નાશિકમાં હાઇવે પર ટ્રકે કારને ટક્કર મારતાં ચાર જણનાં મોત, બે ઘવાયા

નાશિક: નાશિક જિલ્લામાં હાઇવે પર ટાયર ફાટ્યા બાદ ટ્રક સામેથી આવી રહેલી કાર સાથે ટકરાતાં ચાર જણનાં મોત થયાં હતાં, જ્યારે બે ઘવાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મુંબઈ-આગ્રા હાઇવે પર આડગાંવ નજીક શુક્રવારે રાતે 10.30 વાગ્યે આ અકસ્માત થયો હતો.
નાશિકથી ઓઝર જઇ રહેલી ટ્રકનું અચાનક ટાયર ફાટ્યું હતું અને તે સામેથી આવી રહેલી કાર સાથે ભટકાઇ હતી. કારમાં હાજર રહેમાન સુલેમાન તંબોલી (48), તેનો ભત્રીજો અરબાઝ ચંદુભાઇ તંબોલી (21) તેમ જ સેજ્જુ પઠાણ (40) અને અક્ષય જાધવ (24)નાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મૃતકો કારમાં સતાનાથી નાશિક આવી રહ્યા હતા.
આ પણ વાંચો: નેપાળમાં મોટો અકસ્માત, બે બસો નદીમાં તણાઇ ગઇ, 7 ભારતીયના મૃત્યુ
ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને મૃતદેહોને બહાર કાઢવા અગ્નિશમન દળના જવાનોને કારને કાપીને ટુકડા કરવા પડ્યા હતા.
અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર બાપુ આહિરે (51) અને સચિન મ્હસ્કે (45)ને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમને સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આડગાંવ પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)