આમચી મુંબઈમહારાષ્ટ્ર

પ્રવાસીઓને બેભાન કરી લૂંટનારો રીઢો આરોપી યુપીમાં ઝડપાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
પ્રવાસીઓને ખાવા-પીવાની વસ્તુમાં ઘેનની દવા આપી બેભાન કર્યા પછી લૂંટી લેનારા રીઢા આરોપીને પોલીસે ઉત્તર પ્રદેશમાં પકડી પાડ્યો હતો. માટુંગા પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ યુનુસ શાફીકઉદ્દીન શેખ (52) તરીકે થઈ હતી. ઉત્તર પ્રદેશના મેરઠ સિટી ખાતે રહેતા શેખ વિરુદ્ધ યુપીમાં હત્યા, દંગલ, હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. આંધ્ર પ્રદેશમાં ઘેનયુક્ત ઠંડું પીણું પીવડાવી લૂંટ ચલાવવાના ચાર કેસમાં તે સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.

પુણેના યોગી પાર્ક ખાતે રહેતા શૈલેન્દ્ર સાઠે (57)ની ફરિયાદને આધારે માટુંગા પોલીસે તપાસ હાથ ધરી હતી. સાઠે 14 જૂને પુણેના વાકડ ખાતેથી શિવનેરી બસમાં બેઠા હતા. બસમાં આરોપી અને તેના સાથીએ વાતચીત દરમિયાન સાઠે સાથે મિત્રતા કરી હતી. ખાલાપુર સ્થિત ફૂડ મૉલમાં સાઠેને વાતોમાં પરોવી રાખી તેને ઘેનયુક્ત કૉફી પિવડાવવામાં આવી હતી.

આ પણ વાંચો: યુપીમાં કૅશવૅન પર અંધાધૂંધ ગોળીબાર કરી રોકડ લૂંટનારો અંધેરીમાં ઝડપાયો

બસમાં બેઠા પછી બેભાન થઈ ગયેલા સાઠેએ પહેરેલા સોનાના દાગીના, મોબાઈલ ફોન અને પર્સ ચોરી આરોપી ફરાર થઈ ગયા હતા. ભાનમાં આવ્યા પછી સાઠેને મતા ચોરાયાની જાણ થઈ હતી. આ પ્રકરણે 20 જૂને સાઠેએ ખોપોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કેસ માટુંગા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવતાં સબ-ઈન્સ્પેક્ટર માળીની ટીમે તપાસ હાથ ધરી હતી.

શિવનેરી બસ, ખાલાપુરના ફૂડ મૉલ તેમ જ દાદર, મુંબઈ સેન્ટ્રલ પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી પોલીસે આરોપીને ઓળખી કાઢ્યો હતો. ટેક્નિકલ બાબતોનો અભ્સાય કરતાં આરોપી ઉત્તર પ્રદેશમાં હોવાની માહિતી મળી હતી. મેરઠ પહોંચેલી ટીમે ત્રણ દિવસ નજર રાખી સોમવારે આરોપીને પકડી પાડ્યો હતો. સ્થાનિક કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ પણ તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button