ઈન્ટરવલ

યુનાઈટેડ કિંગડમની ચૂંટણીમાં કરોડપતિ સુનક શ્રમિકપુત્ર સ્ટાર્મર સામે કેમ હારી ગયા?

બ્રિટનની આ ચૂંટણીમાંથી આપણા રાજકારણીઓએ પણ ઘણા પાઠ શીખવા જેવા છે.

પ્રાસંગિક -અમૂલ દવે

બ્રિટનમાં એક શ્રમિકના પુત્રે ભારતીય મૂળના એક કરોડપતિને જોરદાર શિકસ્ત આપી છે. યુનાઈટેડ કિંગડમમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મજૂર પક્ષે સપાટો બોલાવ્યો, જ્યારે રૂઢિચુસ્ત પક્ષનું સુરસુરિયુ થઈ ગયું. સતત ૧૪ વર્ષ સત્તામાં રહેનારા રૂઢિચુસ્ત પક્ષનો લગભગ એક સદીનો સૌથી કારમો અને નામોશીભર્યો પરાજય થયો છે.

હવે યુનાઈટેડ કિંગડમ (યુકે)ના નવા વડા પ્રધાન બનનારા કિયર સ્ટાર્મરના નેતૃત્વ હેઠળ લેબર પાર્ટીએ અબ કી બાર, ૪૦૦ પાર કયું છે. લેબર પાર્ટીએ ૬૫૦ સભ્યોના નીચલા ગૃહ આમસભામાં ૪૧૨ બેઠક મેળવી તો બીજી બાજુ ઋષિ સુનકના નેતૃત્વ હેઠળના રૂઢિચુસ્ત પક્ષે ફકત ૧૨૧ બેઠક હાંસલ કરી. આ પક્ષે અઢીસો બેઠક ગુમાવી હતી. જોકે શાસક પક્ષના નેતાઓને તો આશંકા હતી કે ટોરીઝનો દેખાવ આનાથી પણ બદતર હશે અને કદાચ તેને સૌથી મોટા વિરોધ પક્ષનો દરજ્જો નહીં મળે, પરંતુ અંગ્રેજોએ એમને એવી આકરી શિક્ષા ન કરી.

આમ તો ભારતની લોકશાહી એ ઈંગ્લેન્ડની સંસદીય લોકશાહીનું અનુકરણ છે, પરંતુ ભારતે હજી પણ ઈંગ્લેન્ડ પાસે ઘણું શીખવાનું છે. યુનાઈટેડ કિંગડમમાં ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને નોધર્ન આયર્લેન્ડનો સમાવેશ થાય છે. એક જ દિવસે ૬૫૦ બેઠક પર ચૂંટણી થાય છે. મતદાન બેલેટ પેપરથી થાય છે અને મતદાનના દિવસે રજા નથી હોતી, પરંતુ મતદાન ત્યાંના સવારના સાત વગ્યાથી રાતના દસ વાગ્યા સુધી કરી શકાય છે. મતદાન પૂરું થાય કે તરત જ મતગણતરી શરૂ થઈ જાય. બ્રિટનમાં ૪.૬ કરોડ મતદાતા છે અને ૬૦ ટકાએ મતદાન કર્યું હતું. ભારતમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી અને મતગણતરી અંતિમ તબક્કાનું મતદાન પૂરું થયું એના ત્રણ દિવસ બાદ ચોથી જૂને થઈ હતી. બ્રિટનમાં એક મતદારક્ષેત્રમાં સરેરાશ ૬૦,૦૦૦ મતદાતાઓ હોય છે એટલે ભારતની જેમ અહીં લાખો મતની સરસાઈથી વિજય થતો નથી. પ્રચાર પણ ભારત જેવો ઘોંઘાટભર્યો કે નિમ્ન સ્તરનો નથી હોતો. ઉમેદવારો મોટે ભાગે ઘેર -ઘેર ફરીને મત માગે છે. મોટા મોટા હોર્ડિંગ્સ પણ લગાડવામાં આવતાં નથી. પરિણામ આવે કે પરાજિત ઉમેદવાર વિજેતા ઉમેદવારને ખેલદિલીપૂર્વક અભિનંદન આપે છે. સત્તા પરિવર્તન પણ તરત જ શાંતિથી અને સરળતાથી પાર પડે છે.

