વૈશ્ર્વિક સોના-ચાંદીમાં ડૉલરમાં મજબૂતી અને ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીએ પીછેહઠ
સ્થાનિક સોનામાં ₹ ૭૩૯નું ગાબડું, ચાંદીમાં ₹ ૨૫૭૨નો કડાકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન ખાતે આજે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલા મજબૂત વલણ સાથે સોના-ચાંદીમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં હાજરમાં સોનાના ભાવ ૧.૪ ટકા અને ચાંદીના ભાવ ૨.૯ ટકાના ઘટાડા સાથે ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ છતાં ભાવમાં સાપ્તાહિક ધોરણે સતત ચોથા સપ્તાહમાં વૃદ્ધિ જોવા મળે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં પીછેહઠ જોવા મળી હતી, જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૩૬થી ૭૩૯નું ગાબડું પડ્યું હતું, જ્યારે ચાંદીમાં કિલોદીઠ રૂ. ૨૫૭૨નો કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ રૂ. ૮૯,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોએ પણ નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા ભાવ કિલોદીઠ રૂ. ૨૫૭૨નાં કડાકા સાથે રૂ. ૮૯,૦૦૦ની સપાટી ગુમાવીને રૂ. ૮૮,૯૮૩ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ સ્ટોકિસ્ટો અને રોકાણકારોએ નફો ગાંઠે બાંધતા ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૩૬ના ઘટાડા સાથે રૂ. ૭૨,૯૪૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૩૯ ઘટીને રૂ. ૭૩,૨૪૦ના મથાળે રહ્યા હતા. જોકે, વધુ ભાવઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પણ મર્યાદિત રહી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવા આશાવાદ સાથે સોનાચાંદીમાં એકતરફી તેજી જોવા મળ્યા બાદ આજે વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીનાં દબાણે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું ઓએએનડીએનાં એશિયા પેસિફિક વિભાગનાં વિશ્ર્લેષક કેલ્વિન વૉન્ગે જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪૧૧.૭૮ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૭ ટકા તૂટીને ૨૪૧૪.૭૦ ડૉલર ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત બુધવારે હાજરમાં સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૪૮૩.૬૦ ડૉલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. વધુમાં આજે સત્રના આરંભે ચાંદીના ભાવ ૨.૯ ટકા તૂટીને ઔંસદીઠ ૨૯.૧૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
હાલમાં સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી ૯૮ ટકા શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે. જો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાની અધિકૃત જાહેરાત કરશે તો સોનાની તેજીને વધુ ઈંધણ મળશે અને વર્ષ ૨૦૨૪નાં અંત આસપાસ ભાવ ઔંસદીઠ ૩૦૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય, એવું વિશ્ર્લેષકોનું માનવું છે. એક્ટિવ ટ્રેડનાં વિશ્ર્લેષક ઈવાંગેલ્સ્ટાએ જણાવ્યું હતું કે હાલના તબક્કે વૈશ્ર્વિક સોનામાં ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી છે. જોકે, આગામી સપ્તાહે અમેરિકાના જીડીપીના ડેટા પર બજારની નજર રહેશે અને જો ડેટા નબળા આવ્યા તો ભાવ ઝડપભેર પુન: ગત બુધવારનાં ઔંસદીઠ ૨૪૮૩ ડૉલરની સપાટી અંકે કરશે અથવા તો આ સપાટી પણ કુદાવી શકે છે.