જીવનની રહસ્યમયતા
અલૌકિક દર્શન -ભાણદેવ
‘ઋગ્વેદ’નાસદીય સૂક્તનો અંતિમ મંત્ર આ
પ્રમાણે છે:
यो अस्याध्यक्षः परमे व्योमेन् त्सो अङ्ग वेद यदि वा न वेद॥ ૧૦-૧૨૯-૭
“આ સૃષ્ટિ જેમાંથી આવિર્ભૂત થઈ છે, તે પરમાત્મા પણ તેને ધારણ કરી રાખે છે કે નહીં?
પરમ આકાશમાં અવસ્થિત આ સૃષ્ટિના પરમ અધ્યક્ષ પરબ્રહ્મ પરમાત્મા આ સૃષ્ટિના
રહસ્યને પૂર્ણત: જાણતા હશે કે તેઓ પણ નહીં જાણતા હોય?
માનવચિત્તનું બંધારણ જ એવું છે કે તેમાં શું, શા માટે, કેવી રીતે, કોના દ્વારા – આદિ પ્રશ્ર્નો
ઉપસ્થિત થાય જ છે. તદનુસાર કોઈ પણ જાગ્રત માનવીના ચિત્તમાં આ સૃષ્ટિ કોણે ઉત્પન્ન
કરી, કેવી રીતે ઉત્પન્ન કરી, શા માટે ઉત્પન્ન કરી – આદિ પ્રશ્ર્નો ઉપસ્થિત થાય જ છે.
માનવ પોતાની મતિ દ્વારા આ પ્રશ્ર્નોના ઉત્તરો મેળવવા માટે અપરંપાર પ્રયત્નો કરે છે,
પરંતુ સૃષ્ટિનું સ્વરૂપ અને રચના એટલાં ગહન છે કે માનવની પોતાની અલ્પ મતિ દ્વારા
તેનો પાર પામી શકાય તેમ નથી.
વેદની સંહિતાઓ, બ્રાહ્મણગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, ‘શ્રીમદ્ ભાગવત’ આદિ પુરાણો,
‘મહાભારત’ આદિ સર્વ ગ્રંથોમાં સૃષ્ટિવિષયક દર્શન વ્યક્ત થયું છે. સૃષ્ટિવિષયક દર્શન
લગભગ સર્વત્ર જોવા મળે છે અને છતાં લગભગ સર્વત્ર સૃષ્ટિની રહસ્યમયતા પણ
અભિવ્યક્ત થયેલ છે.
અસ્તિત્વ એક રહસ્ય છે અને આ ગહન રહસ્યને પૂર્ણત: કોઈ ઉકેલી શકે નહીં. ઋતંભરા
પ્રજ્ઞાના પ્રકાશથી આ મૂળભૂત રહસ્યને ઋષિઓ ક્યારેક કાંઈક અંશે જોઈ શકે છે.
અસ્તિત્વની રહસ્યમયતાનો પડદો આ ઋતંભરા પ્રજ્ઞા સમક્ષ ક્વચિત્ અંશત: હટી જાય છે
અને તેવી અમૂલ્ય ક્ષણોમાં ઋષિ આર્ષદર્શન કરી લે છે. આમ છતાં અસ્તિત્વના રહસ્યને
પૂર્ણત: કોઈ પામી શકે નહીં.
‘ઋગ્વેદ’ના નાસદીય સૂક્તના આ અંતિમ મંત્રમાં બે વિધાન કરવામાં આવેલ છે:
૧. આ સૃષ્ટિ જેમાંથી પ્રગટી છે, તે પરમ તત્ત્વ સૃષ્ટિનો આધાર છે કે નહીં?
૨. આ સૃષ્ટિના પરમ અધ્યક્ષ છે, તે પણ આ સૃષ્ટિના રહસ્યને જાણતા હશે કે નહીં?
પ્રથમ દૃષ્ટિએ એમ જણાય છે કે આ મંત્રમાં પરમાત્માના સામર્થ્ય અને સર્વજ્ઞતા વિશે શંકા
ઉપસ્થિત કરવામાં આવે છે, પરંતુ વસ્તુત: તેમ નથી. કવિતાની એક લક્ષણા હોય છે અને
વ્યંજના પણ હોય છે. આ લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થને સમજીને જ કાવ્યના યથાર્થ તત્ત્વને
પામી શકાય છે. આ મંત્ર દ્વારા ઋષિ સર્વસમર્થ અને સર્વજ્ઞ પરમાત્માના સર્વસામર્થ્ય અને
સર્વજ્ઞતા વિશે શંકા ઉપસ્થિત નથી કરતા, પરંતુ માનવીની અલ્પજ્ઞતા અને સૃષ્ટિની
રહસ્યમયતા સૂચિત કરે છે. માનવી અર્થાત્ આપણે સૌ એટલા અલ્પજ્ઞ છીએ કે આ
સૃષ્ટિના પરમ આધારની યથાર્થતા સમજી શકીએ નહીં અને આપણે વળી એટલા જ
અલ્પજ્ઞ છીએ કે પરમાત્માની સર્વજ્ઞતાને પણ સમજી શકીએ નહીં. પરમાત્મા સૃષ્ટિના આ
રહસ્યને સમજી શકતો હશે કે નહીં અને કયા સ્વરૂપે સમજતા હશે, તે સમજવાનો આપણી
પાસે કોઈ ઉપાય નથી. અહીં પરમાત્મા સમજતા હશે કે નહીં તેવી શંકા અહીં નથી થઈ,
પરંતુ પરમાત્માના પરમજ્ઞાનને અને સૃષ્ટિની રહસ્યમયતાને સમજવાની આપણી અશક્તિ
અહીં અભિવ્યક્ત થઈ છે. સૃષ્ટિની અગાધ રહસ્યમયતા અને માનવીની અલ્પજ્ઞતાને સૂચિત
કરવાની આ એક કાવ્યાત્મક શૈલી છે. વળી સૃષ્ટિ નિરાધાર છે તેમ પણ અહીં નથી કહ્યું.
