શમીને પાકિસ્તાનથી ઠપકો મળ્યો, ‘તેં ઇન્ઝમામને કાર્ટૂન કહ્યો? જોઈ લેજે, એક દિવસ ક્રિકેટ તને ખૂબ રડાવશે’
કરાચી: પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર બાસિત અલીએ ઇન્ઝમામ-ઉલ-હક વિશે અપમાનજનક ભાષા વાપરવા બદલ ભારતીય પેસ બોલર મોહમ્મદ શમીની ટીકા કરી છે. વાત એવી છે કે ભારતીય બોલર્સે તાજેતરના ટી-20 વર્લ્ડ કપમાં બૉલ સાથે ચેડાં કર્યા હોવાના પાયા વગરના આક્ષેપો ઇન્ઝમામે ટુર્નામેન્ટ દરમ્યાન કર્યા હતા જેને ધ્યાનમાં રાખીને શમીએ ઇન્ઝમામ વિશે ટિપ્પણી કરી હતી.
શમીએ ઇન્ઝીની કમેન્ટને ‘કાર્ટૂનગીરી’ તરીકે ઓળખાવી એટલે બાસિત અલીનો પિત્તો ગયો અને કહ્યું, ‘શમી, તેં ઇન્ઝીભાઈને કાર્ટૂન કહીને તેમનું અપમાન કર્યું છે. જોઈ લેજે, એક દિવસ ક્રિકેટ તને ખૂબ રડાવશે.’
વર્લ્ડ કપ દરમ્યાન ઇન્ઝમામે એક સ્થાનિક ન્યૂઝ ચૅનલને ઇન્ટરવ્યૂમાં આક્ષેપ કરતા કહ્યું, ‘ઑસ્ટ્રેલિયા સામેની મૅચની 15મી ઓવરમાં અર્શદીપ સિંહ બૉલને જે રીતે રિવર્સ સ્વિંગ કરતો હતો એ શંકાજનક હતું.’ ઇન્ઝીની આ કમેન્ટનો અર્થ એ થયો કે ભારતીય ટીમે બૉલ ટૅમ્પરિંગ કર્યું હતું.
ઇન્ઝમામે કહ્યું હતું કે ‘મેં અર્શદીપને બૉલ રિવર્સ સ્વિંગ કરતો જોયો હતો. નવા બૉલ સાથેનું રિવર્સ સ્વિંગ તો બહુ વહેલું કહેવાય. એનો અર્થ એવો થયો કે 12મી કે 13મી ઓવર સુધીમાં બૉલ રિવર્સ સ્વિંગ માટે તૈયાર હતો. અમ્પાયરે આવી બધી બાબતોમાં આંખ ઉઘાડી રાખવી જોઈએ.
આ પણ વાંચો: Mohammed Shami: મોહમ્મદ શમીએ નેટ પ્રેક્ટીસ શરુ કરી, આ સિરીઝથી ટીમ ઈન્ડિયા માટે રમી શકે છે
તેની જગ્યાએ જો કોઈ પાકિસ્તાની બોલરે આ તબક્કે રિવર્સ સ્વિંગ કર્યું હોત તો બૂમાબૂમ થઈ ગઈ હોત. અમે રિવર્સ સ્વિંગથી બહુ સારી રીતે વાકેફ છીએ. અર્શદીપે 15મી ઓવરમાં રિવર્સ સ્વિંગ કર્યું એનો અર્થ એવો થયો કે અગાઉ પણ કંઈક ગંભીર બન્યું હશે.’
શમીએ ટૂંકી પ્રતિક્રિયામાં ઇન્ઝીની કમેન્ટને ‘કાર્ટૂનગીરી’ તરીકે ઓળખાવી હતી. ભૂતપૂર્વ પાકિસ્તાની બૅટર બાસિત અલીએ સામી પ્રતિક્રિયામાં કહ્યું, ‘શમી જો ઇન્ઝીભાઈને કાર્ટૂન કહેતો હોય તો એ જરાય ઠીક ન કહેવાય. શમીએ તેમના વિશે બોલવામાં સંભાળવું જોઈએ.
જો ઇન્ઝીભાઈએ કંઈ ખોટું કર્યું હોવાનું લાગ્યું હોય તો પણ શમીએ સારા શબ્દો વાપરવા જોઈતા હતા. તેઓ સિનિયર પ્લેયર છે. તેમનું માન જાળવવું જોઈએ. જો શમી આવું નહીં કરે તો 365માંથી 300 દિવસ ક્રિકેટ તેને રડાવશે અને ફક્ત 65 દિવસ તે ખુશ રહી શકશે. શમી, આપને બેહુદા ઝબાન યુઝ કિયા હૈ. તને તારા વડીલોએ તો આવું નહીં જ શીખવ્યું હોય. મહેરબાની કરીને તું બીજી વાર આવું નહીં કરતો, તને મારી પર્સનલ રિક્વેસ્ટ છે.’