લાડકી

સિન્થેટિક ફેબ્રિક – બેસ્ટ ઈન મોન્સૂન

ફેશન – ખુશ્બુ મૃણાલી ઠક્કર

સિન્થેટિક ફેબ્રિક બનાવવા માટે ફાઈબરની જરૂર પડે. ફાઈબર એટલે એક નાનો થ્રેડ કે જેનો ઉપયોગ કાપડ બનાવવામાં થાય છે.ફાઈબર બે પ્રકારના હોય છે. કુદરતી અને સિન્થેટિક. અહીં આપણે સિન્થેટિક ફાઈબરની વાત કરીએ.સિન્થેટિક ફાઈબર એ માનવનિર્મિત છે. જે કેમિકલ અથવા પોલિમર્સમાંથી બનાવવામાં આવે છે. જેમકે રેયોન, નાયલોન અને પોલિએસ્ટર એ મેન મેડ ફાઈબર છે.આ ફાઈબર મોટે ભાગે લાકડાનાં પલ્પમાંથી મળે છે. સિન્થેટિક ફેબ્રિક ખૂબ જ સુંવાળું હોય છે. અને સિન્થેટિક ફેબ્રિકને આસાનીથી કોઈ પણ કલર આપી શકાય છે. સિન્થેટિક ફેબ્રિકના ત્રણ પ્રકાર છે રેયોન, નાયલોન અને પોલિએસ્ટર.

સિન્થેટિક ફેબ્રિક દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે અને પહેરવામાં હલકું અને સુંવાળું હોય છે. સિન્થેટિક ફેબ્રિક ખૂબ જ ટકાઉ હોય છે. જલદીથી ફાટતું નથી અને વધારે સમય ચાલે છે. સિન્થેટિક ફેબ્રિક એ મેન મેડ છે તેથી તેની કિંમત ઓરિજિનલ ફેબ્રિક કરતા ઓછી હોય છે.

સિન્થેટિક ટોપ્સ – વેસ્ટર્ન ટોપ્સ માટે સિન્થેટિક ફેબ્રિક એ એક બેસ્ટ ઓપ્શન છે. વેસ્ટર્ન ટોપની જે ફલોઈ સ્ટાઇલ હોય છે તે સિન્થેટિક ફેબ્રિકમાં બરાબર બેસે છે. અને સિન્થેટિક ફેબ્રિકની પ્રિન્ટ અટ્રેક્ટિવ હોવાને કારણે વેસ્ટર્ન ટોપ્સ ખૂબ જ સુંદર લાગે છે. જેમનું શરીર થોડું ભરેલું હોય તેઓ સિન્થેટિક ટોપ્સ ટ્રાય કરી શકે.સિન્થેટિક ટોપ્સ શરીરને ચોંટતા નથી તેથી પાતળા હોવાનો આભાસ થાય છે.જો તમને નાયલોન કે પોલિએસ્ટર ફેબ્રિક ન પહેરવું હોય તો તમે રેયોન ફેબ્રિકના ટોપ્સ પહેરી શકો. રેયોન ફેબ્રિક પહેરવાથી સુંવાળું તો લાગે છે પરંતુ રેયોન ફેબ્રિક પહેર્યા પછી શરીરનો શેપ લઇ લે છે તેથી કરી જો તમારું શરીર થોડું પણ ભરેલું હશે તો પેટ અને કમરનો ચરબીવાળો ભાગ ઉપસીને દેખાશે. જેઓને સિન્થેટિક કપડાંથી સ્કિન પ્રોબ્લેમ ન થતો હોય તેઓ માટે સિન્થેટિક કપડાં બેસ્ટ ઓપ્શન છે .જેમકે ઘરમાં રહેતી સ્ત્રી રેયોન ફેબ્રિકના ગાઉન પહેરી શકે.અલગ અલગ સ્ટાઇલના ડ્રેસ અને કુર્તિઓ પહેરી શકાય. પહેરી પહેરીને ટહુકી જવાય પરંતુ સિન્થેટિક ફેબ્રિક ફાટતું નથી અને જૂનું પણ નથી લાગતું. સિન્થેટિક વેસ્ટર્ન ટોપ્સ ડેનિમ સાથે ખૂબ જ સ્માર્ટ લુક આપે છે.પ્લાઝો કે ડેનિમ શોર્ટ્સ સાથે પણ પહેરી શકાય. ઘણી મહિલાઓ એન્કલ લેન્થ જેગિંગ સાથે સિન્થેટિક શર્ટ પહેરે છે જેની લેન્થ હિપ કવર થાય ત્યાં સુધી હોય અથવા ની થી ઉપર હોય છે.

