ઇન્ટરનેશનલસ્પોર્ટસ

ઑલિમ્પિક્સ ફૂટબૉલમાં વિવાદ વચ્ચે આર્જેન્ટિનાની હાર બાદ મેસીનું આવ્યું રીએક્શન…

પૅરિસ: ફ્રાન્સમાં ઑલિમ્પિક ગેમ્સનું 100 વર્ષે ફરી એક વાર આયોજન થઈ રહ્યું છે. શુક્રવારની ઓપનિંગ સેરેમની પહેલાં જ કેટલીક સ્પર્ધાઓ શરૂ થઈ ચૂકી છે. એમાં ફૂટબૉલ સ્પર્ધાની એક મૅચમાં ફિફા વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિનાનો મોરોક્કો સામે એક ગોલના વિવાદ વચ્ચે 1-2થી પરાજય થયો હતો. મૅચની છેલ્લી પળોમાં આર્જેન્ટિનાનો એક ગોલ રદ કરવામાં આવતાં દેશના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીએ સોશિયલ મીડિયામાં આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઑલિમ્પિક ગેમ્સમાં ફૂટબૉલની સ્પર્ધા અન્ડર-23 વર્ગના ખેલાડીઓ વચ્ચે જ રાખવામાં આવી છે. જોકે દરેક ટીમને 23 વર્ષ કરતાં વધુ ઉંમરના ત્રણ ખેલાડીને ટીમમાં સમાવવાની છૂટ અપાઈ છે.

બુધવારે મુખ્ય મૅચની 90 મિનિટને અંતે મોરોક્કોની ટીમ 2-1થી આગળ હતી અને ત્યારે 15 મિનિટનો ઇન્જરી-ટાઈમ ઉમેરવામાં આવ્યો હતો. બધાની નવાઈ વચ્ચે મૅચ એ સમય પાર કરી ગઈ હતી અને 17મી મિનિટમાં (મૅચની 107મી મિનિટમાં) આર્જેન્ટિનાના ખેલાડીએ ગોલ કર્યો હતો જેને લીધે બંને ટીમ 2-2ની બરાબરીમાં થઈ ગઈ હતી.

જોકે સ્ટેડિયમમાં બેઠેલા આફ્રિકન દેશોના કેટલાક પ્રેક્ષકોથી આ સહન ન થયું અને તેઓ મેદાન પર ઊતરી આવ્યા હતા. તેમણે ખેલાડીઓ પર ફટાકડા અને બીજી ચીજો ફેંક્યા હતા. લગભગ બે કલાક સુધી ધમાલ અને વિવાદ ચાલ્યા બાદ તમામ પ્રેક્ષકોને સ્ટેડિયમની બહાર કાઢી મૂકીને ફરી મૅચ શરૂ કરવામાં આવી હતી. રિપ્લે મુજબ આર્જેન્ટિનાના ખેલાડીનો એ ગોલ ઑફસાઇડ હોવાથી મૅચ રેફરીએ એ ગોલ રદ કરી નાખ્યો હતો. ત્યાર બાદ બીજી ત્રણ મિનિટની રમત થઈ અને મોરોક્કોને 2-1થી વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

આર્જેન્ટિનાની સિનિયર ફૂટબૉલ ટીમના કેપ્ટન મેસીએ ઇન્સ્ટાગ્રામ પર પ્રતિક્રિયા આપી હતી. તેણે ગોલના વિવાદને તથા પોતાના દેશના પરાજયની સમગ્ર ઘટનાને એક શબ્દમાં વ્યક્ત કરી હતી. તેણે ‘અકલ્પનીય’ શબ્દ લખીને આ વિવાદમાં આર્જેન્ટિનાનો ગોલ રદ કરાયો એ ઘટનાથી તેમ જ એને લીધે આર્જેન્ટિનાએ હાર જોવી પડી એ બાબતમાં આશ્ચર્ય તથા આઘાત વ્યક્ત કર્યા હતા.

2008ની (16 વર્ષ પહેલાંની) બીજિંગ ઑલિમ્પિક્સમાં લિયોનેલ મેસીની કેપ્ટન્સીમાં આર્જેન્ટિનાએ ફાઇનલમાં નાઈજીરીયાને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker