વેર- વિખેર -પ્રકરણ -૧૪
ગાયત્રી, કોઈ પણ અકસ્માતને નિવારવામાં અમુક વ્યક્તિઓ જવાબદાર બનતી હોય છે. કદાચ વિધાતાએ આપણો મેળાપ પૂર્વનિર્ધારિત કરી રાખ્યો હશે . જો તું પેલી ફલાઈટમાં હોત તો તારા આ કાકુને કેવી રીતે મળી હોત!
કિરણ રાયવડેરા
‘તમે સાચે જ જગમોહન દીવાન છો સાહેબ, પહેલાં કેમ કહ્યું નહીં?’ પરમારનો ચહેરો રડમસ થઈ ગયો. ઓ.સી. તરફ ફરીને એ બોલ્યો:
‘આજે સવારના આપણા એરિયામાં જે એક્સિડેન્ટ થયો હતો એમાં જગમોહનબાબુએ એક છોકરાનો જીવ બચાવ્યો’
ઇન્સ્પેક્ટરના રેકોર્ડરની કેસેટ બદલાઈ ગઈ. આસ્તેથી જગમોહન પાસે આવીને એ ગણગણ્યો:
‘સાહેબ, પ્લીઝ્, તમે મારા સાહેબને કંઈ ન કહેતા. મારી જોબ જશે ! ’
‘એની પ્રોબ્લેમ, પરમાર…’ ઓ. સી.એ કુતૂહલવશ પૂછ્યું.
‘ના… ના…’ જગમોહન બોલ્યો: આ તમારા પરમાર તો ખૂબ જ કો-ઓપરેટિવ છે. ક્યારના મારી પ્રશંસા કર્યે જાય છે. હું તો અહીં અકસ્માત બાબત બયાન આપવા આવ્યો હતો.’
‘વાહ! બધા નાગરિક તમારા જેવા જાગ્રત અને જવાબદાર હોય તો કેવું સારું!’ ઓ.સી.એ દીવાન સાથે હાથ મિલાવ્યા. જગમોહનને યાદ નહોતું આવતું કે ઑફિસર-ઇન-ચાર્જને એ ક્યારે મળ્યો છે.
યુનિફોર્મ પર લગાડેલું નામ એણે વાંચી લીધું – સુદીપ્ત મુખરજી.
‘મુખર્જીદા, થેન્કયૂ વેરી મચ,’ જગમોહન વિદાય લેતાં બોલ્યો: ‘તમારી મહેમાનગતિ ફરી ક્યારેક માણીશું. અત્યારે તો અમે નીકળશું.’ પછી પરમાર તરફ ફરીને બોલ્યો:
જગમોહન અને ગાયત્રી બહાર આવ્યાં ત્યારે પરમાર પાછળ દોડતો આવ્યો.
‘સાહેબ, તમારા વિશે જે સાંભળ્યું હતું એ સાચું નીકળ્યું. યુ આર સિમ્પલી ગ્રેટ. સાહેબ!
‘તમે જે રીતે મને બચાવ્યો છે એ રીતે હું પણ તમારા આ ઉપકારનો બદલો વાળીશ.’ પરમાર ગદગદિત થઈ ગયો હતો.
પોલીસ સ્ટેશનથી બહાર નીકળ્યા બાદ થોડી પળો જગમોહન અને ગાયત્રી ચૂપ રહ્યાં. જગમોહનની લગોલગ ચાલવાની ગાયત્રી કોશિશ કરતી હતી પણ જગમોહનની ઝડપને લીધે પાછળ રહી જતી હતી.
‘કાકુ, ધીમે ચાલો ને… હું થાકી ગઈ છું.’
‘અરે , ક્યારની તો તું થાણામાં બેઠી હતી. આટલી વારમાં જ થાકી ગઈ?’
‘કાકુ, હવે શું પ્રોગ્રામ? હોસ્પિટલ જોવાઈ ગઈ, પોલીસ સ્ટેશનનાં દર્શન થઈ ગયાં, હવે શું બાકી રહી જાય છે?’
