વેપાર

ડૉલર સામે રૂપિયો 20 પૈસા ગબડ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં વધારો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 1326.74 કરોડની ચોખ્ખી વેચવાલી અને આજે ઈક્વિટી માર્કેટ સાંકડી વધઘટે અથડાઈ જતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આગલા બંધ સામે 20 પૈસા ગબડીને 83.14ના મથાળે બંધ રહ્યો હતો.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 82.94ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 83.04ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 83.15 અને ઉપરમાં 83.04ની રેન્જમાં અથડાઈને અંતે 20 પૈસાના ઘટાડા સાથે 83.14ની સપાટીએ બંધ રહ્યો હતો.

ગત શુક્રવારે જેપી મોર્ગને ભારતીય સરકારી સિક્યોરિટીને આગામી જૂન, 2024થી વૈશ્વિક બૉન્ડ ઈન્ડેક્સમાં સમાવેશ કરવાની જાહેરાત કરતાં દેશમાં 25થી 30 અબજ ડૉલરનો ડેબ્ટ માર્કેટમાં આંતરપ્રવાહ જોવા મળે તેવા આશાવાદે ડૉલર સામે રૂપિયામાં સુધારો જોવા મળ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં માસાંતને કારણે તેલ આયાતકારોની ડૉલરમાં નીકળેલી લેવાલી અને વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં રૂપિયામાં ગત શુક્રવારે જોવા મળેલો સુધારો ધોવાઈ ગયો હતો.

પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.08 ટકા વધીને 105.67 અબજ ડૉલર અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.45 ટકા વધીને બેરલદીઠ 93.69 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો.

વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે સાધારણ 14.54 પૉઈન્ટનો અને 0.30 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button