ઈન્ટરવલ

અમેરિકામાં પ્રમુખ ચૂંટણી-જંગ : ટ્રમ્પ વિરુદ્ધ કમલા અબ આયેગા મજા!

પ્રાસંગિક – અમૂલ દવે

છેલ્લા એકાદ વર્ષથી અમેરિકાના પ્રમુખપદ માટેની સ્પર્ધા કંટાળાજનક અને અમેરિકાની પ્રજાને નથી જોઈતા એવા બે વયોવૃદ્ધ ઉમેદવારો જો બાઈડન અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે હતી.

જોકે, પાંચ નવેમ્બરે યોજાનારી આ ચૂંટણીના ૧૦૭ દિવસ પહેલાં રાતોરાત બધું બદલાઈ ગયું. પ્રમુખપદની રેસમાંથી ખસી જવાના અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને અનુમોદન આપવાના બાઈડનના નિર્ણયે સમસ્ત સિનારિયો બદલાવી નાખીને આ ચૂંટણી-જંગમાં વધુ રોમાંચ ને રસાકસી ઉમેરી દીધા છે.

૮૧ વષર્ના પ્રમુખ બાઈડનની કથળતી તબિયત અને ૨૭ જૂનની ટ્રમ્પ સાથેની ડિબેટમાં કંગાલ દેખાવને પગલે એમણે પીછેહઠ કરવી પડી. ટ્રમ્પની સરખામણીમાં એમનું રેટિંગ કથળી જતા ડેમોક્રેટિક પાર્ટીના દિગ્ગજોએ બાઈડન પર રેસમાંથી ખસી જવા દબાણ આણ્યું. પૂર્વ પ્રેસિડેન્ટ ઓબામાએ પણ બાઈડનને ખસી જવાની સલાહ આપી ત્યાર બાદ ૧૩ જુલાઈએ પેન્સિલવેનિયામાં જાહેર સભામાં ટ્રમ્પની હત્યાનો પ્રયાસ થયો. ટ્રમ્પના એક કાનને લોહીલુહાણ બનાવનારી એક બુલેટ ગેમ ચેન્જર બની ગઈ!

હત્યાના પ્રયાસમાંથી બચી ગયા બાદ ટ્રમ્પે કહ્યું કે ‘મેં લોકશાહી માટે ગોળી ખાધી છે’ આમ આ એક વાક્ય અને એક બુલેટ ટ્રમ્પની તરફેણમાં સહાનુભૂતિનું મોજું ખેંચી લાવ્યું..

અધૂરામાં પૂરું, બાઈડનને કોરોના થયો અને આઈસોલેશનમાં રહેવું પડ્યું. બાઈડનને ચૂંટણી જંગ છોડવાનો પોતાનો નિર્ણય એકદમ ગુપ્ત રાખ્યો. એની પ્રચાર ટીમને પણ એની ગંધ આવવા ન દીધી. ફક્ત કુટુંબીજન, કમલા હેરિસ અને નિકટના એક સલાહકારને ખબર હતી. રેસમાંથી ખસી જવા બાઈડન પર પ્રચંડ દબાણ હતું અને બાઈડને કહ્યું એમ પક્ષ અને દેશના હિતમાં એમણે પાછી પાની કરી હતી (કરવી પડી!.)

કોઈ પ્રમુખ રેસમાંથી સ્વેચ્છાએ ખસી ગયા હોય એવું છેલ્લે ૧૯૬૮માં બન્યું હતું. વિયેટનામના યુદ્ધ પછી થયેલી આલોચનાને લીધે લિન્ડન જોન્સને બીજી મુદત માટે ફરી ઉભા રહેવાની ના પાડી હતી..

હવે કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટીનાં પ્રમુખપદના ઉમેદવાર તરીકે હોટ ફેવરિટ છે. બાઈડન તેમ જ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન તેમ જ ડેમોક્રેટિક પાર્ટીના અન્ય દિગ્ગજો જેવા કે ગૃહનાં ભૂતપૂર્વ સ્પિકર નાન્સી પેલોસીએ કમલાને સમર્થન આપ્યું છે. જોકે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ હજી સુધી કમલાને સમર્થન આપ્યું નથી.

મૂળ ભારતીય વંશજ કમલા હેરિસ પણ જાણે છે કે એ ફ્રન્ટરનર છે, પરંતુ દિલ્હી હજી દૂર છે.
હેરિસે કહ્યું છે કે બાઈડને મને અનુમોદન આપ્યું એ બદલ હું ગર્વ અનુભવું છું. મારી ઈચ્છા મારા પક્ષમાં પ્રમુખપદનું નામાંકન જીતવાની છે. એમની શરૂઆત સારી રહી છે. હેરિસે સમર્થન મેળવવા પક્ષના આગેવાનોનો સંપર્ક કરવાનું શરૂ કર્યું એમાં સફળતા મળી છે. અનેક ડેમોક્રેટે એમને ટેકો આપ્યો છે. આમાં કૉંગ્રેસમાંના વિનીત અને પ્રગતિશીલ સભ્યોનો સમાવેશ થાય છે. કૉંગ્રેસના બ્લેક કોકસે પણ અનુમોદન આપ્યું છે. બે ગવર્નર જેઓ પોતે પ્રમુખપદના ઉમેદવાર છે એમણે પણ કમલાને ટેકો જાહેર કર્યો છે.

