અફઘાનિસ્તાનમાં ભારે વરસાદના કારણે 40નાં મોત
ઇસ્લામાબાદ: પૂર્વી અફઘાનિસ્તાનમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે અને લગભગ 350 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અન્ય એક દુર્ઘટનામાં મુખ્ય હાઇવે પર બસ પલટી જતાં 17 લોકોના મોત થયા હતા, એમ તાલિબાન અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી.
સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા શરાફત જમાન અમરે પુષ્ટી કરી હતી કે સોમવારે નંગરહાર પ્રાંતમાં આવેલા તોફાનના કારણે 40 લોકો માર્યા ગયા અને 347 ઘાયલ થયા હતા. પ્રવક્તાના જણાવ્યા અનુસાર ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાંતિય પ્રવક્તા સેદીકુલ્લા કુરેશીના જણાવ્યા અનુસાર, મૃતકોમાં સુર્ખ રોડ જિલ્લાના એક જ પરિવારના પાંચ સભ્યોનો સમાવેશ થાય છે, જેઓ તેમના ઘરની છત ધરાશાયી થવાના કારણે મૃત્યુ પામ્યા હતા. પરિવારના અન્ય ચાર સભ્યો પણ ઘાયલ થયા છે.
આપણ વાંચો: અફઘાનિસ્તાનના 56 રન સાથે મેન્સ ક્રિકેટનો અનોખો વિક્રમ તૂટ્યો, જાણો કયો રેકોર્ડ…
કુરેશીએ કહ્યું કે નંગરહાર પ્રાંતમાં લગભગ 400 ઘરો અને 60 વીજ થાંભલાઓને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે ઘણા વિસ્તારોમાં વીજકાપ છે અને જલાલાબાદ શહેરમાં સંચાર સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. કુરેશીએ કહ્યું કે નુકસાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
દરમિયાન, તાલિબાનની સત્તાવાર સમાચાર એજન્સી ‘બખ્તર’એ જણાવ્યું હતું કે મંગળવારે સવારે બગલાન પ્રાંતમાં કાબુલ અને બલખને જોડતા મુખ્ય હાઇવે પર બસ પલટી જતાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા હતા અને અન્ય 34 લોકો ઘાયલ થયા હતા.