ધર્મતેજ

વેર- વિખેર- પ્રકરણ -૧૦

કોણ છે આ છોકરી ? કઈ લેણદેણ નીકળી છે એની સાથે ? બે-ત્રણ કલાકની ઓળખાણમાં એવો શું જાદુ કરી નાખ્યો છે કે એને ઢીલી થતાં જોઈને મન ભરાઈ આવે છે…

કિરણ રાયવડેરા

‘ગાયત્રી, તું જો તારી પ્રશંસામાં કાવ્ય રચીશ તો હું ગાંડાની જેમ સતત હસતો જ રહીશ. પછી અહીં આજુબાજુવાળા લોકો મારા પર હસશે.’
બંને ખિલખિલાટ હસી પડ્યાં.

કેટલાં વરસે… કેટલાં વરસે એ આટલું મોકળા મને હસ્યો હતો. જાણે મણનો ભાર મન પરથી ઊતરી જતો હોય!

એણે ગાયત્રી સામે જોયું. ઘટ્ટ નીલા રંગનું ટોપ, આછા આસમાની રંગનું જીન્સ. ખભાને થપથપાવતા રહેતા કાળાભમ્મર વાળ, સદાય ભીની રહેતી જાણે સ્ફટિકની બનેલી આંખો, બુદ્ધિ અને નિર્દોષતાનો સુમેળ દર્શાવતા વંકાતા હોઠના
ખૂણા!

કેમ અમુક વ્યક્તિને મળ્યા બાદ એવું લાગે કે એમની સાથે પહેલાં મેળાપ કેમ ન થયો !

ક્યાં હતી ગાયત્રી તું અત્યાર સુધી?

જગમોહનને પ્રશ્ર્ન પૂછવાની ઈચ્છા થઈ આવી પણ ખંચકાઈ ગયો. કેવું અજુગતું અને બેહૂદું લાગે કોઈ અજાણી છોકરીને આવી વાતો કહેવી! હજી તો હમણાં મુલાકાત થઈ અને એવું પૂછવાની ધૃષ્ટતા કરાય કે તું પહેલાં કેમ ન મળી ?

અને માની લ્યો કે વહેલી મળી હોત તો? તો શું ?

જગમોહન દીવાન, તું વારંવાર કેમ ભૂલી જાય છે કે તારી ઉંમર ૪૭ વરસની છે. એનો અર્થ એ થયો કે તું જ્યારે ૨૩-૨૪ વરસનો હતો ત્યારે ગાયત્રીનો જન્મ પણ નહોતો થયો. એક તોફાની બાળકને ધમકાવીને માસ્તર ખૂણામાં બેસાડી દે એમ જગમોહનના મને એનો હાથ જાણે ઝાલીને એક બાજુ બેસાડી દીધો હોય એવી એને લાગણી થઈ આવી.

જગમોહન ઓછપાઈ ગયો. જાણે માઠું લાગ્યું હોય એવા ભાવ એના ચહેરા પર તરવરી ઊઠ્યા.

‘શું કાકુ, હવે તમે ક્યાં ખોવાઈ ગયા? કાકુ, તમે વહેલા મળ્યા હોત તો ? અત્યાર સુધી ક્યાં છુપાયા હતા?’ ગાયત્રી સહજતાથી બોલી ગઈ.

જગમોહન દિગ્મૂઢ થઈ ગયો. ગાયત્રીના મનમાં જે સ્ફુરે છે એ કેટલું સહજતાથી અભિવ્યક્ત કરી શકે છે. શબ્દોને ગોઠવવાની કડાકૂટમાં એ પડતી જ નથી અને એ બોલે છે ત્યારે એની વાત પણ કેટલી સાચી અને સટિક લાગે છે.

જ્યારે જગમોહન તો હજી એના માંહ્યલા સાથે તર્કવિતર્ક કરતો હતો કે આવું બોલાય કે નહીં.

‘વહેલાં મળ્યાં હોત તો શું થાત ગાયત્રી ? આપણે વહેલાં મરવાનો નિર્ણય લીધો હોત!’ જગમોહન બોલી તો ગયો પણ પછી અફસોસ થયો.