સિન્થેટિક સાડી – ઘણી મહિલાઓને સિન્થેટિક સાડી ખૂબ જ પસંદ હોય છે. સૌથી મહત્ત્વનું કે સિન્થેટિક સાડી પહેરવાથી પાતળા લગે છે. સિન્થેટિક સાડીઓમાં અલગ અલગ પ્રિન્ટના ઓપ્શન આવે છે. સિન્થેટિક સાડી પહેર્યા પછી ટિપિકલ લુક નથી આવતો અને ઉંમર કરતા વધારે મોટા નથી લાગતું. સિન્થેટિક સાડીમાં મેચિંગ બ્લાઉઝ તો આવે જ છે. તે જ બ્લાઉઝને જો થોડી ફેન્સી પેટર્ન આપવામાં આવે તો સાડીનો આખો લુક જ બદલાઈ જાય છે. જે મહિલાઓ હજી પણ ઘરમાં રોજ સાડી પહેરે છે તેની માટે સિન્થેટિક સાડી બેસ્ટ ઓપ્શન છે. સિન્થેટિક ફેબ્રિક ચોળાઈ નથી જતું, સાડીના કલર લાઈટ નથી થતા, ફેબ્રિક ફાટતું નથી અને લાંબા સમય સુધી ફ્રેશ જ લાગે છે.સિન્થેટિક ફેબ્રિકની સાડીઓ ચોમાસામાં જલદીથી સુકાઈ જાય છે. સિન્થેટિક સાડીઓને મેઇનટેન કરવાનું ખૂબ જ આસાન છે, સાડીને રોજ ઈસ્ત્રી નથી કરવી પડતી. આ બધા કારણોને લીધે ઓફિસમાં કામ કરતી મહિલાઓ માટે સિન્થેટિક સાડી બેસ્ટ ઓપ્શન છે.

સિન્થેટિક ડ્રેસ- મોટા ભાગની યુવતીઓ સિન્થેટિક ડ્રેસ પહેરવાનું પ્રિફર કરે છે. સિન્થેટિક ડ્રેસ પહેરવાથી પાતળા લાગે છે. જો ચોમાસામાં ભીના થવાય તો પાણી જલદીથી નીકળી જાય છે. સિન્થેટિક ડ્રેસમાં પેટર્ન વાઇસ ઘણી વેરાઇટી આવે છે, જેમ કે, લેયર ડ્રેસ એટલે કે એક ફેબ્રિક પર બીજું ફેબ્રિક અને તેની પર ત્રીજું ફેબ્રિક. ત્રણ ફેબ્રિકના લેયર આવતા હોવા છતાં જાડા નથી લાગતું. સિન્થેટિક ફેબ્રિક ખૂબ જ પાતળું હોય છે અને વધારે ફેબ્રિકનો ઉપયોગ કરવા છતાં પણ બલ્કિ નથી લાગતું. ટ્રાવેલિંગ માટે સિન્થેટિક ડ્રેસ બેસ્ટ ઓપ્શન છે. સિન્થેટિક ડ્રેસ પર ડેનિમ જેકેટ અથવા કોન્ટ્રાસ્ટ કલરનું શ્રગ પહેરી એક સ્ટાઈલિશ લુક આપી શકાય. સિન્થેટિક ડ્રેસમાં જે અલગ અલગ પ્રિન્ટનો વપરાશ થતો હોય તેના લીધે ડ્રેસ હંમેશાં લેટેસ્ટ જ લાગે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button