ભોજશાળાને પણ વર્શિપ એક્ટ લાગુ પડે જ છે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
કેન્દ્રમાં ભાજપની સરકાર આવી પછી ધર્મસ્થાનોના જે વિવાદો ચગ્યા છે તેમાં એક મધ્ય પ્રદેશમાં ધારની ભોજશાળાનો પણ છે. હિંદુઓ જેને ભોજશાળા કહે છે તેને મુસ્લિમો કમાલ મૌલા મસ્જિદ કહે છે. હિન્દુ સમુદાય ભોજશાળાને વાગદેવી એટલે કે દેવી સરસ્વતીનું મંદિર માને છે, જ્યારે મુસ્લિમો આ સ્થળને ચૌદમી સદીમાં દિલ્હી સલ્તનતના સૂબા દિલાવરખાને બંધાવેલી કમાલ મૌલા મસ્જિદ કહે છે.
આ સંકુલ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ એટલે કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (અજઈં) દ્વારા સુરક્ષિત છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ૨૦૦૩માં આ સ્થળે નમાઝ પઢવાની મંજૂરી આપી હતી તેથી હિંદુ પક્ષકારો રોષમાં હતા પણ કોઈ તેમનું સાંભળતું નહોતું કેમ કે વર્શિપ એક્ટ, ૧૯૯૩ હેઠળ દેશનાં તમામ ધર્મસ્થાનો ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ હતાં તે જ સ્થિતિમાં રાખવાનાં છે.
કેન્દ્રમાં ભાજપની સરકાર આવી પછી એક પછી એક હિંદુ ધર્મસ્થાનોના વિવાદ ઊભા કરાઈ રહ્યા છે ને અદાલતો પણ તેમને મહત્ત્વ આપી રહી છે. આ તકનો લાભ લઈને ‘હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ’ નામના સંગઠને ધારની ભોજશાળ મુદ્દે કોર્ટમાં અરજી કરી નાખી. આમ તો ભોજશાળાનો વિવાદ બહુ જૂનો છે અને ૧૯૯૫માં હિન્દુઓએ પૂજા કરવાની પરવાનગી માગતાં હાલના વિવાદની શરૂઆત થઈ હતી.
વહીવટી તંત્રે હિંદુઓને પૂજા કરવાની મંજૂરી આપી અને મુસ્લિમોને શુક્રવારે નમાજ પઢવાની મંજૂરી આપી દીધી તેથી થોડો સમય શાંતિ રહી પણ ૧૯૯૭માં ફરી એકવાર વિવાદ વધી જતાં ૧૨ મે ૧૯૯૭થી સામાન્ય નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. હિંદુઓને માત્ર વસંત પંચમી પર જ પૂજા કરવાની છૂટ હતી અને મુસ્લિમોને શુક્રવારે બપોરે ૧ થી ૩ વાગ્યાની વચ્ચે નમાઝ પઢવાની છૂટ હતી. આ પ્રતિબંધના પગલે શાંતિ થઈ જતાં ૨૦૦૩માં નિયમિત પૂજાની ફરીથી મંજૂરી આપવામાં આવી અને ભોજશાળા પ્રવાસીઓ માટે પણ ખોલવામાં આવી.
આ વ્યવસ્થા વરસોથી ચાલતી હતી પણ ભાજપ સત્તામાં આવતાં જ હિંદુવાદી પાછા ઊભા થઈ ગયા અને મધ્ય પ્રદેશ હાઈ કોર્ટમાં અરજી કરીને આ સ્થળ હિંદુઓને સોંપવાની માગણી કરી હતી. સાથે સાથે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ મુસ્લિમોને નમાઝ પઢવાની મંજૂરી આપી તેની સામે પણ અરજી કરી છે.
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ૭ એપ્રિલ, ૨૦૦૩ના રોજ જે આદેશ આપ્યો તેમાં હિંદુઓને પણ પૂજાની છૂટ અપાયેલી જ છે. છેલ્લા ૨૧ વર્ષથી હિંદુઓ દર મંગળવારે ભોજશાળામાં પૂજા કરી શકે છે અને મુસ્લિમોને દર શુક્રવારે નમાઝ પઢવાની છૂટ છે. ‘હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ’એ અરજીમાં મુસ્લિમોની નમાઝ સદંતર બંધ કરવા રજૂઆત કરી હતી.
આ અરજીના આધારે હાઈ કોર્ટે એએસઆઈને ભોજશાળા-કમાલ મૌલા મસ્જિદ સંકુલ અંગે બંને પક્ષમાંથી કોનો દાવો સાચો તેની ચકાસણી કરવા વૈજ્ઞાનિક સર્વે કરવા આદેશ આપ્યો પછી ૨૨ માર્ચથી આ વિવાદિત કોમ્પ્લેક્સનો સર્વે શરૂ કર્યો હતો. મુસ્લિમ પક્ષકારો તેની સામે સુપ્રીમ કોર્ટમાં ગયા પછી ૧ એપ્રિલે સુપ્રીમ કોર્ટે હાઇ કોર્ટની ઇન્દોર બેન્ચ દ્વારા આ કેસમાં આગળ સુનાવણી સામે સ્ટે આપ્યો હતો પણ એએસઆઈના સર્વેને લીલી ઝંડી આપી હતી.
સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી મળતાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ડૉ. આલોક ત્રિપાઠીના નિર્દેશનમાં ૯૮ દિવસો સુધી ચાલેલા સર્વે પછી તેનો રિપોર્ટ આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા (અજઈં)એ મધ્ય પ્રદેશ હાઇ કોર્ટમાં રજૂ કર્યો છે. ૨૦૦૦ પાનાંના રિપોર્ટમાં શું છે એ ખબર નથી કેમ કે રિપોર્ટ માત્ર હાઈ કોર્ટ જ જોઈ શકે પણ આ રિપોર્ટના પગલે હિંદુ પક્ષકારો ગેલમાં છે.
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાનો રિપોર્ટ હાઈ કોર્ટને અપાવાનો હતો ને તેના આધારે હાઈ કોર્ટ અહીં મંદિર હતું કે નહીં એ નક્કી કરશે પણ એ પહેલાં આ રીપોર્ટ હિંદુવાદી પક્ષકારો પાસે ક્યાંથી પહોંચી ગયો એ મોટો સવાલ છે. ખેર, હાઈ કોર્ટે એ જોવાનું છે પણ અત્યારે તો હિન્દુ પક્ષકારોનો દાવો છે કે, સર્વેમાં ભોજશાળામાં દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી છે તેથી અહીં મંદિર હતું એ સાબિત થયું છે. આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટ આ મામલે જલદી સુનાવણી કરીને હિંદુ પક્ષકારોને મંદિર બનાવવા માટે આ સ્થળ સોંપી દે એ જરૂરી છે.
હિંદુ પક્ષકારોનો દાવો છે કે, ખોદકામમાં ૧૭૦૦થી વધુ પ્રાચીન વસ્તુઓ મળી આવી છે કે જેમાં દેવી-દેવતાઓની ૩૭ મૂર્તિઓ પણ છે. ખોદકામમાં મા વાગ્દેવીની ખંડિત મૂર્તિ મળી છે અને હિંદુ-દેવી દેવતાઓની ખંડિત પ્રતિમાઓ મળી છે. ભગવાન કૃષ્ણ, જટાધારી ભોલાનાથ, હનુમાન, શિવ, બ્રહ્મા, વાગ્દેવી, ભગવાન ગણેશ, માતા પાર્વતી, ભૈરવનાથ વગેરે દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી હોવાનો તેમનો દાવો છે. ચાંદી, તાંબા, એલ્યુમિનિયમ અને સ્ટીલના કુલ ૩૧ સિક્કા મળી આવ્યા છે.
હિંદુ દેવ-દેવીઓની ૯૪ મૂર્તિઓ ઉપરાંત મૂર્તિકળાના ટુકડા અને મૂર્તિકલા ચિત્રણની સાથે વાસ્તુશિલ્પ પણ મળી આવ્યાં છે. બારીઓ, સ્તંભો અને બીમો પર ગણેશસ બ્રહ્મા પોતાની પત્નીઓ સાથે, નૃસિંહ, ભૈરવ, દેવી-દેવતા, માનવ અને પશુ આકૃતિઓ સામેલ છે એવો હિંદુ પક્ષકારોનો દાવો છે. આ રિપોર્ટના આધારે ભોજશાળાની જગાએ બહુ જલદી હિંદુ મંદિર બની જશે એવો પણ તેમનો દાવો છે.
હાઈ કોર્ટે હજુ તો રિપોર્ટ ખોલ્યો પણ નથી ત્યાં હિંદુ પક્ષકારોના એડવોકેટ હરિશંકર જૈને જાહેર કરી દીધું છે કે, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સર્વેમાં ૯૪ થી વધુ તૂટેલી મૂર્તિઓ મળી આવી છે અને જે કોઈ આ વસ્તુઓને જુએ એ સરળતાથી કહી શકે છે કે ત્યાં એક સમયે મંદિર હતું. એએસઆઈનો રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે પહેલા ત્યાં હિંદુ મંદિર હતું તેથી આ સ્થળે માત્ર હિંદુ પૂજા જ થવી જોઈએ. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાનો ૨૦૦૩ નો નમાઝ પઢવાની પરવાનગી આપતો આદેશ ગેરકાયદેસર છે. ૨૦૦૩માં અપાયેલો આદેશ સંપૂર્ણપણે ખોટો, ખામીયુક્ત અને દેશના નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરનારો છે.
સુપ્રીમ કોર્ટ આ રિપોર્ટના આધારે સ્ટે હટાવશે કે નહીં એ ખબર નથી પણ આ કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની શક્યતા ઓછી છે. વર્શિપ એક્ટ હેઠળ ભોજશાળામાં પણ આઝાદી વખતની સ્થિતિ જાળવી રાખવાની છે તેથી સુપ્રીમ કોર્ટ સુનાવણી કરીને પેટ ચોળીને શૂળ ઊભું કરે એ વાતમાં માલ નથી. હિંદુવાદીઓ જેના જોરે કૂદી રહ્યા છે એ ભાજપ પણ ઢીલોઢફ થઈ ગયો છે અને હવે કોઈ ધર્મસ્થાન પોતાના એજન્ડામાં નથી એવું કહી રહ્યો છે એ જોતાં એએસઆઈનો રિપોર્ટ હિંદુઓની તરફેણમાં હોય તો પણ કશું થવાની સંભાવના ઓછી છે.