કમલાએ પક્ષના સત્તાવાર ઉમેદવાર બનવા આવતા મહિને શિકાગોમાં થનારી ડેમોક્રેટિક પાર્ટીની રાષ્ટ્રીય પરિષદમાં પ્રતિનિધિઓના યોગ્યતાના માપદંડ જેટલા મત મેળવવા પડશે. હેરિસને ચાર હજાર પ્રતિનિધિમાંથી ૧૯૭૬નો ટેકો મળી ગયો છે. બાઈડનના ખસી જવાથી ટ્રમ્પની ટીમને તેનું ધ્યાન બાઈડનને બદલે હવે કમલા પર કેન્દ્રિત કરવું પડશે. ટ્રમ્પે તો કહી પણ દીધું કે અમારે અમારો પ્રચાર નવેસરથી કરવો પડશે. ટ્રમ્પના મુખ્ય મુદ્દા ફુગાવો અને વસાહતીઓનો છે. હેરિસને નામાંકન મળશે તો એ આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ અશ્ર્વેત અને અમેરિકન એશિયન હશે.

બીજી તરફ, ટ્રમ્પનો મિજાજ મહિલાના વાંશિક અને જાતિ પ્રોફાઈલ પર આક્રમણ કરવાનો પણ છે. એમણે ૨૦૧૬માં હિલેરી સામે આવા જ પ્રચાર ટેક્નિક વાપરી હતો. જો ટ્રમ્પ આમ કરશે તો એમને એશિયન, અશ્ર્વેત અને લેટિનોના મત નહીં મળે.

હેરિસનો ટ્રમ્પ પરનો સૌથી મોટો એડવાન્ટેજ વયનો છે. હેરિસ બાઈડનની જેમ ૮૧ વર્ષનાં નથી. હેરિસ ૫૯ વર્ષનાં છે, જ્યારે ટ્રમ્પ ૭૮ ના છે. હેરિસ યુવાન મતદાતાને પોતા તરફ આકર્ષી
શકે છે.

બાઈડને ડિબેટમાં કંગાળ પ્રદર્શન કર્યું એનું એક કારણ છે કે એમણે ટ્રમ્પના જુઠાણાનો કોઈ પ્રતિકાર કર્યો નહીં. ટ્રમ્પ હેરિસના મૂળ પર વાંશિક ટિપ્પણી પણ કરી શકે છે. કમલા ઈમિગ્રન્ટ પુત્રી છે. એનો ઉછેર જમૈકાના પિતા અને ભારતીય માતાએ કર્યો છે. આવા માહોલમાં કમલા હેરિસે હજુ સુધી મન ન મનાવ્યું હોય એવા વાડ પર બેસેલા સ્વિંગ વોટરને પોતાની તરફ કરવાની કાબેલિયત દાખવવી પડશે.

હેરિસ અશ્ર્વેત હોવાથી એ પોતાના ઉપપ્રમુખના ઉમેદવાર ગોરાને પસંદ કરીને એડવાન્ટેજ હાંસલ કરી શકે. ટ્રમ્પે એમના ડેપ્યુટી તરીકે એક વખતના એમના ટીકાકાર જે. ડી. વાન્સની પસંદગી કરી છે. વાન્સ ઓહિયોના ૩૯ વર્ષના સેનેટર છે. એમની સફળતામાં એમની ભારતીય મૂળની વાઈફનો મોટો ફાળો છે. વાન્સ મિશિગન, પેન્સિલવેનિયા અને વિસ્કોનસિન જેવા સ્વિંગ રાજ્યો જીતવામાં ટ્રમ્પને મદદ કરી શકે.

અમેરિકાના રાજકારણની મોટી ખાસિયત એ છે કે આ દેશના ઉમેદવારો લોકો અને ખાસ કરીને તવંગરો પાસેથી ચૂંટણી માટે ભંડોળ ઉઘરાવી શકે છે. બાઈડનને રેસમાંથી ખસવું પડ્યું એનું મોટું કારણ એ છે કે એમને ફંડ આપવાનું વચન આપનારા આગેવાનોએ એવી ધમકી આપી કે બાઈડન ખસી નહીં જાય તો અમે ફંડ નહીં આપીએ. અહીં ફંડ આપનાર ઉદ્યોગપતિ કે બિઝનેસમેન પર આપણી જેમ સીબીઆઈ કે ઈડી જેવી કેન્દ્રીય એજન્સીના દરોડા પડતા નથી.

આ બદલાયેલા માહોલમાં સારી વાત એ છે કે હેરિસના પ્રચાર શરૂ થવાની સાથે ડેમોક્રિટક ડોનરો પણ સક્રિય થયા છે. સિલિકોન વેલીમાં ફક્ત ૩૦ મિનિટમાં હેરિસ માટે દસ લાખ ડૉલર ભેગા કરવામાં આવ્યા હતા. ટ્રમ્પની મુશ્કેલી એ છે કે એમના ફંડના મોટા ભાગના નાણાં વિવિધ અદાલતમાં ચાલતા કેસમાં એમનો બચાવ કરવામાં ખર્ચાઈ ગયા છે..

હેરિસ આવનારા જંગ માટે થનગને છે. આત્મવિશ્ર્વાસ દાખવતા એમણે કહ્યું છે કે આપણી પાસે ૧૦૭ દિવસ છે અને આપણે સાથે મળીને લડીશું જ નહીં, પરંતુ વિજયી પણ થઈશું.

કમલાનો જુસ્સો અને ઉત્સાહ જોઈને ટ્રમ્પ અવઢવમાં છે. કમલા સાથેની ઓપન ડિબેટ ટાળવા એમણે બહાનાબાજી શરૂ કરી દીધી છે. બાઈડન અને ટ્રમ્પ વચ્ચે નક્કી થયું હતું કે ડિબેટનું આયોજન ‘એબીસી ન્યુસ’ કરશે. બીજી ડિબેટ ૧૦ સપ્ટેમ્બરના છે. જોકે ટ્રમ્પ કહે છે કે ‘એબીસી’ પક્ષપાતી છે હા, ડિબેટનો આયોજન જો ટીવી ચેનલ ફોક્સ ન્યૂઝ કરશે તો જ હું એમાં સહભાગી થઈશ.

તાજેતરનાં પોલનાં રિઝલ્ટ પણ બાઈડન કરતાં હેરિસ માટે સારા છે.પોલ પ્રમાણે ટ્રમ્પને ૫૧ ટકા અને હેરિસને ૪૮ ટકાનો ટેકો છે.

આ બધા વચ્ચે ભારત માટે તો કમલા કે ટ્રમ્પમાંથી કોઈ પણ જીતે તો ફાયદાકારક હશે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો ટ્રમ્પના મિત્ર છે. ટ્રમ્પ બાઈડન સામે ગયા વખતે હારી ગયા ત્યારે મોદીએ તો ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’ એવો નારો દીધો હતો, એટલું જ નહીં, કોરોના કાળ હોવા છતાં ટ્રમ્પને માટે અમદાવાદમાં લાખોની મેદની ભેગી કરીને એમને બોલાવ્યા હતા. ટ્રમ્પ પર હુમલો થયો ત્યારે પણ મોદીએ ઝડપથી ચિંતા વ્યક્ત કરી હતી.

બીજી બાજુ કમલા હેરિસ તો મૂળ ભારતીય છે. અમેરિકાના પ્રભુત્વને ચીનથી મોટો ખતરો છે. ચીન અને રશિયા અમેરિકાને નબળું પાડી રહ્યા છે. ચીન ભારતનું દુશ્મન હોવાથી અમેરિકા અને ભારતના સંબંધો સારા રહેશે એમાં નવાઈ નથી.

ટ્રમ્પ પર થયેલા હુમલાથી એવો ડર ઊભો થયો છે કે અમેરિકન સમાજ વધુ વિભાજિત થયો છે. ગોરા અને કાળા વચ્ચેનું અંતર વધતું જાય છે. ટ્રમ્પના હરીફો -વિરોધીઓ એમને સરમુખત્યાર અને તાનાશાહ કહે છે.

ગઈ ચૂંટણીમાં ટ્રમ્પ પરાજિત થયા હોવા છતાં એમણે પરાજય ખેલદિલીપૂર્વક સ્વીકાર્યો નહોતો. પોતાના સમર્થકોને ભેગા કરીને હુલ્લડ મચાવ્યું હતું. એમણે વિવિધ અદાલતમાં કેસ કર્યા હતા. અલબત્ત, એ બધા ટ્રમ્પ હારી ગયા હતા.

અમેરિકાની ઈકોનોમી પણ નબળી પડતી જાય છે. મંદી વધતી જાય છે.. બે યુદ્ધમાં સક્રિય સહભાગ લેવાથી સંસાધનો ઓછા થઈ ગયા છે. મોંઘવારી વધી છે. બાઈડનને તબિયતે સાથ આપ્યો નહીં, પરંતુ એ એક કુશળ વહીવટકર્તા હતા. એમની નીતિ સ્થિર હતી, જયારે ટ્રમ્પ તરંગી અને જીદ્દી છે.

અમેરિકાની આ ચૂંટણી લોહિયાળ બની છે. બન્ને પક્ષ સંયમ અને વિવેક બુદ્ધિ નહીં રાખે તો અમેરિકામાં આંતરવિગ્રહ જેવો માહોલ સર્જાઈ શકે તથા ‘યુ એસ એ ડિવાઈડેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા’ બની શકે..!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…