‘ના, કાકુ, કદાચ વહેલાં મળ્યાં હોત તો જીવનની કથા અને જીવનનો અંત બંને બદલાઈ જાત. કાકુ, તમે કોઈ અકસ્માત જોયો છે ? એક્સિડેન્ટનો શિકાર થયેલો રાહદારી જો એક સેક્ધડ વહેલો કે મોડો એ રસ્તેથી પસાર થયો હોય તો વાહન નીચે કચડાઈ ન જાય. આ જ રીતે કાકુ, અમુક માણસો આપણા જીવનમાં અકસ્માતને નિવારવામાં નિમિત્ત બનતા હોય છે.આપણે બંને વહેલાં મળ્યાં હોત તો એ એક સેકંડનો ફરક પડ્યો હોત અને કદાચ આપણો અકસ્માત ટળી ગયો હોત !’

જગમોહનનો હાથ પકડી ગાયત્રી એને એક્સિલેટર તરફ દોરી જતાં બોલતી
હતી.

‘સાચી વાત છે. ગાયત્રી, અમુક જણા અકસ્માત નિવારવા નિમિત્ત બનતા હોય છે. જ્યારે અમુક વ્યક્તિઓ અકસ્માતનાં કારણો બનતાં હોય છે.’
જગમોહન કડવાશથી બોલ્યો.

ગાયત્રીએ જવાબ ન આપ્યો. એ બંને એક્સિલેટરનાં પગથિયાં પર ચડી ગયાં. આ ઉંમરે પણ એને સ્વયંભૂ સરકતી સીડી પર ચડતાં વધુ સતર્ક રહેવું પડે છે એવું જગમોહનને લાગ્યું.

‘આમ જોવા જઈએ તો આપણે મોડા મોડા મળ્યાં તો પણ આપણો અકસ્માત બે કલાક માટે ટળી ગયો. હવે વિચારો વહેલાં મળ્યાં હોત તો.’ ગાયત્રીના સ્વરમાં હવે રમતિયાળપણું ભળ્યું હતું.

‘ના, ગાયત્રી, આજે આપણે જે કરવા જઈ રહ્યાં છીએ એ અકસ્માત નથી, એક દૃઢભાવે લીધેલો નિર્ણય છે, શાંત ચિત્તે, વ્યવસ્થિતપણે વિચારેલી યોજના છે, જેનો અમલ આપણે બે કલાક પછી કરીશું.’ જગમોહને મક્કમભાવે એક્સિલેટરની રેલિંગ પર હાથ મૂક્યો.

‘હા, પણ વહેલાં મળ્યાં હોત તો…’ ગાયત્રી હજી એ જ વાતને વળગી રહી હતી.

‘તો કદાચ રસ્તો સૂઝી આવ્યો હોત.’ જગમોહનને ઈચ્છા થઈ આવી કે એ ગાયત્રીનો હાથ પકડીને બોલે-કબૂલે, પણ એમ કરવું ઉચિત નહીં લાગે એવું વિચારીને એ યંત્રવત્ બોલ્યો.
‘ગુડ કાકુ, ગુડ તમે બોલ્યા તો ખરા. કમાલના માણસ છો તમે. મરવાનો નિર્ણય તો વગર વિચાર્યે લઈ લીધો પણ મને કંઈક કહેવું કે નહીં એ વિચાર કરતાં કેટલો સમય લીધો.’ ગાયત્રીએ ઉષ્માથી જગમોહનનો હાથ દબાવ્યો.

‘આ છોકરીને મ્હાત ન દઈ શકાય.’ જગમોહન બબડ્યો. એની પાસે બધા પ્રશ્ર્નોના જવાબ છે. ઉપરાંત મારા મનમાં જે સવાલો ઉદ્ભવે છે એની પણ એને
ખબર છે.

જગમોહન અને ગાયત્રી રવીન્દ્ર સદન મેટ્રો સ્ટેશનની બહાર નીકળ્યાં. બહારની મુક્ત હવામાં શ્ર્વાસ લેતી વખતે જગમોહનને યાદ આવ્યું કે હજી કલાકો પહેલાં એણે વિચાર્યું હતું કે હવે આ જમીન, આ આકાશ ફરી ક્યારેય નહીં જોઈ શકે.