અહીં વસ્તુત: એમ કહ્યું છે કે આ આધારને આપણે પૂર્ણત: સમજી ન શકીએ.
આપણે સૃષ્ટિના રહસ્યને સમજી ન શકીએ એમ કહીને આ મંત્ર દ્વારા અજ્ઞેયવાદ સૂચિત
થાય છે? ના, અહીં અજ્ઞેયવાદ દર્શન નથી. અહીં આ મંત્ર દ્વારા કે વેદમાં ક્યાંય
અજ્ઞેયવાદનો સ્વીકાર નથી. અજ્ઞેયવાદમાં તો સૃષ્ટિના સ્વરૂપને સમજી શકાય તેમજ નથી,
એમ માનીને તે દિશાનો પ્રયત્ન જ ત્યાજ્ય ગણ્યો છે. વેદમાં તો સૃષ્ટિના રહસ્યને ભેદવાનો
પારાવાર પ્રયત્ન જોવા મળે છે. વેદમાં કે ભારતીય સૃષ્ટિમીમાંસામાં ક્યાંય અજ્ઞેયવાદનો
સ્વીકાર નથી, સૃષ્ટિના રહસ્યને સર્વથા અજ્ઞેય કહેલ નથી. અહીં તો માત્ર એટલું જ કહ્યું છે
કે સૃષ્ટિનાં સર્વ રહસ્યોને સંપૂર્ણ રીતે સમજી શકાય તેમ નથી. આપણું સૃષ્ટિજ્ઞાન ગમે તેટલું
વિકસે તોપણ સૃષ્ટિની રહસ્યમયતા કોઈ ને કોઈ સ્વરૂપે બાકી રહેવાની જ! આ સૂક્તમાં
સંશયવાદી દર્શન પણ વ્યક્ત થતું નથી. ઋષિ શંકાશીલ કે સંશયવાદી પણ નથી. ઋષિ
અહીં સૃષ્ટિની અગાધ રહસ્યમયતાથી મુગ્ધ થઈ ગયા છે. આ મુગ્ધતા અહીં આ મંત્રમાં
કાવ્યાત્મક શૈલીથી અભિવ્યક્ત થઈ છે, તેથી આ મંત્રમાં અજ્ઞેયવાદ કે સંશયવાદ નહીં,
પરંતુ રહસ્યવાદ છે, તેમ સમજવું જોઈએ.
અચિંત્ય તત્ત્વના ગહન અરણ્યમાં ઋષિ સાત્ત્વિક શ્રદ્ધા અને આર્ષદર્શનના સાધન વડે,
સિંહની પેટે નિર્ભય બનીને પ્રવેશ કરે છે અને તેમાંથી અતકર્ય તત્ત્વોને પકડીને, લાવીને
માનવજાત સમક્ષ અભિવ્યક્ત કરે છે. પ્રસ્તુત નાસદીય સૂક્ત અને તેનો આ અંતિમ મંત્ર
આ દિશાનો સમર્થ પ્રયત્ન છે. ઋષિ આ પ્રયત્નને અંતે એમ પણ સ્પષ્ટ રીતે જાહેર કરે છે:
“જે છે તેમાંથી ખૂબ થોડું લાવી શકાયું છે. અગાધ રહસ્યપૂર્ણ પહાડના આ તો થોડા કણ છે!
જીવન અને અસ્તિત્વની રહસ્યમયતા દર્શાવતા બે શ્ર્લોક ‘શ્રીમદ્ ભાગવત’માં પણ છે:
બ્રહ્માજી કહે છે:
नतोऽस्म्यहं तच्चरणं समीयुषां
भवच्छिदं स्वस्त्यनं सुमङ्गलम्।
यो ह्यात्ममायाविभवं स्म पर्यगाद्
यथा नभः स्वान्तमथापरे कुतः ॥
- श्रीमद् भागवत ૨-૬-૩૫
“હું પરમ મંગલમય અને શરણે આવેલા ભક્તોને જન્મ-મૃત્યુથી છોડાવનાર
પરમ-કલ્યાણસ્વરૂપ ભગવાનનાં ચરણોમાં નમસ્કાર કરું છું. તેની માયાની શક્તિ અપાર છે.