ઋષિ સુનક હારી ગયા કે તરત જ એમણે ગણતરીના કલાકોમાં ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ પરના વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનને ખાલી કરી આપ્યું અને નવા વડા પ્રધાન સ્ટાર્મર ત્યાં રહેવા પણ આવી ગયા. સુનકે પરાજયની જવાબદારી સ્વીકારીને પક્ષના વડાપદેથી પણ નજીકના ભવિષ્યમાં રાજીનામું આપવાની જાહેરાત કરી. ત્યાં જનતા જનાર્દનના મેન્ડેટની કોઈ ઉપેક્ષા કરતું નથી કે હારી જવા માટે વાહિયાત કારણો કોઈ આપતું નથી. જનાદેશનો આદર કરવામાં આવે છે. સુનકે પરિણામની જવાબદારી સ્વીકારીને પોતાના હારી ગયેલા સાથીદારોની માફી માગી. એમણે પોતાને પરાજિત કરનારા સ્ટાર્મરની પણ સરાહના કરીને અભિનંદન આપ્યા.

આ જ બ્રિટનની પ્રજાએ ૨૦૧૯ની ચૂંટણીમાં લેબર પાર્ટીને એનો સદીનો સૌથી કારમો પરાજય ચખાડ્યો હતો.

મતોની ટકાવારી જોઈએ તો ખ્યાલ આવે છે કે લેબર પાર્ટીએ વિજય મેળવ્યો એનું કારણ લેબર પાર્ટીતરફી મતો નહીં, પરંતુ ક્ધઝર્વેટિવ પાર્ટી વિરુદ્ધ લોકોએ કરેલું મતદાન છે. તમને એ જાણીને આશ્ર્ચર્ય થશે કે બ્રિટનની સેન્ટ્રિસ્ટ લિબરલ ડેમોક્રેટ્સ, જમણેરી પાર્ટી રીફોર્મ યુકે અને ગ્રીન્સ તથા બીજા નાના પક્ષોએ ૧૧ જુલાઈની ચૂંટણીમાં ૪૦ ટકાથી વધારે મત મેળવ્યા, પરંતુ આ પક્ષોને સંસદની ફક્ત ૧૮ ટકા બેઠક જ મળી. બીજી બાજુ લેબર પાર્ટીએ ફક્ત ૩૪ ટકા મત મેળવ્યા, પરંતુ તેણે બમણી બેઠક મેળવી. હકીકત એ છે કે લેબર પાર્ટીને ૨૦૧૯ની ચૂંટણી કરતાં પણ ઓછા મત મળ્યા છે.

આ આપણે ત્યાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેવું થયું છે. આમ આદમી પાર્ટીએ કૉંગ્રેસના મતો કાપતાં ભાજપે ત્યાં વિક્રમ બેઠક મેળવી હતી. ક્ધઝર્વેટિવ પાર્ટી વિરુદ્ધ એટલી બધી એન્ટિ ઈન્કમબન્સી હતી કે તેની વોટ ટકાવારીમાં મોટાં ગાબડાં પડ્યાં. તેના અમુક મત લિબરલ ડેમોક્રેટ અને રીફોર્મ યુકેને ટ્રાન્સફર થયા હતા. એક નેતા નાઈજેલ ફરાન્ગ અનેક વાર વિફળ ગયા બાદ આ વખતે સંસદસભ્ય બનવામાં સફળ થયા હતા. એમના પક્ષ રીફોર્મ યુકેએ ૪૦ લાખ મત મેળવ્યા હતા, પરંતુ ફક્ત ચાર બેઠક જીતી શક્યા.. લિબરલ ડેમોક્રેટ્સે ૩૪.૯ લાખ મત મેળવ્યા હતા, છતાં ૭૧ સીટ મેળવી હતી. આનું કારણ એ છે કે એના મત દક્ષિણ ઈંગ્લેન્ડમાં કેન્દ્રિત થયેલા છે. ગ્રીન પાર્ટીએ ૧૯ લાખ મત મેળવ્યા હતા અને ચાર બેઠક મેળવી હતી.

ઘણાને એવો સવાલ થશે કે સુનક કેમ હારી ગયા ?

આમાં એ ખુદ અને એમનો પક્ષ બન્ને જવાબદાર છે. કોરોના મહામારી અને રશિયા અને યુક્રેન વચ્ચેના જંગને લીધે મોંઘવારી અને બેકારી વધી ગઈ હતી. સુનકે સામાન્ય ચૂંટણી વહેલી યોજી હતી, પરંતુ એમનો પક્ષ આ માટે તૈયાર નહોતો. ચૂંટણી યોજવા માટે તેમની પાસે ૨૦૨૫ જાન્યુઆરી સુધીનો સમય હતો. સુનક અર્થશાસ્ત્રને સારી રીતે સમજે છે માટે કથળી ગયેલા અર્થતંત્રને સુધાર્યા બાદ એમણે ચૂંટણી યોજવી જોઈતી હતી. એમના અનુગામી બોરિસ જોન્સનના કોરોના અને રાણીના અવસાન વખતે પણ પાર્ટી યોજવાનું ચાલુ રાખ્યું હતું. આને લીધે ખોટો મેસેજ ગયો હતો. તેઓ વોટર સાથે કનેકટ થઈ શક્યા નહોતા. એમનું ભારતીય મૂળ પણ આડે આવ્યું. સુનક ૪૨ વર્ષની વયે ૨૦૦ વર્ષના સૌથી યુવાન નેતા હતા. એ બ્રિટનના સૌથી તવંગર વડા પ્રધાન હતા. એમની પાસે ઈંગ્લેન્ડના રાજા કરતાં પણ વધારે સંપત્તિ છે. ક્ધસરવેટીવ પાર્ટીએ ૧૪ વર્ષમાં પાંચ વડા પ્રધાન બદલ્યા એને લીધે પણ લોકોમાં ખરાબ મેસેજ ગયો હતો.