‘અંદર ખૂબ જ બફારો હતો, નહીં?’ ગાયત્રી રૂમાલથી ચહેરો લૂછતાં બોલી.

‘હા, માણસની છેલ્લી પળોમાં એની બધી સગવડો સાચવવામાં નથી આવતી.’ જગમોહન હસ્યો.

એણે કદી વિચાર્યું નહોતું કે એ એક દિવસ કોઈ અજાણી છોકરી સાથે હાથમાં હાથ મિલાવીને કોલકાતાની સડકો પર ચાલતો હશે.

અત્યાર સુધી ઑફિસનું ટેન્શન, પ્રભાનો કકળાટ, છોકરાઓની અણસમજ અને ખુદની અપેક્ષાઓ વચ્ચે હંમેશાં અટવાતો રહ્યો. જિંદગીને જુદી દૃષ્ટિથી જોવી હોય તો ક્યારેક આપણાથી નાની, બિલકુલ અજાણી વ્યક્તિની આંખથી દુનિયા જોવી જોઈએ. વરસો બાદ એક નવી તાજગીનો અનુભવ થાય.

‘જે. ડી. ગ્રૂપ ઑફ ઈન્ડસ્ટ્રીઝ’ ના સૂત્રધાર જગમોહનને હવે ડર નહોતો લાગતો કે કોઈ જોઈ જશે તો !

‘આપણે ક્યાંક બેસીએ પછી જ નિરાંતે વાત થશે.’ ગાયત્રીએ આજુબાજુ નજર દોડાવતાં કહ્યું.

‘હા, આમેય ઊભા ઊભા પગ તૂટી ગયા.’ જગમોહને કબૂલ્યું.

ગાયત્રી એની સામે હસીને બોલી, ‘કાકુ હમણાં હું યાદ નહીં દેવડાવું કે જો મેં તમને પકડીને પાછળ ન ખેંચ્યા હોત તો તમારા પગ જ નહીં, તમારું આખું શરીર.’ ગાયત્રી અટકી ગઈ.

‘બદમાશ, તું ભારે લુચ્ચી છો. નહીં યાદ દેવડાવું કહીને યાદ કરાવી દીધું. પણ ગાયત્રી, તું પણ તો મારી પાછળ કૂદવાની જ હતી ને!’
જવાબમાં ગાયત્રી ખડખડાટ હસી પડી. ફરી જાણે મોતીઓ હારથી છૂટા પડીને ફૂટપાથ પર વેરાઈ ગયાં. જગમોહનને
થયું કે બંને હથેળીમાં ગાયત્રીનું હાસ્ય
સમેટી લે.

વરસો બાદ એ કોલકાતાની ફૂટપાથ પર ચાલતો હતો. થોડી મિનિટો બંને વચ્ચે મૌન છવાઈ ગયું.

થોડી વાર સુધી બંને ચૂપચાપ ચાલતાં જ રહ્યાં.

‘કાકુ, આપણે આ ધાબામાં બેસીએ. અહીં ચા-પાણી મળશે અને કોઈનું ધ્યાન પણ નહીં ખેંચાય.’

ગાયત્રીની પાછળ જગમોહન ખેંચાતો ગયો. મલ્લિક બજાર પાસેના એક અત્યંત સાધારણ ધાબામાં બંને ગોઠવાયાં ત્યારે જગમોહનને અચરજ થયું કે આજે એને આવી જગ્યામાં બેસતાં સૂગ કેમ નથી ચડતી ! ટેબલ પર આંગળીથી નામ લખી શકાય એવા ધૂળના થર જામેલા હતા. નાના છોકરાઓ ઓર્ડર લેવા દોડાદોડી કરતા હતા. કાઉન્ટર પર બેઠેલો માલિક એક કસ્ટમર સાથે ઊંચા સ્વરે ચર્ચા કરતો હતો. જગમોહન ધ્રૂજી ગયો.

ચાનો ઓર્ડર આપ્યા બાદ ગાયત્રીએ એની નજર જગમોહન પર ટેકવી.

