હાર્દિક પંડ્યાને હજી તો કૅપ્ટન્સી સોંપવાની વાત ચાલે છે ત્યાં તેણે…
વડોદરા: આગામી બીજી ઑગસ્ટથી સાતમી ઑગસ્ટ સુધી શ્રીલંકામાં ભારતની જે વન-ડે સિરીઝ રમાવાની છે એમાં પોતે અંગત કારણસર નહીં રમે એવી જાણ હાર્દિક પંડ્યાએ બીસીસીઆઇને કરી છે. વાસ્તવમાં હાર્દિકે ક્રિકેટ બોર્ડને વિનંતી કરી છે કે તેને આગામી વન-ડે શ્રેણીમાંથી બ્રેક આપવામાં આવે. ખરેખર તો હાર્દિકને એ શ્રેણીમાં સુકાન સોંપવાનો બોર્ડનો વિચાર હતો, કારણકે મુખ્ય વન-ડે અને ટેસ્ટ કૅપ્ટન રોહિત શર્મા શ્રીલંકાની ટૂરમાં જશે એની સંભાવના ઓછી છે.
નવા હેડ-કોચ ગૌતમ ગંભીરે શ્રીલંકા ખાતે 27મી જુલાઈએ ટી-20 સિરીઝના આરંભ સાથે ટીમ ઇન્ડિયાની જવાબદારી સંભાળવાની છે, પરંતુ એ પહેલાં હવે કૅપ્ટન્સીના મુદ્દે નવી મડાગાંઠ સર્જાઈ છે. ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન હાર્દિકને ટી-20 ઉપરાંત વન-ડે શ્રેણીનું સુકાન સોંપવાની વાત ચાલી રહી હતી ત્યાં હવે તે વન-ડે સિરીઝમાંથી નીકળી જતાં એ શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કોને સોંપાશે એ સવાલ છે. હાર્દિકને હાલમાં કોઈ પણ પ્રકારની ફિટનેસની સમસ્યા નથી એટલે 100 ટકા તેણે ખૂબ અંગત કારણસર જ રજા લીધી છે.
કે. એલ. રાહુલ તથા શુભમન ગિલના નામ પણ ખૂબ ચર્ચામાં છે એટલે વન-ડે ટીમનું સુકાન સોંપવામાં સિલેક્ટર્સને વધુ સમય તો નહીં લાગે, પણ લાંબા ગાળા માટેનો કૅ પ્ટન બનાવવાની બાબતમાં ક્રિકેટ બોર્ડનો જે પ્લાન છે એ સંબંધમાં થોડી મૂંઝવણ ઊભી થઈ છે.
આપણ વાંચો: સાઉથ આફ્રિકામાં પાંચ વર્ષ બાદ વન-ડે સિરીઝ જીત્યું ભારત, અર્શદીપની ચાર વિકેટ
શ્રીલંકામાં ભારતની ત્રણ મૅચની ટી-20 સિરીઝ 27મીથી 30મી જુલાઈ સુધી રમાશે અને ત્યાર બાદ વન-ડે શ્રેણી બીજી ઑગસ્ટથી સાતમી ઑગસ્ટ સુધી રમાશે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત થઈ ગયા છે.
શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં હાર્દિકને જો કૅપ્ટન્સી સોંપવામાં આવશે તો એ પછીની વન-ડે સિરીઝમાં સુકાની કોણ? એ સવાલ ઊભો થશે.
બીજું, શુભમન ગિલે તાજેતરમાં જ ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં ભારતને 4-1થી વિજય અપાવ્યો હતો. સૂર્યકુમાર યાદવે ગયા વર્ષે સાઉથ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં સુકાન સંભાળ્યું હતું. ઑસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝમાં પણ સૂર્યાએ સફળતાપૂર્વક નેતૃત્વ સંભાળ્યું હતું.
સૌથી વધુ સંભાવના એ છે કે ગિલને જો ટી-20નું સુકાન સોંપાશે તો સૂર્યકુમારને તેનો ડેપ્યૂટી બનાવાશે.
હવે કે. એલ. રાહુલની વાત કરીએ તો ગયા વર્ષે તેણે સાઉથ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાં સફળતાથી સુકાન સંભાળ્યું હતું. બીજું, વન-ડેના ફૉર્મેટમાં વિકેટકીપર-બૅટર તરીકે રિષભ પંત ઉપરાંત તે પણ સૌથી મોટો દાવેદાર છે.