હવે સવાલ એ છે કે ગઈ ચૂંટણીમાં ખરાબ દેખાવ કરનાર લેબર પાર્ટીનું ઉત્થાન કેવી રીતે થયું. સ્ટાર્મર ડાબેરી જર્મી કોર્બીનના સ્થાને પક્ષ પ્રમુખ બન્યા. પછી એમણે પક્ષની નીતિને ધરમૂળથી બદલી નાખી હતી. આરોગ્ય સેવા અને બીજા જાહેર સેવા સુધારવાનું એમણે વચન આપ્યું છે. નેશનલ હેલ્થ સર્વિસીસની કથળતી સેવા એ ચૂંટણીનો મોટો મુદ્દો હતો. ડૉક્ટરો સારવાર માટે અંગ્રેજોને મહિનાઓ સુધી અપોઈન્ટમેન્ટ આપતા નથી. આને લીધે અંગ્રેજો રોષે ભરાયા હતા. મફત દાંતની સારવાર બંધ કરવામાં આવી એને લીધે લોકો એટલા હેરાન થઈ ગયા કે અમુક અંગ્રેજો તો નાણાં બચાવવા જાતે દાંત કાઢવાના નુસખા અપનાવવા માંડ્યા.

ભારતમાં મોંઘવારી એ હંમેશાં મુદ્દો હોય છે, પરંતુ શાસક પક્ષ મોંઘવારી વધી એવો કદી સ્વીકાર કરતો નથી.જ્યારે બ્રિટનમાં તો દાંતની સેવાનો મુદ્દો એટલો ચર્ચામાં હતો કે બધા પક્ષોએ એમના ચૂંટણી ઢંઢેરામાં આનો ઉલ્લેખ કર્યો હતો. દાંતની સેવા ફરી નેશનલ હેલ્થ સર્વિસીસમાં મફત આપવાનું વચન અનેક પક્ષે આપ્યું હતું.

કોણ છે આ નવા વડા પ્રધાન સ્ટાર્મર.?

બ્રિટનમાં ૨ સપ્ટેમ્બર, ૧૯૬૨ના રોજ જન્મેલા કિયર સ્ટાર્મર વ્યવસાયે વકીલ છે. લેબર પાર્ટીના જણાવ્યા અનુસાર, એમનું સમગ્ર વ્યવસાયિક જીવન જરૂરિયાતમંદોને ન્યાય અપાવવામાં રહ્યું છે. એ ૨૦૨૦થી બ્રિટિશ સંસદમાં વિપક્ષ અને લેબર પાર્ટીના નેતા છે. ૨૦૧૫થી ૨૦૨૪ સુધી હોલબોર્ન અને સેન્ટ પેનક્રાસ માટે સાંસદ પણ ચૂંટાયા છે. સ્ટાર્મર ૨૦૦૮થી ૨૦૧૩ સુધી પબ્લિક પ્રોસિક્યુશનના ડિરેક્ટર પણ હતા. સ્ટાર્મર પૂર્વી ઈંગ્લેન્ડના સરીમાં ઓક્સ્ટેડ નામના નાના શહેરમાં મોટા થયા હતા. પિતા એક કારખાનામાં કારીગર હતા અને માતા હૉસ્પિટલમાં નર્સ હતી. સ્ટાર્મરની માતાને એક દુર્લભ અને ગંભીર બીમારી હતી, જેના કારણે એમને બાળપણમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ બધાની વચ્ચે, સ્ટાર્મરે ૧૯૮૫માં યુનિવર્સિટી ઓફ લીડ્સમાંથી કાયદાની સ્નાતકની ડિગ્રી મેળવી. આ સાથે સ્ટાર્મર યુનિવર્સિટીમાં જનાર પરિવારનો પ્રથમ સભ્ય બન્યા હતા.. વકીલ બન્યા પછી, સ્ટાર્મરે લાંબા સમય સુધી ગરીબોને મફત કાનૂની સલાહ આપી અને ઘણા મોટા કેસોની વકીલાત કરી. એ માનવ અધિકારો સંબંધિત બાબતોમાં નિપુણતા ધરાવે છે. ૨૦૦૨માં રાણીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કાયદા અને ફોજદારી ન્યાયની સેવાઓ માટે સ્ટાર્મરને ૨૦૧૪માં ‘નાઈટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ બાથ’ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