‘યસ… કાકુ, શરૂ થઈ જાઓ. અને હા, ડોન્ટ વરી, અહીં તમને કોઈ નહીં જુએ… તમને ઓળખનારાઓ પણ આ જગ્યાએ નથી આવતા.’

‘કાકુ, તમારો અહમ્ ઘવાયો છે એટલે તમે ગુસ્સે થાઓ છો. મારો કોઈ વાંક નથી. એની વે, હવે હું કંઈ નહીં બોલું. તમે જ બોલો.’ ગાયત્રી રિસાઈ ગઈ હોય તેમ બીજી દિશામાં મોઢું ફેરવી લીધું.
જગમોહનને પોતાની ભૂલ સમજાઈ.

‘આઈ એમ સોરી… હું નાહકનો ગુસ્સે થઈ ગયો. હવે એક વાર હસી લે પછી આપણે વાત શરૂ કરીએ.’ જગમોહન સમજાવટના સૂરમાં બોલ્યો.

ગાયત્રી ફરી હસી પડી. જગમોહનનો શ્ર્વાસ હેઠો બેઠો. એક છોકરો ટેબલ પર ચાના બે ગ્લાસ એટલા જોરથી પટકી ગયો કે ચા છલકાઈ જતાં રહી ગઈ. જગમોહનની કમાન છટકી પણ ગાયત્રીએ એને આંખના ઈશારાથી ચૂપ રહેવા કહ્યું.

બંને હસી પડ્યાં.

ચા પીતાં પીતાં જગમોહને જે.ડી. ગ્રૂપ ઑફ ઈન્ડસ્ટ્રીઝ, એની જીવનશૈલી, સામાજિક મોભો, પ્રભા, વિક્રમ,
કરણ, પુત્રવધૂ, દીકરી, જમાઈ, લખુકાકા એમ સર્વેનો આછો પરિચય આપી
દીધો.

‘ઓહ, તો… તો… તમે સાચે જ શ્રીમંત પિતાની બગડેલી સંતાન છો !’
જગમોહન ચમકી ગયો.

‘તને શા માટે એવું લાગે છે કે હું બગડેલો કે ભટકેલો છું… ગાયત્રી ?’

‘કાકુ, તમે આટલી વાત કરી પણ એમાં મને ક્યાંય આત્મહત્યા કરવી પડે એવાં કારણો કે સંજોગો દેખાયાં નહીં. હવે તમે જ કહો કે મારે તમને શું કહેવું ?’ ગાયત્રી સ્વસ્થ હતી.
‘એ તો એવું જ હોય. ગાયત્રી, આત્મહત્યાનું કોઈ એક કારણ ન હોઈ શકે. આંગળી મૂકીને દર્શાવી ન શકાય કે મારી મૃત્યુઈચ્છાનું કારણ આ છે. તારા કેસમાં પણ આવું જ કંઈક હશે, આઈ એમ
શ્યોર !’

‘ના, કાકુ મારી વાત કરીશ ત્યારે તમને વિશ્ર્વાસ બેસી જશે કે મારી વાત જ જુદી હતી.’

બંને થોડી પળો માટે ચૂપ રહ્યાં, જગમોહન ચાના ઘૂંટ લેતો રહ્યો. એને યાદ આવ્યું કે સવારની આ એની પહેલી ચા હતી.

‘નારાજ થઈ ગયા, કાકુ ? તમે ઉદાસ થઈ જાઓ એ મને નહીં ગમે. પ્લીઝ…’ ગાયત્રી કરગરતી હતી.
જગમોહનનું હૈયું કારણ વગર ભરાઈ આવ્યું.

કોણ છે આ છોકરી ? કઈ લેણદેણ નીકળી છે એની સાથે ? બે-ત્રણ કલાકની ઓળખાણમાં એવો શું જાદુ કરી નાખ્યો છે કે એને ઢીલી થતાં જોઈને મન ભરાઈ
આવે છે.

‘ઓકે, બોલ, હું નારાજ નથી.’ જગમોહન ડૂમાને ગળા નીચે ઉતારતાં બોલ્યો.

ગાયત્રી ખંચકાતા બોલી.

‘કાકુ, તમે પત્નીથી કંટાળીને મરવાની ઈચ્છા કરો એવા નથી.’
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button