતો. હવે 128 ઍથ્લીટ પોતપોતાના રૅન્કને આધારે સિંગલ્સની સ્પર્ધામાં એકમેક સામે વ્યક્તિગત રીતે હરીફાઈમાં ઊતરશે. પહેલાં રાઉન્ડ ઑફ 64, ત્યાર પછી રાઉન્ડ ઑફ 32 યોજાશે અને પછી પ્રી-ક્વૉર્ટર ફાઇનલ યોજાશે અને એ રીતે ફાઇનલ સુધીની સફર જોવા મળશે.

આ પણ વાંચો: ઑલિમ્પિક્સ ફૂટબૉલમાં વિવાદ વચ્ચે આર્જેન્ટિનાની હાર બાદ મેસીનું આવ્યું રીએક્શન…

વ્યક્તિગત સ્કોર્સની વાત કરીએ તો ભારત વતી સૌથી સારું પ્રદર્શન અંકિતા ભગતે કર્યો જેણે 72 શૉટ મારીને કુલ 666 પૉઇન્ટ હાંસલ કર્યા હતા અને 11મા નંબર પર રહી હતી. જોકે ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન દીપિકા કુમારી અને ભજન કૌર ટૉપ-20ની બહાર રહી હતી. ભજન બાવીસમા અને દીપિકા ત્રેવીસમા સ્થાને રહી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button