સ્ટાર્મર પ્રથમ વખત ૨૦૧૫માં સંસદમાં ચૂંટાયા હતા. એ પછી એક વર્ષ માટે બ્રિટનના શેડો કેબિનેટમાં ઇમિગ્રેશન પ્રધાન હતા. આ ઉપરાંત, સ્ટાર્મર ૨૦૧૬થી ૨૦૨૦ સુધી યુરોપિયન યુનિયન (EU)માંથી બહાર નીકળવા માટે શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ પણ હતા. એપ્રિલ ૨૦૨૦માં, સ્ટાર્મર લેબર પાર્ટીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, પરંતુ તરત જ એમની પાર્ટીને ૮૫ વર્ષની સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. ઋષિ સુનકની જેમ, એમની પાસે પણ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં બેકગ્રાઉંડ છે, જ્યાં કાયદાનો અભ્યાસ કર્યો અને લેબર પાર્ટીની આગેવાની હેઠળની સરકારમાં ડાયરેક્ટર ઑફ પબ્લિક પ્રોસિક્યુશન્સ (DPP)ના હોદ્દા પર પહોંચ્યા. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં હાર બાદ એ પાર્ટીના નેતા તરીકે ઊભરી આવ્યા હતા.

કિયર સ્ટાર્મરે ભારપૂર્વક જણાવ્યું હતું કે એમણે પોતાની જાતને પાછલી પાર્ટી લાઇનથી દૂર કરી દીધી છે અને પોતાના નેતૃત્વ હેઠળ લેબર પાર્ટીના મેનિફેસ્ટોમાં ઘરનું નિર્માણ, અર્થતંત્ર અને ગઇંજને ઠીક કરવા જેવી ચિંતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સામાન્ય ચૂંટણીઓ માટે એમનો સંદેશ સ્પષ્ટ હતો, ‘જો તમે પરિવર્તન ઈચ્છો છો, તો તમારે મને મત આપવો પડશે’.

આ મજૂર નેતાએ ચૂંટણી પહેલા પોતાના પક્ષની સ્પષ્ટ લીડ જાળવી રાખવા તમામ પ્રયાસો કર્યા છે. એમણે કહ્યું કે જો અમને તક મળશે, તો અમે તે જ રીતે શાસન કરીશું જે રીતે અમે લેબર પાર્ટીનું પરિવર્તન કર્યું છે, જેનો અર્થ છે કે દેશને તેની વર્તમાન ખરાબ સ્થિતિમાંથી બહાર કાઢવો અને તેનું પરિવર્તન કરવું. હાઉસિંગ ફ્રન્ટ પર, સ્ટાર્મર પ્રથમ વખત ઘર ખરીદનારાઓને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રાખે છે. આ માટે, એક યોજના શરૂ કરવામાં આવી છે જે એમને નવાં આવાસ વિકાસમાં પ્રાથમિકતા આપે છે. ૧.૫ મિલિયન નવા ઘરો બાંધવા માટે આયોજન કાયદામાં સુધારો કરવાનું વચન પણ આપવામાં આવ્યું છે. શિક્ષણ એ બીજી પ્રાથમિકતા છે, જેમાં એમણે ૬,૫૦૦ શિક્ષકોની ભરતી કરવાનું વચન આપ્યું છે અને ખાનગી શાળાઓ માટે ટેક્સ બ્રેક્સ સમાપ્ત કરીને તેમના પગાર આપવાનું વચન આપ્યું છે.

ભારત સાથે સંબંધો સુદૃઢ કરશે…
કિયર સ્ટાર્મરના વડા પ્રધાન બનવાથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેના સંબંધો વધુ મજબૂત થાય એવી આશા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટાર્મરને ફોન કરીને અભિનંદન આપ્યા છે. અહીં એ વાત પણ યાદ રાખવી જોઈએ કે ઉદાર મતવાદી પક્ષ લેબર સત્તામાં હતો ત્યારે જ ભારતને આઝાદી મળી હતી. કાશ્મીર, ખાલીસ્તાન અને પેલેસ્ટાઈન જેવા વિવાદાસ્પદ વિષયો પર ભારત નારાજ ન થાય એની તકેદારી સ્ટાર્મરે રાખી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેનું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ યથાવત્ સાકાર થાય તેવી સંભાવના છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…