આમચી મુંબઈમહારાષ્ટ્ર

ગોવામાં મુંબઈના ગુજરાતી ગ્રુપ સાથેની કરુણાંતિકામાં એકનો જીવ બચાવનાર છત્તીસગઢના જવાન દીપક શર્માને અફસોસ

કલ્પનાબહેનને બહાર લાવી શક્યો પણ દોશી કપલને બચાવી ન શક્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: શુક્રવારે સવારે ગોવાના કોન્ડોલમ બીચ પર ગુજરાતી ગ્રુપ સાથે બનેલી કરુણાંતિકામાં ગોવા ફરવા આવેલા છત્તીસગઢના ધમપરી પોલીસ સ્ટેશનના રિઝર્વ ઈન્સ્પેક્ટર (આરઈ) દીપક શર્માને કલ્પનાબહેનને બચાવી શક્યો એનો ગર્વ હતો, પણ આ ઘટનામાં તણાઈ ગયેલા અન્ય એક કપલ- પંકજ અને હર્ષિતા દોશી-ને બચાવી ન શક્યો એ અંગે અફસોસ હતો.

ત્રણ દિવસ માટે પરિવાર સાથે ફરવા માટે આવેલા છત્તીસગઢના આરઈ દીપક શર્મા સાથે થયેલી વાતચીતમાં દીપક શર્માએ વસવસો ઠાલવતાં કહ્યું હતું કે ‘હું બે જિંદગીને બચાવી ન શક્યો, જેનો એનો મને ઘણો અફસોસ છે.’

‘મુંબઈ સમાચાર’ સાથે આ અંગે વધુમાં વાતચીત કરતાં દીપકે જણાવ્યું હતું કે ‘હું મારા પરિવાર સાથે એ જ હોટેલમાં રોકાયો હતો જ્યાં મુંબઈથી આ ૭ કપલ્સ અહીં પિકનિક મનાવવા માટે આવ્યાં હતાં. શુક્રવારે સવારે નાસ્તો કર્યા બાદ હું, મારી પત્ની અને મારો ૧૦ મહિનાનો દીકરો તેમ જ બે અંકલ-આંટી બીચ પર ફોટોગ્રાફી માટે ગયા હતા. હું મારા દીકરા સાથે બીચ પર મસ્તી કરી રહ્યો હતો અને મારી પત્ની ફોટો લઇ રહી હતી.

એ જ સમયે એક ખતરનાક મોજું અમારી પાસે ધસી રહ્યું હોવાનું મેં જોયું હતું. હજી હું વિચાર કરું કે આ મોજાથી કેવી રીતે બચી શકાય ત્યાં જ અન્ય ત્રણ-ચાર મોજાં અમારી સમક્ષ ધસી આવતાં મેં જોયાં હતાં. મેં મારી સાથે આવેલાં અંકલ-આંટીઓને ડૂબતાં જોયાં હતાં. હું બેલેન્સ ગુમાવું એ પહેલાં મેં મારા દીકરાને પત્નીને સોંપ્યો હતો અને ડૂબી રહેલાં અંકલ-આંટીઓને બચાવવા માટે એ જ ઘડીએ પાણીમાં કૂદકો માર્યો હતો.’

‘પહેલું મોજું એટલું ભયાનક અને તેની પાછળ આવેલાં અન્ય મોજાંને કારણે હું પણ તણાવા લાગ્યો હતો. મને તરતા આવડતું હતું એટલે મેં સૌપ્રથમ મારા બેલેન્સને સંભાળ્યું હતું અને બહાર નીકળવાની કોશિશ કરી હતી. મેં એવું વિચાર્યું કે જો હું બહાર નીકળીશ તો અન્યને મદદ માટે બોલાવી શકીશ.

એ સમયે તો મારા હાથમાં કલ્પનાબહેનનો હાથ હતો, એટલે તેમને બહાર કાઢવામાં સફળ રહ્યો હતો. ત્યાર બાદ હું કિનારે પહોંચ્યો અને મેં લાઈફગાર્ડને જોયો હતો. બે જણ ડૂબી રહ્યા હોવાની મેં જાણ કરી હતી અને તેઓએ તાત્કાલિક ધોરણે ડૂબી રહેલાં કપલને બચાવવા માટે કોશિશ કરી હતી. પણ થોડા સમય બાદ અમને એવી જાણ થઇ હતી કે ડૂબવાને કારણે એ કપલ મૃત્યુ પામ્યું છે.

માટુંગાના ગ્રુપ માટે શોક અને ખુશી

ગુરુવારે ગોવા ફરવા માટે ગયેલાં માટુંગાની અમૂલખ અમીચંદ સ્કૂલના ગ્રુપ માટે શુક્રવારનો દિન શોકગ્રસ્ત રહ્યો હતો બીજી રીતે જોતાં ખુશીભર્યો પણ રહ્યો હતો. શોકની વાત એ હતી કે આ ગ્રુપનું માટુંગામાં રહેતું કપલ પંકજ અને હર્ષિતા દોશીનાં કોન્ડોલમ બીચમાં જોરદાર મોજું ધસી આવવાને અને રેતી ખસી જવાને કારણે મોત નીપજ્યાં હતાં, જ્યારે ખુશીના સમાચાર એ હતા કે એમના જ ગ્રુપનાં કલ્પનાબહેનને બચી ગયાં હતાં. આ ગ્રુપની ખુશીનું કારણ હતું જવાન દીપક શર્મા. આ જવાને પોતાના જાનની પરવા કર્યા વિના કલ્પનાબહેનને બચાવી લીધાં હતાં.

