લાડકી

કરણી તેવી બરણી

લાફ્ટર આફ્ટર – પ્રજ્ઞા વશી

કાચી કેરીનાં અથાણાંની વાત લખતાં મને મોંમાં પાણી આવી જાય છે. અને હા, લેખ વાંચીને તમને પણ મોંમાં પાણી આવશે. ફોન કરીને મેં અથાણાં વિશે અનેકો પાસેથી વિગતો લીધી. ઉત્સાહી અને નિપુણ બહેનોએ એમના અનુભવનું વર્ણન લંબાણથી કર્યું. મારી રસોઈકળાના બણગાં ફૂંકેલા. બણગાં ફૂંકવામાં ક્યાં પૈસા લાગે છે!

અથાણાં અંગે પૂરતું જ્ઞાન પ્રાપ્ત કરી એક વાર અમે પણ એકલ પંડે અથાણાં બનાવવા બેઠેલાં, પણ સામગ્રી લેવામાં થોડી થાપ ખાઈ ગયેલાં અને પછી બે વ્યક્તિની જગ્યાએ બાર વ્યક્તિને પાંચ વરસ ચાલે એટલું અથાણું બનાવી બેઠેલાં. ‘મિયાં ગીર ગયે, તો નમાજ પઢ લી’ એ વાક્યને સાર્થક કરવા અમે જે મહેનત કરી હતી, એ પેલાં અથાણાંની મહેનત કરતાં બાવન ગણી વધારે હતી.

અમને એમ હતું કે અમારા ઘરવાળા સાંજે આવવાનું કહીને ગયા છે તો ત્યાં સુધીમાં અથાણું બરણીમાં ભરાઈ ગયું હશે, પણ અક્કરમીનો પડિયો કાણો એ કહેવત મુજબ અમારું નસીબ સહેજ કાણું નીકળ્યું. અથાણાંની સામગ્રી એકઠી કરવામાં અને એને તોલવામાં તેમજ એ કેવું બનાવવું છે એ માટે પડોશણની સલાહ લઈ બધી સામગ્રી એક પછી એક નાખતાં જવામાં એક તપેલું નાનું પડ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે ઘરના સૌથી મોટામાં મોટા તપેલામાં આ અથાણું માતું નથી એટલે સામગ્રીનાં માપનમાં કે કોઈ ગણતરીમાં મેં ભૂલ કરી છે. (જોકે મારું મન કબૂલવા તૈયાર ન હતું કે હું ભૂલ કરી શકું. હા, કદાચ પડોશણે સામગ્રી વધારે નખાવવાની ભૂલ કરી હોય!)

ભલી પડોશણ એનાં ઘરનું મોટું તપેલું લઈ આવી. ઉત્સાહી, કામગરી અને રસોઈ નિષ્ણાત છે, એવી છાપ પાડી ચૂકેલી પડોશણ હાર સ્વીકારે કે ભૂલ કબૂલે એવી નહોતી.(લગભગ અમે બંને રસોઈ નિષ્ણાત હોઈએ, એવી છાપ એકબીજા ઉપર પાડી ચૂકેલાં હતાં એટલે હવે પુરવઠો કેમ ઠેકાણે પાડવો તે વિચારતાં હતાં.) થયું એમ કે પહેલાં એને સૂકવેલી કેરીનાં ચીરિયાં ઓછા લાગ્યાં. એણે કહ્યું, ‘આટલાં તો બે મહિના પણ નહીં ચાલે. એક કામ કર. મારાં સુકાયેલાં છે, તે આમાં લઈ લે. આમ તો હું આમચૂર બનાવવાની હતી. પણ હું પછી સૂકવી લઈશ.’

બેઉ ઘરનાં ચીરિયાં ભેગાં થયાં એટલે લાલ મરચું, મીઠું, હીંગ, દળેલી મેથી અને હળદર તેમજ તેલનો પુરવઠો પણ વધી જાય એ સ્વાભાવિક છે. એની પાસે તપેલીનું માપ સેટ કરી, એની પાસે જ એનાં ઘરની સામગ્રી મંગાવવામાં આવી. તેલનો પુરવઠો ઉપર રહેતી સખીને ત્યાંથી આવ્યો. આવી પડેલી આફતમાંથી કેમ ઊગરવું એ વિચારમાં અમે ત્રણેય માથે હાથ મૂકીને બેઠાં હતાં. ત્યાં ઉપરવાળી બોલી, ‘આજનો દિવસ મારા આ મોટા તપેલામાં જ રહેવા દે. કાલે શનિવારીમાંથી અસલ મળતા એવા મોટા બરણા હવે ઘણા વેચવા મૂકે છે. એ લઈ આવજે ને એમાં ભરી દેજે’ મેં ગભરાટ છુપાવતાં કહ્યું, ‘પણ આ બે-ચાર વાર આખી જાન જમી લે એટલું અથાણું જોઈને તમારા ભાઈ મને..’ મેં વાત અધૂરી છોડી દીધી. બંને સમદુખિયણ સહેલીઓ સમજી ગઈ મારી વ્યથા, કારણ કે એ બંને પણ મારી જેમ બે વર્ષ પહેલાં આવો જ બફાટ કરી ચૂકી હતી અને ત્યારથી એમણે બજારનું અથાણું ખાવાનું શરૂ કરી દીધું હતું.

