હાર્દિક ક્રિકેટર છે એની નતાશાને પ્રથમ મુલાકાત વખતે ખબર જ નહોતી!
મુંબઈ: ફિલ્મો અને ટીવી-સિરિયલોમાં ઘણી વાર ‘લવ ઍટ ફર્સ્ટ સાઇટ’ના કિસ્સા જોવા મળતા હોય છે. ક્યારેક સંબંધીઓના કે મિત્રવર્તુળમાં પણ આપણે આવા બનાવ જોઈ ગયા હોઈએ છીએ. જોકે હાલમાં જે ‘ટૉક ઑફ ધ ટાઉન’ છે એ બે વ્યક્તિઓના જીવનમાં છ વર્ષ પહેલાં એક નાઇટક્લબમાં આવું જ બની ગયું હતું.
2018માં મુંબઈની એક નાઇટક્લબમાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને સર્બિયાની ઍક્ટ્રેસ-મૉડેલ નતાશા સ્ટૅન્કોવિચ પહેલી વાર એકમેકને મળ્યાં હતાં. બન્ને વચ્ચેની રિલેશનશિપ ઝડપથી આગળ વધી હતી, ડિસેમ્બર 2019માં એક દરિયાઈ સફર દરમ્યાન હાર્દિકે યૉટ પર નતાશાને પ્રપોઝ કર્યું હતું અને મે, 2020માં તેમણે (કોવિડ લૉકડાઉન વચ્ચે) સાદાઈથી લગ્ન કરી લીધા હતા અને નતાશા સ્ટૅન્કોવિચ બની ગઈ નતાશા પંડ્યા.
બે મહિના પછી (જુલાઈ, 2020માં) નતાશાએ બાળકને જન્મ આપ્યો હતો જેનું નામ અગસ્ત્ય રાખ્યું હતું. 2023માં હાર્દિક-નતાશાએ ઉદયપુરમાં ભવ્ય સમારોહ રાખ્યો હતો જેમાં પરિવારજનોને તેમ જ અનેક મિત્રોને બોલાવ્યાં હતાં. જોકે થોડા જ મહિનાઓમાં તેમના સંબંધોમાં તિરાડ પડવા લાગી, આઇપીએલ-2024 દરમ્યાન એ તિરાડ સોશિયલ મીડિયામાં ચકચારમય બની હતી અને નતાશાએ ઇન્સ્ટાગ્રામ પરની પોતાની પ્રોફાઇલમાંથી ‘પંડ્યા’ અટક હટાવી દીધી હતી.
આ પણ વાંચો: Big Breaking: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક ડિવોર્સ લેશે.
નતાશાએ ટી-20 વર્લ્ડ કપ દરમ્યાન હાર્દિકના પર્ફોર્મન્સ વિશે કે ટીમ ઇન્ડિયાના ચૅમ્પિયનપદ વિશે કોઈ જ પ્રકારની પ્રશંસા કે અભિનંદન વ્યક્ત ન કર્યા અને ત્યાર બાદ ગણતરીના દિવસોમાં તેમણે સોશિયલ મીડિયામાં સત્તાવાર રીતે પોતાના ડિવૉર્સની જાહેરાત કરી દીધી. નતાશા પુત્ર અગસ્ત્યને લઈને સર્બિયા ભેગી થઈ ગઈ છે.
હાર્દિકે 2020ની સાલમાં એક જાણીતી વેબસાઇટને ઇન્ટરવ્યૂમાં નતાશાને પોતે પહેલી વાર મુંબઈની એક નાઇટક્લબમાં મળ્યો હતો એ ઘટનાની વાત કરતા કહ્યું હતું કે ‘હું નતાશાને પહેલી વાર મળ્યો ત્યારે તેને ખબર જ નહોતી કે હું ક્રિકેટર છું.’
હાર્દિકે 2020માં હર્ષા ભોગલેને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘2018માં એક રાત્રે હું નાઇટક્લબમાં ગયો ત્યારે પહેલી વાર નતાશાને મળ્યો હતો. મેં હૅટ, ગળામાં ચેન અને વૉચ પહેરી હતી.
રાતનો એક વાગ્યો હતો. તેણે મને દૂરથી જોયો અને હું તેને દેખાવમાં અલગ પ્રકારનો લાગ્યો હતો. હું તેને ગમી ગયો, મેં તેની સાથે વાત શરૂ કરી, તેણે પણ મારી સાથે ઘણી વાતો કરી, અમે એકમેકને ગમવા લાગ્યા અને એકમેકને જાણવા લાગ્યા હતા.’
શું નતાશા ત્યારે તમારી ફૅન હતી? તમારા વિશે જાણતી હતી? એવું પૂછાતાં હાર્દિકે ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘ના, હું કોણ હતો એની તેને કશી જ ખબર નહોતી.’
હાર્દિક પંડ્યાની ઇન્ટરનૅશનલ કરીઅર 2016માં ઍડિલેઇડમાં ઑસ્ટ્રેલિયા સામેની ટી-20 મૅચથી શરૂ થઈ હતી.
નતાશા સાથેની મુલાકાત પહેલાં હાર્દિકનું નામ અભિનેત્રી ઉર્વશી રોઉતેલા સાથે અને એલ્લી અવરામ સાથે બોલાતું હતું. એ અરસામાં નતાશાનું નામ ઍક્ટર ઍલી ગોની સાથે ચર્ચામાં હતું. નતાશાએ ત્યારે ઍલી સાથે ‘નચ બલિયે’માં પર્ફોર્મ કર્યું હતું.