ગોવામાં પિકનિક મનાવવા માટે ગયેલા અમારા ગ્રુપમાંથી ચાર જણ બીચમાં નાહવા માટે ઊતર્યા બાદ ફસાયા હોવાની વાત અને બાદમાં પંકજ અને હર્ષિતાનું મૃત્યુ થયું હોવાના સમાચાર અમારા માટે ધ્રાસકો પમાડે એવા હતા. જોકે બીજી બાજુ કલ્પનાબહેનને બચાવી લેવામાં આવ્યાં એ વાત અમારા માટે રાજી થવા જેવી હતી, એવું ગોવા ગયેલા આ ગ્રુપમાંના જે ગોવા અંગત કારણસર નહીં જઇ શકનારા અનિલભાઈ શાહે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું.

છેલ્લાં ૫૦ વર્ષથી અમે પંચાવન (કપલ) જેટલા મિત્રો સાથે જ બધી જગ્યાએ ઉજવણી કરતા આવ્યા છીએ. દરેક મિત્ર જુદાં જુદાં ઠેકાણે રહે છે, પણ દર વર્ષે બેથી ત્રણ વાર તો મળવાનું અને એકબીજા સાથે સુખ-દુ:ખની આપ-લે કરવાની, એવું આ જ ગ્રુપના અન્ય એક સભ્ય પંકજભાઈ સંઘવીએ જણાવ્યું હતું. 

આમ જોવા જાવ તો અમે પંચાવન કપલ એટલે ૧૧૦ જણનો પરિવાર. પરિવારમાં ક્યારે પણ કોઇ મુશ્કેલી આવી પડી હોય તો અમે ઊભા રહી જઈએ, જ્યારે પંકજ-હર્ષિતાનાં આવી રીતે થયેલાં મૃત્યુએ અમને હચમચાવી નાખ્યા હતા. અમારા પરિવાર માટે આ ન જીરવી શકાય એવી ખોટ છે, એવું અનિલભાઈએ જણાવ્યું હતું.

દીપક ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો

કોન્ડોલમ બીચમાં ચારમાંના બે ડૂબી ગયા છે એવી જાણ થયા બાદ દીપક રીતસરનો ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો હતો. જાણે પોતાના સ્વજનને જ ગુમાવી દીધા હોય એવા ભાવ દીપકના ચહેરા પર જોવા મળ્યા હતા. 

કાખમાં છોકરું હોવા છતાં પાણીમાં ઝંપલાવ્યું

કોન્ડોલમ બીચ પર જ્યારે બચાવો બચાવોની બૂમ સંભળાઈ ત્યારે દીપકના હાથમાં તેનું ૧૦ મહિનાનું બાળક હતું અને તેણે કોઇ પણ પરવા કર્યા વિના ડૂબનારી વ્યક્તિઓને બચાવવા માટે ઝંપલાવ્યું હતું. મોજું એટલું ભયાનક હતું કે દીપકની પત્ની દૂર ઊભી હતી અને તેને પણ ધ્રાસકો પડ્યો હતો કે મારા પતિ અને દીકરાને ક્યાંક કોઇ આંચ તો નહીં આવેને. દૃશ્ય ભયાનક હતું, પણ દીપક શર્માએ ડૂબી રહેલાં કલ્પનાબહેનને બચાવી લીધાં હતાં.

અમે સરકારને દીપક માટે ભલામણ કરીશું: માટુંગા ગ્રુપ

અમૂલખ અમીચંદ સ્કૂલના વિશાળ ગ્રુપનાં હૃદય પંકજ અને હર્ષિતા દોશીના મૃત્યુને કારણે ભારે થઇ ગયાં હતાં, પણ આખા ગ્રુપમાં માનવતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું. દીપક શર્માએ જે બહાદુરીપૂર્વક કલ્પનાબહેનને બચાવ્યાં તેને આ ગ્રુપ પર બે જણનાં મૃત્યુને કારણે પડેલી પસ્તાળ છતાં શૌર્ય પુરસ્કાર મળવો જોઇએ એવી ભલામણ સરકારને કરશે.

અનિલભાઈએ આ અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે અમે ભારત સરકારને દીપકે દાખવેલી બહાદુરીની વાતને જણાવીશું અને તેમને પુરસ્કાર મળે એવી વિનંતી કરીશું. આટલું જ નહીં અમે છત્તીસગઢ સરકારને પણ દીપકે દાખવેલી શોર્યતાને વાત કરીશું. જોકે અમારું ગ્રુપ પણ આ વીરને કંઇ ને કંઇ પુરસ્કાર આપવા માગીએ છીએ અને એનો નિર્ણય અમે અમારા સ્વજનને ગુમાવ્યા છે તેની અંતિમવિધિ પૂરી થયા પછી નક્કી કરીશું.

આજે અંતિમયાત્રા
માટુંગાનાં ગુજરાતી દંપતી પંકજ-હર્ષિતા દોશીના મૃતદેહને ગોવામાં પોસ્ટમોર્ટમ કરાયા બાદ શનિવારે સાંજે ગોવાથી ફ્લાઈટમાં મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા. બંનેની અંતિમયાત્રા રવિવારે સવારે સાડાઆઠ વાગ્યે તેમના નિવાસસ્થાન નારાયણ નિવાસથી નીકળીને સાયન સ્મશાનભૂમિમાં પહોંચશે. દરમિયાન શનિવારે સાંજે બંનેના મૃતદેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા ત્યારે તેમના મિત્રો-સ્વજનોમાં ભારે શોક છવાયેલો હતો.

ReplyForwardAdd reaction

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button