વિધાનસભા ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રમાં ત્રીજા મોરચાની ચર્ચાએ જોર પકડ્યું
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહા વિકાસ અઘાડી (એમવીએ)એ વિધાનસભાની ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં મહાયુતિ અને મહા વિકાસ અઘાડી (એમવીએ) વચ્ચે સીધી હરીફાઈ થઈ હતી. એ ચૂંટણીમાં આઘાડીએ 30 બેઠક જીતીને મહાયુતિને આંચકો આપ્યો હતો.
જોકે, હવે વિધાનસભા ચૂંટણીમાં ત્રિકોણીય સ્પર્ધા થાય તેવી શક્યતા છે. રિપબ્લિકન પક્ષ ભેગા મળી મોરચો (આઘાડી) બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આંબેડકરવાદી વિચારધારામાં માનનારા રિપબ્લિકન પક્ષના લગભગ તમામ જૂથોએ ત્રીજો મોરચો રચવા માટે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.
હજુ બે દિવસ પહેલાં જ સંયુક્ત રિપબ્લિકન કમિટીએ નાગપુરમાં એક બેઠક બોલાવી હતી. આ બેઠક માટે આઠવલે, કવાડે અને ગવઈ જૂથના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. અઠાવલે હાલ મહાયુતિમાં સામેલ છે. તેઓ કેન્દ્રમાં રાજ્યકક્ષાના પ્રધાન છે. ભાજપે પોતાના ક્વોટામાંથી તેમને રાજ્યસભાના સંસદ સભ્ય બનાવ્યા છે.
આ પણ વાંચો: મુખ્યમંત્રી એકનાથ શિંદેની રણનીતિ સફળ વિધાન પરિષદની ચૂંટણીમાં મહાયુતિના બધા ઉમેદવાર વિજયી
2016થી કેન્દ્રમાં પ્રધાન રહેલા અને નરેન્દ્ર મોદીના ત્રણેય કાર્યકાળમાં પ્રધાનપદે રહેલા આઠવલેની રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિ ઈન્ટીગ્રેટેડ રિપબ્લિકન કમિટી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં હાજર રહ્યા હોવાથી આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું હતું.
રિપબ્લિકન પક્ષના વિવિધ ચહેરા છે. વિધાનસભાની ચૂંટણી ટાણે જ તેમનો સંગઠિત મોરચો ઊભો કરવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. રિપબ્લિકન પક્ષના વિવિધ જૂથો અને સામાજિક ક્ષેત્રે કામ કરતી આંબેડકરવાદી વિચારધારાના સંગઠનોનું ગઠબંધન બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ જોડાણમાં આઠવલે, કવાડે અને ગવઈ જૂથોને સામેલ કરવાની હિલચાલ ચાલી રહી છે. હવે જોવાનું એ રહે છે કે આ પ્રયાસો કેટલા સફળ થાય છે.