ભારતે શાનથી છેલ્લી ટી-20 પણ જીતી લીધી, 4-1થી ટ્રોફી પર કબજો
સૅમસનની આબરૂ સાચવતી હાફ સેન્ચુરી બાદ મુકેશ કુમારનો ચાર વિકેટનો તરખાટ

હરારે: ભારતે અહીં રવિવારે ઝિમ્બાબ્વેને પાંચમી અને છેલ્લી ટી-20માં 42 રનથી હરાવીને 4-1થી સિરીઝ જીતી લીધી હતી. ઝિમ્બાબ્વેની ટીમ 168 રનના લક્ષ્યાંક સામે 18.3 ઓવરમાં 125 રને ઑલઆઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વેનો એક પણ બૅટર હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો. બીજી બાજુ, ભારતે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી વિજય મેળવ્યો હતો.
આ મૅચમાં બૅટિંગમાં વિકેટકીપર સંજુ સૅમસન (58 રન, 45 બૉલ, ચાર સિક્સર, એક ફોર) અને બોલિંગમાં પેસ બોલર મુકેશ કુમાર (3.3-0-22-4) હીરો હતો. સૅમસને બે કૅચ પણ પકડ્યા હતા. ઝિમ્બાબ્વેના મુખ્ય બૅટર અને કૅપ્ટન સિકંદર રઝા (8 રન)ને શિવમ દુબેએ રનઆઉટ કર્યો હતો.
29મી જૂને રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમે બાર્બેડોઝમાં ટી-20 વર્લ્ડ કપ જીતીને ક્રિકેટજગતમાં અનેરી છાપ પાડી હતી અને પછી મુંબઈમાં લાખો લોકોએ વર્લ્ડ ચૅમ્પિયન ટીમનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું હતું. જોકે બરાબર એક અઠવાડિયા બાદ (છઠ્ઠી જુલાઈએ) હરારેમાં ઝિમ્બાબ્વે જેવા ક્રિકેટના નાના દેશની બિન-અનુભવી ખેલાડીઓવાળી ટીમ સામે શુભમન ગિલ ઍન્ડ કંપનીનો સિરીઝની પ્રથમ ટી-20માં કારમો પરાજય થયો હતો.
આ પણ વાંચો: Ind Vs Zim: કૅચ છૂટ્યા પછી મને થયું કે આ દિવસ તો મારો જ છે: અભિષેક શર્મા
જોકે વીવીએસ લક્ષ્મણના કોચિંગમાં હરારે ગયેલી ભારતીય ટીમ એ આઘાતજનક હારને પગલે બાકીની મૅચો માટે સફાળી જાગી ગઈ હતી અને પછી એક બાદ એક મૅચ જીતીને સિરીઝની ટ્રોફી પર 4-1ના માર્જિન સાથે કબજો કર્યો.
આ સિરીઝે ભારતને એક પછી એક મૅચમાં નવો મૅચ-વિનર આપ્યો. પ્રથમ મૅચના પરાજય બાદ અભિષેક શર્મા (47 બૉલમાં 100 રન)એ બીજી મૅચ જિતાડી આપી, ત્રીજી મૅચમાં સ્પિનર વૉશિંગ્ટન સુંદર (15 રનમાં ત્રણ વિકેટ), ચોથી મૅચમાં યશસ્વી જયસ્વાલ-શુભમન ગિલની જોડીએ અણનમ 156 રનની ભાગીદારીથી જીત અપાવી અને રવિવાર, 14મી જુલાઈએ પાંચમી મૅચમાં સંજુ સૅમસન તથા મુકેશ કુમારે ભારતને શાનદાર વિજય અપાવ્યો.
છેલ્લી મૅચના વિજયમાં બોલર્સનું મોટું યોગદાન હતું. મુકેશ કુમારે બાવીસ રનમાં ચાર અને શિવમ દુબેએ પચીસ રનમાં બે તેમ જ તુષાર દેશપાંડે, વૉશિંગ્ટન સુંદર તથા અભિષેક શર્માએ એક-એક વિકેટ લીધી હતી. રવિ બિશ્ર્નોઈને 23 રનમાં વિકેટ નહોતી મળી શકી.
આ પણ વાંચો: IND vs ZIM: ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે ટૂર માટે રવાના થઈ, જાણો સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ
એ પહેલાં, ભારતે બૅટિંગ મળ્યા બાદ છ વિકેટે 167 રનનો સાધારણ સ્કોર નોંધાવ્યો હતો. ભારતની ‘બી’ ટીમને સિરીઝ જિતાડવામાં બોલર્સ ઉપરાંત ટૉપ-ઑર્ડરનું મોટું યોગદાન રહ્યું છે, પરંતુ રવિવારની આ મૅચમાં ટૉપ-ઑર્ડર નિષ્ફળ ગયો હતો અને બધો બોજ મિડલ-ઑર્ડર પર આવી ગયો હતો. જોકે સંજુ સૅમસને જવાબદારી સંભાળી લીધી હતી અને સૌથી મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમીને બીજી ટી-20 ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારી હતી.
ભારતે 40મા રને ગિલની વિકેટ ગુમાવી ત્યાર બાદ સૅમસન અને ઋતુરાજ ગાયકવાડના સ્થાને ઇલેવનમાં સમાવવામાં આવેલા રિયાન પરાગ (24 બૉલમાં એક સિક્સરની મદદથી બાવીસ રન) વચ્ચે ચોથી વિકેટ માટે 65 રનની પાર્ટનરશિપ થઈ હતી જે મૅચ-વિનિંગ સાબિત થઈ હતી.