નેશનલ

Puja Khedkar Controversy: પુણે પોલીસની IAS પૂજા ખેડકર સામે કડક કાર્યવાહી, ઓડી કાર જપ્ત

પુણે: તાલીમાર્થી IAS અધિકારી પૂજા ખેડકર (Puja Khedkar) મુશ્કેલીઓમાં ફસાઈ છે. પૂજા ખેડકર સામે અન્ય પછાત વર્ગ (OBC) અને પર્સન વિથ ડિસેબિલિટીઝ (PwD) પ્રમાણપત્રોના કથિત દુરુપયોગ ઉપરાંત ઘણા આરોપો લગાવવામાં આવ્યા છે. એવામાં પુણે પોલીસે (Pune Police) આજે રવિવારે પૂજા ખેડકર સામે કડક એક્શન લીધું છે, પુણે પોલીસે તેની ઓડી લક્ઝરી કાર (Audi Car)ને જપ્ત કરી છે.

થોડા દિવસો પહેલા,પુણે રીજીયોનલ ટ્રાન્સપોર્ટ ઓફીસ (RTO)એ ખેડકર જે ઓડી કારનો ઉપયોગ કરતી હતી, એની માલિક ખાનગી કંપનીને નોટિસ ફટકારી હતી. હવે ઓડી કારને જપ્ત કરી ચતુરશરંગી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી છે. કારને ચતુર્શરંગી પોલીસ સ્ટેશનના ટ્રાફિક વિભાગમાં રાખવામાં આવી છે, જેમાં કાર પર જામર લગાવવામાં આવ્યા છે અને તેની આસપાસ બેરિકેડ લગાવવામાં આવ્યા છે.

34 વર્ષીય પ્રોબેશનરી IAS અધિકારી પૂજા ખેડકર કથિત રીતે ઓડી કાર પર લાલ બત્તીનો ઉપયોગ કરતી હતી અને તેના પર પરવાનગી વિના ‘મહારાષ્ટ્ર સરકાર’ લખેલું પણ હતું.

એક વરિષ્ઠ પોલીસ અધિકારી એ કહ્યું કે, “ખાનગી સેડાન કાર પર લાલ બત્તી અને સરકારના ચિહ્નના અનધિકૃત ઉપયોગ સામે ગુરુવારે નોટિસ ફટકારી હતી. કાર હવે જપ્ત કરવામાં આવી છે, તેના દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે અને અમે આ બાબતની વધુ તપાસ કરી રહ્યા છીએ.”

રાજ્ય સરકારમાં સચિવ સ્તરથી ઉપરના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ મહાનિરીક્ષક અને પ્રાદેશિક કમિશનરોના રેન્કના પોલીસ અધિકારીઓને ફ્લૅશર્સ વિના એમ્બર લાઈટનો ઉપયોગ કરવાની મંજૂરી છે, જ્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને બ્લુ રંગની લાઈટનો ઉપયોગ કરવાની મંજૂરી છે. IASને મળે એવી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાની તેની ફરીયાદ બાદ પૂજા ખેડકર વિવાદમાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button