Happy Birthday: કૉંગ્રેસના નોન-ગાંધી ફેમિલી અધ્યક્ષને લોકસભાની ચૂંટણીમાં મળી સફળતા
વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસ લગભગ મરી પરવારી છે તેવા નિવેદનો છાશવારે થતા અને આવનારી ચૂંટણીમાં પક્ષ 40 કરતા પણ વધારે બેઠક લાવી નહીં શકે તેવી ભવિષ્યવાણીઓ થઈ હતી, પણ કૉંગ્રેસે 99 બેઠક લાવી પક્ષને જીવંત કર્યો. આનો શ્રેય ભલે કૉંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીને ગયો હોય, પણ આમાં કૉંગ્રેસના અધ્યક્ષ અને રણનીતિકાર મલ્લિકાર્જુન ખડગેનો પણ ફાળો મહત્વનો છે. બે દાયકા બાદ કૉંગ્રેસને ગાંધી પરિવારમાંથી ન હોય તેવા અધ્યક્ષ મળ્યા. કર્ણાટકના દલિત પરિવારમાંથી આવતા અને લગભગ 50 વર્ષ કરતા પણ વધારે રાજકારણમાં સક્રિય એવા ખરગે આજે 82મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી અને તેમના લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી. “કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને જન્મદિવસની શુભકામનાઓ. તમારા લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા,” વડાપ્રધાને X પર એક પોસ્ટમાં કહ્યું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ મલ્લિકાર્જુન ખડગેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યું કે તમારી નિરંતર સેવા અમને પ્રેરિત કરી રહી છે. તમારા સારા સ્વાસ્થ્ય માટે શુભકામના.
ગુજરાત કૉંગ્રેસે તેમના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે.
અધ્યક્ષ બન્યા બાદ પાંચ વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની ચારમાં હાર થઈ હતી. ત્યારબાદ લોકસભાની ચૂંટણી સમયે વિપક્ષોને ભેગા કરવા અને તેમને સાચવી રાખવામાં તેમ જ બેઠકોની વહેંચણી કરવામાં ખડગેની ભૂમિકા મહત્વની રહી છે. જોકે હજુ તેઓ સત્તાથી ઘણા દૂર છે, પણ નિરાશ કૉંગ્રેસમાં આશાનો સંચાર થયો છે. આવનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પર હાલમાં તમામ પક્ષોનું ધ્યાન કેન્દ્રીત છે ત્યારે કૉંગ્રેસના અધ્યક્ષ ખડગેની ફરી પરીક્ષા છે. હવે સમય બતાવશે કે તેઓ પરીક્ષા કેટલા માર્ક્સ સાથે પાસ કરે છે.