‘સ્મશાન… ભગવાન જાણે સવારના કોનું મોઢું જોયું હતું, કોઈ કામ પાર પડતું નથી.’ જગમોહન પણ માનસિક રીતે થાકી ગયો હતો.
‘કોઈ કામ નહીં, કાકુ, એક જ કામ!’ ગાયત્રીએ સુધાર્યું.
‘હા, એક જ કામ… તને ખબર છે કેટલા વાગ્યા? અઢી વાગી ગયા… ગાયત્રી, કેટલાક કલાક વેડફાઈ ગયા!’
‘કાકુ, આખી જિંદગી વેડફાઈ ગઈ એનો વિચાર કરોને! થોડા કલાકોનું શા માટે રડો છો? ઊલટું, આ કલાકોમાં તો આપણે એક જીવ બચાવ્યો.’
‘યુ આર રાઈટ… ગાયત્રી.’
કાકુ, તમે સવારથી ઑફિસથી દૂર છો તો કોઈ તમારો સંપર્ક સાધવાની કોશિશ નહીં જગમોહને ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો:
‘સવારથી પોકેટમાં છે પણ સ્વીચ્ડ ઓફ્ફ છે. જો ચાલુ પણ રાખીશ તો પણ બધા ફોન ઑફિસથી જ આવશે ને પ્રભાને તો મારો નંબર યાદ જ નથી હોતો !’
‘ઓહ, તો સાંજ સુધી ઘરે ન પહોંચો તો જ એ લોકો તમારો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરે.’
‘ડોન્ટ મેક મિસ્ટેક્સ… હું એવા કોઈ ભ્રમમાં નથી ગાયત્રી. હું ત્રણ દિવસ સુધી પણ ઘરે ન પહોંચું તો પણ કોઈને ફુરસદ નહીં હોય કે મારી ક્યાંક પૃચ્છા કરે.’
‘ઓહ…’ ગાયત્રી ગમગીન થઈ ગઈ.
‘અને ગાયત્રી, તારા ઘરનાં તને નહીં શોધે? તું પણ કલાકોથી બહાર છો!’
જગમોહનના ચહેરા સામે જોયું ગાયત્રીએ જગમોહનને લાગ્યું કે ગાયત્રીની આંખમાં ઊછળતો દરિયો અચાનક શાંત પડી ગયો હતો. ચહેરા પર એક વાદળી ઊતરી આવી હતી. એ ચૂપ રહી.
‘ગાયત્રી, તને યાદ છે? આજે સવારના જ આપણે એક ગેમ શરૂ કરી હતી, બંનેએ એકબીજાની વાતો કહેવાની-સાંભળવાની. મેં તો મારો ભાર હળવો કરી નાખ્યો પણ તું ભારે જબરી નીકળી. તારી વાતો તો બધી અંદર સંઘરી રાખી છે. મને ન કહેવાય?’ જગમોહનથી લાગણીવશ પુછાઈ ગયું.
‘ના એવું નથી, કાકુ.’
‘તો પછી તું તો બોલતી નથી. તું જ કહેતી હતી ને કે કાકુ એટલે ઘણીબધી આત્મીયતા… ઘણાબધા સંબંધો… તો કહે ગાયત્રી, તારાં ઘરવાળાં તારો કોન્ટેક્ટ કેમ નથી કરતાં?’
‘કાકુ…’ ગાયત્રીએ ધીમા સ્વરે કહ્યું: કોન્ટેક્ટ કરવા માટે ઘરમાં તો કોઈ હોવું જોઈએ ને!’
જગમોહન ચોંકી ગયો. આ છોકરી એકલી રહે છે તો શું એકલતાને કારણે એ આપઘાત કરવા માગતી હશે!
‘ગાયત્રી, શું વાત કરે છે… તો તું ક્યારની કહેતી કેમ નથી?’
‘તમે પૂછ્યું નહીં. કાકુ, તમે તમારી વાત કરતા રહ્યા. હું સાંભળતી રહી.’