મેં ફરી આ અથાણાંનો નિકાલ ઝટ કરવા અંગે ચિંતા વ્યક્ત કરી એટલે ઉપરવાળી બોલી, ‘બે વર્ષ પહેલાં મેં બનાવેલું અથાણું પિયર, સાસરે, મોસાળ, દસ પડોશણ, કામવાળી બાઈઓ, ઇસ્ત્રીવાળો, માળી અને ઍપાર્ટમેન્ટનો ગુરખો સુધ્ધાં ખાઈ ખાઈને થાકી ગયા છે. અને હજી થોડું ફ્રીઝના ખાનામાં અંદરથી મૂકેલું છે, તારા ભાઈથી છુપાવીને! એટલે ભૂલેચૂકે તું મને અથાણું આપવાનું તો વિચારતી જ નહીં! ’ ત્યાં સામેવાળી પણ બોલી : ‘બરાબર. મારી સ્ટોરી પણ લગભગ આવી જ છે. મારાં અથાણાંથી અમારાં ગામની આખી જાન જમી ગયેલી, ને તોય હજી સ્ટોર રૂમમાં અડધું પડેલું છે. આમ સારું જ છે- ખાલી લાલની જગ્યાએ કલર કાળો થઈ ગયો છે, પણ સ્વાદ તો હજી એવો જ છે. જ્યારે મહેમાનને ભગાડવા હોય, ત્યારે આ અથાણું આગ્રહ કરી કરીને, લગભગ શાક જેટલું પીરસીને પૂરું કરવા વિચારું છું એટલે તું મારા તરફ તો દયાની નજરે જોતી જ નહીં. હું તારું અથાણું સ્વીકારવાને સમર્થ નથી.!’

આ અથાણું કઈ રીતે ઠેકાણે પાડવું એની ચિંતા મારા મોં તેમજ આખા શરીરને સંતાપી રહી હતી. મેં એક આખરી દાવ ફેંક્યો : તમે એક કામ કરો. તમે બંને એક એક બરણી હમણાં તમારે ત્યાં લઈ જાવ ને તમારા સ્ટોર રૂમમાં સંતાડી રાખજો. વખત આવ્યે હું એનો નિકાલ કરીશ.’ પણ ઉપરવાળી તરત બોલી ઊઠી : ‘હું લાખ વાર કહીશ કે આ અથાણું મેં નથી બનાવ્યું, એ નીચેવાળી ભાભીએ બનાવ્યું છે. તો પણ મારા પતિદેવ નહીં જ માને (કારણ આવું બહાનું આ બહેને ઘણી વાર બતાવ્યું હશે.) મેં ધીમે રહી યાચનાભરી નજર સામેવાળી તરફ કરી. -અને ત્યાં જ ઘરનો દરવાજો પતિદેવે પોતાની ચાવીથી ખોલ્યો અને અંદર પધાર્યા. અત્ર તત્ર સર્વત્ર પથરાયેલ સામગ્રીઓનાં તપેલાં, કથરોટો અને નાના મોટા બરણાઓ અને અથાણાં જોઈ પતિદેવ બોલ્યા, કેમ? તમે ત્રણે બહેનપણી ભેગાં મળીને અથાણાંનો વેપાર કરવાનાં કે શું?’

મેં કહ્યું; ‘હા, કંઈક એવું જ વિચાર્યું છે. પણ કોઈક ઘરાક મળે તો બેડો પાર થાય!’

‘હમણાં કંઈક જોરદાર કડવા પ્રહારોનાં બાણ ફેંકાશે.’ એમ વિચારી બધું સમેટવા લાગી. ત્યાં પતિદેવ બોલ્યા: જલદી પાણી આપી દે. અને હા, સાંભળ. આપણા મિત્ર રમેશને ઘરે દીકરીનાં લગ્ન છે. એ મને કહેતો હતો કે કોઈ ઘરે બનાવેલ અથાણું વેચતું હોય તો કહેજે. તું કહે તો ફોન કરીને કહી દઉં કે અમે પહોંચાડીશું. પાર્ટી મોટી છે. તારો જે ભાવ હોય તે આપશે.!

‘જાન બચી તો લાખો પાયે, લૌટ કે બુદ્ધુ ઘર કો આયે’ આજની ઘડીને કાલનો દિવસ. હું ઘરમાં એક પણ બરણી રાખતી નથી, કે નથી સપનામાંય સુધ્ધાં અથાણું બનાવતી !

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button