હાર્દિકના બદલે સૂર્યકુમારને કેમ બનાવ્યો ટી-20નો કેપ્ટન? અગરકરે શું આપ્યો જવાબ
મુંબઇઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે આજે જણાવ્યું હતું કે જ્યારે હાર્દિક પંડ્યાને બદલે સૂર્યકુમાર યાદવને ટી-20 ટીમનો કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે ફિટનેસ, ડ્રેસિંગ રૂમમાંથી ખેલાડીઓના અભિપ્રાય અને સતત ઉપલબ્ધતા તેના પક્ષમાં હતી.
અગરકરે ભારતના શ્રીલંકાના પ્રવાસ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય અને એટલી જ વન-ડે મેચ રમવાની છે.
અગરકરે કહ્યું હતું કે સૂર્યકુમારને કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો? કારણ કે તે લાયક ઉમેદવાર હતો. તે છેલ્લા એક વર્ષથી ડ્રેસિંગ ફોર્મમાં છે અને તેના વિશે ડ્રેસિંગ રૂમમાંથી ફીડબેક મળ્યા છે. તેને ક્રિકેટની સારી સમજ છે અને તે હજુ પણ ટી20 ક્રિકેટમાં વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ છે.
તેમણે કહ્યું હતું કે અમને એવો કેપ્ટન જોઈતો હતો જે તમામ મેચ રમે. અમને લાગે છે કે તે કેપ્ટન બનવા માટેનો હકદાર છે અને અમે જોઈશું કે તે આ ભૂમિકામાં કેવી રીતે ફિટ બેસે છે. અગરકરે કહ્યું કે તેઓ એવો કેપ્ટન ઇચ્છે છે જે સારો ફિટનેસ રેકોર્ડ ધરાવતો હોય અને ઇજાનો ઇતિહાસ ન હોય.
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અંગે અગરકરે કહ્યું હતું કે હાર્દિક જેવી કુશળતા મેળવવી મુશ્કેલ છે અને ફિટનેસ મેળવવી પણ મુશ્કેલ છે. અમારી પાસે થોડો વધુ સમય છે અને અમે કેટલીક વસ્તુઓ જોઈ શકીએ છીએ.તે અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે, પરંતુ ફિટનેસ એક મોટો પડકાર છે. અમને એવો ખેલાડી જોઈએ છે જે વધુ સમય માટે ઉપલબ્ધ હોય.
આ પણ વાંચો: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આવ્યો પડખે અને બોલ્યો…‘હાર્દિકે કંઈ ખોટું કર્યું જ નથી તો પછી કેમ તેને….’
પૂર્વ વાઈસ કેપ્ટન લોકેશ રાહુલની અવગણના કરવા પર તેમણે કહ્યું કે, જ્યારે કેએલ રાહુલને પડતો મુકવામાં આવ્યો ત્યારે હું ત્યાં નહોતો. તે સમયે હું પસંદગીકાર નહોતો. અમારી પાસે હજુ પણ સમય છે. મારા આવ્યા પછી 50 ઓવરનો વર્લ્ડ કપ અને ટી-20 વર્લ્ડ કપ હતો. ફિટનેસ ચિંતાનો વિષય છે. આ સિવાય અમે એવું પણ માનીએ છીએ કે સૂર્યકુમારમાં સારા કેપ્ટન બનવાની તમામ ખાસિયતો છે.
અગરકરે સ્વીકાર્યું કે પસંદગી સમિતિએ એ સ્પષ્ટ કરવું જોઈતું હતું કે વર્લ્ડ કપ પછી ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર રવિન્દ્ર જાડેજાને પડતો મૂકવામાં આવ્યો નથી. આટલી નાની શ્રેણી માટે તેને અને અક્ષર પટેલ બંનેને લેવાનો કોઈ અર્થ નથી.
અમે જાણીએ છીએ કે જાડેજાએ શું કર્યું છે. તેણે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને બહાર કરવામાં આવ્યો નથી. હજુ અનેક ટેસ્ટ રમવાની છે જેમાં જાડેજા મોટાભાગની મેચ રમશે. આ ત્રણ મેચોથી કોઈ ફરક પડતો નથી.