‘ઓહ, આઇ એમ સોરી… ગાયત્રી, સાચે જ મેં મારી વાત જ કરી.’
‘કાકુ, આ રીતે તમે તમારી વાઈફ પ્રભાને પણ કદી કંઈ પૂછ્યું નહીં હોય. તમારી વાત કરતા રહ્યા હશો.’ શબ્દોને રોકવા ગાયત્રીએ ભરપૂર પ્રયાસ કર્યા પણ તીર છૂટી ગયું હતું.
‘તું પ્રભાને વચ્ચે નહીં લાવ, ગાયત્રી પ્લીઝ,’ જગમોહન ચિલ્લાઈ ઊઠ્યો.
‘આઈ એમ સોરી, કાકુ ’
‘હં તો… બોલ ક્યાં છે તારાં ઘરવાળાં?’ જગમોહન જાણે કંઈ બન્યું ન હોય એ રીતે પૂછ્યું.
‘તમને યાદ છે કાકુ, પાંચ વરસ પહેલાં બેંગલોર-કોલકાતાના પ્લેનને અકસ્માત નડ્યો હતો અને બધા પેસેન્જરો માર્યાં ગયાં હતાં. મારાં પપ્પા-મારાં મમ્મી એ જ ફ્લાઈટમાં હતાં.’
જગમોહન ચાલતાં ચાલતાં અટકી ગયો. છાતીમાં કોઈએ છરી ભોંકી હોય એવી વેદના અનુભવી. આ છોકરીનાં મા-બાપ પાંચ વરસ પહેલાં ગુજરી ગયાં છે અને છતાંય આજે એ હસી શકે છે, ખડખડાટ હસી શકે છે. એને આ ૨૩ વરસની છોકરી માટે માન થયું.
‘કાકુ, હું ત્યારે બારમી કક્ષામાં હતી. મમ્મીની તબિયત સારી નહોતી રહેતી એટલે અહીંના ડોક્ટરોએ એમને બેંગલોર લઈ જવાની સલાહ આપી હતી. મારી ફાઈનલ પરીક્ષા હતી એટલે હું જઈ શકું તેમ નહોતી. મમ્મીએ તો જીદ પકડી કે હું મારી દીકરીને એકલી મૂકીને નહીં જાઉં પણ મેં પપ્પાને સમજાવ્યા. મારા પપ્પા ખૂબ જ હિંમતવાળા. એ તો કહે ગાયત્રી મારો દીકરો છે, દીકરી નથી. કાકુ, મેં એ બંનેને બહુ જીદ કરીને મોકલ્યાં, જેથી મારી મા જલદી સાજી થઈ જાય. આજે અફસોસ થાય છે કે મેં એમને આગ્રહપૂર્વક ન મોકલ્યાં હોત તો. બિચારી મારી મા સાજી થવાને બદલે હંમેશ માટે ચાલી ગઈ.’
અચાનક વાત કરતાં ગાયત્રી ધ્રુસકે ચઢી. આજુબાજુ ચાલતા લોકો એ બંને તરફ ધારીધારીને જોવા લાગ્યા.
‘ગાયત્રી, કંટ્રોલ યોર સેલ્ફ, તું કેટલી બહાદુર છે. પાંચ વરસથી એકલી રહે છે, મમ્મી-પપ્પા વગર. હું તો માની જ નથી શકતો. તારા બદલે હું હોત તો ક્યારનો મરી ગયો હોત.’
‘કાકુ, મારા પપ્પા પણ તમારી જેમ સોનેરી ફ્રેમનાં ચશ્માં પહેરતા. એમના પણ કાન પાસેના વાળ સફેદ થઈ ગયા હતા. એ પણ તમારી જેમ ભાગ્યે જ હસતા. હંમેશાં વિચારમગ્ન રહેતા. જાણે દુનિયાનાં બધાં રહસ્યો ઉકેલવાની જવાબદારી એમના શિરે હોય. મમ્મી તો હંમેશાં એમને ‘સોગિયું ડાચું’ કહીને ચીડવતી. સવારના તો પપ્પાને બોલાવાય નહીં અને સાંજ પડે કે એ આપણને બોલાવ્યા વિના રહે નહીં. પણ મમ્મી-પપ્પા વચ્ચે ગજબનો મનમેળ. બંને એકબીજા વિના રહી ન શકે અને એ બંને મારા વિના જીવી ન શકે. આજે બંને મારા વિના ગુજરી પણ ગયાં અને હું…’ ગાયત્રી રૂમાલથી એની આંખો દાબતી હતી.