જેમ આકાશ પોતાના અંતને જાણતું નથી, તેમ તે પરમાત્મા પણ પોતાના મહિમાના
વિસ્તારને નથી જાણતા. આવી પરિસ્થિતિમાં અન્ય કોઈ તો તેના પારને કેવી રીતે પામી
શકે?
नाहं न यूयं यदृतां गतिं विदु-
र्न वामदेवः किमुता परे सुराः ।
तन्मायया मोहितबुद्धयस्त्विदं
विनिर्मितं चात्मसमं विचक्ष्महे ॥
- श्रीमद् भागवत ૨-૬-૩૬
બ્રહ્માજી કહે છે:
“હું, મારા પુત્ર તમે અને ભગવાન શંકર પણ તેના સત્ય સ્વરૂપને નથી જાણતા તો અન્ય
દેવો તો તેને કેવી રીતે જાણી શકે? આપણે સૌ આ રીતે મોહિત થઈ ગયા છીએ કે તેમની
માયા દ્વારા રચિત આ જગતને પણ યથાર્થત: સમજી શકતા નથી. આપણે સૌ આપણી
બુદ્ધિ પ્રમાણે અટકળ કરતા રહીએ છીએ.
પરમ સત્ય, આ અસ્તિત્વ, આ જીવન – આ સર્વ અગાધ રહસ્યપૂર્ણ છે. તેમના રહસ્યને
સર્વથા ખોલી શકાય તેમ નથી.
“”Life is a mystery and it is to remain a mystery forever.”
“જીવન એક રહસ્ય છે અને તે સદા એક રહસ્ય જ રહેવાનું છે.
સમુદ્રમાં બે માછલીઓ રહેતી હતી. એક નાની માછલી અને એક મોટી માછલી, એક વાર
નાની માછલીએ મોટી માછલીને પૂછ્યું:
“દીદી! અહીં સવાર-સાંજ માણસો ફરવા આવે છે તેઓ ‘સમુદ્ર, સમુદ્ર’ એમ બોલતાં હોય
છે. આ સમુદ્ર શું છે?
મોટી માછલી પ્રત્યુત્તર આપે છે:
“બહેન! માનવજાતને અનર્ગળ પ્રલાપ કરવાની ટેવ છે. સમુદ્ર જેવું કશું જ નથી. ‘સમુદ્ર’
માણસોએ ફેલાવેલી એક અફવા છે. આપણે અફવાના ભોગ ન બનવું!
આપણે જીવનસમુદ્રનાં માછલાં છીએ. જીવન વિશેની આપણી સમજ અધૂરી અને કાચી છે.
આ અનંત અગાધ જીવનસમુદ્રનો પાર કોણ પામી શકે?
જીવનની આ અગાધ રહસ્યમયતાને સમજાવવા માટે ઠાકુર શ્રીરામકૃષ્ણદેવ એક નાનું-સુંદર
દૃષ્ટાંત આપતાં: પરમ સત્ય તો સાકરનો પહાડ છે. જ્ઞાની પુરુષો કીડીઓ છે. આ કીડીઓ
સાકરના થોડાં કણ પોતાના દરમાં લઈ જઈ શકે, પરંતુ સાકરના આખા પહાડને કોઈ લઈ
જઈ શકે નહીં. શુકદેવ, શંકરાચાર્ય આદિ મહાજ્ઞાની પુરુષો મોટા મંકોડા છે. તેઓ થોડા મોટા
કણ અને થોડા વધુ કણ લાવી શકે, પરંતુ સાકરના પહાડને આખેઆખો તો કોઈ જ લાવી
શકે નહીં!
આવી અગાધ છે જીવનની રહસ્યમયતા!
આનો અર્થ એમ નહીં કે આપણે જીવન, અસ્તિત્વ અને પરમ સત્ય વિશે કશું જ ન જાણી
શકીએ. અધ્યાત્મ અને વિજ્ઞાન દ્વારા આપણે જીવન, અસ્તિત્વ અને પરમ સત્ય વિશે કાંઈક
જાણી શકીએ અને જેટલું જાણીએ છીએ તે પણ ઘણું મૂલ્યવાન છે. તેના આધારે આપણા
જીવનને પરમ સત્ય સુધી પહોંચાડી શકીએ છીએ. આપણે અજ્ઞેયવાદ કે સંશયવાદના
રણમાં ખોવાઈ જવાનું નથી. આપણે અહીં માત્ર એટલું જ સમજવાનું છે કે જીવન અને
અસ્તિત્વ અગાધ રહસ્યપૂર્ણ છે. તેના સ્વરૂપને પૂરેપૂરું, સાંગોપાંગ કોઈ પામી શકે નહીં, કોઈ
પામી શકે નહીં!