‘પણ ગાયત્રી, તેં આ પાંચ વરસ કેમ કાઢ્યાં? પપ્પા સગવડ કરીને ગયા હતા? આઈ મીન…’ જગમોહન ખચકાઈ ગયો.
‘હું સમજી ગઈ… કાકુ, મમ્મીને હાર્ટની બીમારી હતી એટલે એમાં સારો ખર્ચ થઈ ગયો હતો. થોડું દેવું પણ થઈ ગયું હતું. મમ્મી-પપ્પાના અવસાન બાદ મેં ઘરેણાં તેમજ ઘરવખરી વેચીને દેવું ચૂકવ્યું.’
‘કોઈ મદદ કરનારું?’
ગાયત્રીએ નકારમાં માથું ધુણાવ્યું.
‘તો તું તારો ખર્ચ કેવી રીતે ઉપાડતી હતી?
‘મારે પહેલાં મારો અભ્યાસ પૂરો કરવો હતો. ટ્યુશન કરીને જે પૈસા આવે એમાંથી હું માંડ ઘરનું ભાડું ચૂકવી શકતી. ઘણી વાર વીજળીની લાઈન કપાઈ જતી. એક છેડો સાંધુ તો બીજી અનેક જગ્યાએ તૂટે એવી સ્થિતિ હતી. કોલેજની ફી પણ માંડ માંડ ચૂકવી શકું. કાકુ, તમે એમ નહીં સમજતા કે તમારી સહાનુભૂતિ લેવા આ બધું કહી રહી છું!’
કેરી ઓન ગાયત્રી… એક બુઢ્ઢા દોસ્તને એક ફટાકડી મિત્ર બધું જ કહી શકે.’
ગાયત્રી હસી પડી ત્યારે એની આંખોમાં પાણી પણ ઊભરાઈ આવ્યાં.
‘કાકુ, પૈસાની એવી તંગી કે ઘણી વાર રાતોની રાતો ભૂખ્યા સૂઈ રહેવું પડે. ચાલીને કોલેજ જતીઘણી વાર તો એવો સવાલ થાય કે માણસને દિવસમાં આટલી બધી વાર ભૂખ કેમ લાગતી હશે! એક વાર ખાઈ લઉં કે પછી થાય હાશ! હવે ચાર કલાક તો શાંતિ. પૈસાનો વિચાર નહીં કરવો પડે. પણ ચાર કલાક
પછી પેટમાં ફરી સળવળાટ થાય કે ધ્રાસ્કો પડે.’
‘ગાયત્રી, તું તો કહેતી હતી ને કે ભૂખ્યા પેટે તારાથી કોઈ કામ ન થાય તો તું સૂઈ કેવી રીતે શકતી?’
૪૭ વર્ષના જગમોહનને કદી કલ્પના પણ નહોતી કે એક ભણેલીગણેલી, સુસંસ્કારી છોકરીને રાતે ભૂખ્યા પેટે સૂવું પડે.
‘કાકુ, હું સાચું જ કહેતી હતી. ખાલી પેટે હું સૂઈ પણ નહોતી શકતી. પથારીમાં તરફડિયાં મારતી. વારંવાર મમ્મી-પપ્પાનો ચહેરો દેખાય. મમ્મી પૂછતી – બેટા, જમી તો ખરીને!’ પપ્પા મારા માથે હાથ ફેરવતા હોય. એવું લાગે જાણે પપ્પાને બધી ખબર છે. કાકુ, ઘણી વાર એવો વિચાર આવે કે એ ફ્લાઈટમાં એમની સાથે હું કેમ નહોતી?’
‘ગાયત્રી, તું જ સવારના કહેતી હતી કે કોઈ પણ અકસ્માતને નિવારવામાં અમુક વ્યક્તિઓ જવાબદાર બનતી હોય છે. કદાચ વિધાતાએ આપણો મેળાપ પૂર્વનિર્ધારિત કરી રાખ્યો હશે જો તું એ પ્લેનમાં હોત તો તારા આ કાકુને કેવી રીતે મળી હોત!’
કાકુ, પણ એક કબૂલાત કરી લઉં. ‘જ્યારે ભૂખ લાગે ને ત્યારે પહાડ જેવા દુ:ખ પણ વિસરાઈ જવાય, માત્ર અન્નનો નાનો દાણો પહાડ જેવો દેખાયા કરે.’
જગમોહન સ્તબ્ધ બનીને સાંભળતો રહ્યો. એણે કદી ભૂખનો અનુભવ નહોતો કર્યો. જ્યારે બધું વિપુલ પ્રમાણમાં હોય ત્યારે બધું કેવું સ્વાભાવિક લાગે.
જગમોહનના મનમાં ટીસ ઊઠી. આટલાં વરસોમાં એને વિચાર કેમ ન આવ્યો કે દુનિયામાં ઘણી ગાયત્રીઓ રાતના પાણી પીને તરફડિયાં મારતી હશે.
‘ગાયત્રી, તું હમણાં શું કરે છે? ક્યાંય જોબ શોધે છે?’
‘હું હાલમાં માનસશાસ્ત્ર વિષય સાથે એમ.એ. કરું છું. આ વરસે ફાઈનલ આપીશ. એક વાર અભ્યાસ પૂરો કર્યા બાદ…’ ગાયત્રી અટકી ગઈ.
‘પછી શું? સાઇકાટ્રીસ્ટ તરીકે સ્વતંત્ર પ્રેક્ટિસ કરવાનો વિચાર છે?’
‘હા, પણ એ માટે થોડો સમય લાગશે.’
જગમોહનને લાગ્યું કે હવે પૂછવું જોઈએ કે તો પછી આત્મહત્યાનો વિચાર કેવી રીતે આવ્યો? પણ પૂછવું કેવી રીતે? એ ક્યાંક પ્રેમભગ્ન થઈ હશે! કોઈની સાથે લફરું થયું હશે? આ ઉંમરે પગ આડોઅવળો પડી ગયો હશે કે શુ?
‘કાકુ, બીલીવ મી, મેં આટલાં વરસો તમારા જેવા માણસની ખૂબ જ રાહ જોઈ પણ જે લોકો મળ્યા એ બધા અચૂક મારા એકલા હોવાનો ફાયદો ઉઠાવવા માગતા હતા. મારા પેટમાં ભૂખ હતી તો એ લોકોની આંખોમાં ભૂખ હતી મારા શરીરની !.’
‘હવે એક સવાલ પૂછું? મને એ સમજાવ કે પાંચ વરસ પછી તને આપઘાત કરવાનો વિચાર શા માટે આવ્યો? તું શું મા-બાપ વગરના જીવનથી કંટાળી ગઈ હતી કે પછી કોઈના પ્રેમમાં નિષ્ફળ થઈને નિરાશ થઈ ગઈ છો?’
ગાયત્રીએ એક આંચકા સાથે જગમોહન સામે જોયું :
‘કાકુ, તમને હજી ખબર નથી પડી?’
‘કઈ વાતની ખબર ? ફોડ પાડ તો સારું.’ જગમોહન ગુંચવાઈ ગયો.
‘એ જ કે કાકુ, હું તમને આત્મહત્યા કરું એટલી નબળી દેખાઉં છું? મારા પપ્પાએ મને હાર માનવાનું શીખવ્યું જ નથી, કાકુ મરે મારા દુશ્મન… હું શા માટે આત્મહત્યા કરું?! ’
(ક્રમશ :)