લોન લેનારી વ્યક્તિનાં સગાં-પડોશીઓને ત્રાસ આપનારા ટેલી કૉલ સેન્ટરનો પર્દાફાશ
ગ્રાહકોના દસ્તાવેજોનો દુરુપયોગ કરી તેમનાં નામનાં સિમ કાર્ડ્સ કૉલ સેન્ટરને પૂરાં પાડનારાની પણ ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મોબાઈલ ઍપના માધ્યમથી લોન લેનારી વ્યક્તિનાં સગાંસંબંધી અને પડોશીઓને ફોન કરી અશ્ર્લીલ ભાષામાં વાત કરીને કથિત ત્રાસ આપનારા ટેલી કૉલ સેન્ટરનો પર્દાફાશ કરનારી થાણે પોલીસે બે જણની ધરપકડ કરી હતી. ગ્રાહકોના દસ્તાવેજોનો દુરુપયોગ કરીને તેમનાં નામનાં સિમ કાર્ડ્સ આ કૉલ સેન્ટરને પૂરાં પાડનારા સર્વિસ પ્રોવાઈડર કંપનીના કર્મચારીને પણ પોલીસે પકડી પાડ્યો હતો.
થાણેની એન્ટી એક્સ્ટોર્શન સેલના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ શુભમ કાલીચરણ ઓઝા (29), અમિત મંગલા પાઠક (33) અને રાહુલ તિલકધારી દુબે (33) તરીકે થઈ હતી. આરોપી ઓઝા ભાયંદર પૂર્વમાં કૅબિન ક્રોસ રોડ ખાતે આવેલા એક ટેલી કૉલ સેન્ટરનો માલિક હોવાનું પોલીસનું કહેવું છે.
પોલીસ તપાસમાં જણાયું હતું કે ભાયંદરના કૉલ સેન્ટર સાથે એક ફાઈનાન્સ કંપની અને બે ખાનગી બૅન્કની લોન રિકવરી માટે એગ્રિમેન્ટ કરાયાં હતાં. મોબાઈલ ઍપના માધ્યમથી લોન લેનારી વ્યક્તિ પાસેથી લોનની રકમ વસૂલવાનું કામ આ કૉલ સેન્ટરને આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: અમેરિકન નાગરિકોને ઉત્તેજક દવાઓ વેચનારું કૉલ સેન્ટર અંધેરીમાં પકડાયું: 10ની ધરપકડ
આરોપીઓ સમયસર લોન ન ચૂકવનારી વ્યક્તિ પર દબાણ લાવવા માટે તેનાં સગાંસંબંધી અને પડોશીઓના ફોન નંબર મેળવતા હતા. પછી સગાં અથવા પડોશીઓને ફોન કરી ગાળાગાળી કરતા અથવા અશ્ર્લીલ ભાષામાં વાત કરતા હતા.
તાજેતરમાં આ રીતે થાણે નજીકના ઘોડબંદર રોડ ખાતે રહેતી એક મહિલાને ત્રાસ આપવામાં આવતાં તેણે 2 જુલાઈએ ચિતળસર માનપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ એન્ટી એક્સ્ટોર્શન સેલના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર સુનીલ તારમળેને સોંપાઈ હતી.
મહિલાને જે નંબર પરથી કૉલ આવ્યા હતા તેને ટ્રેસ કરતાં અંધેરીના યુવકનો હોવાનું જણાયું હતું. જોકે યુવકે એ નંબર લીધો ન હોવાનું જણાતાં પોલીસે સર્વિસ પ્રોવાઈડર કંપનીના અંધેરી સ્થિત આઉટલેટમાં તપાસ કરી હતી. અંધેરીના યુવકે પોતાનું સિમ કાર્ડ લેવા માટે જે દસ્તાવેજો આપ્યા હતા તેની મદદથી કર્મચારી રાહુલ દુબેએ બીજાં બે સિમ કાર્ડ પ્રાપ્ત કર્યાં હતાં અને ભાયંદરના કૉલ સેન્ટરને આપ્યાં હતાં.
તપાસમાં મળેલી માહિતીને આધારે દુબેની ધરપકડ પછી પોલીસે ભાયંદરના કૉલ સેન્ટર પર દરોડો પાડ્યો હતો. ઓઝા અને પાઠકને પકડી પાડી કૉલ સેન્ટરમાંથી સાધનો જપ્ત કરાયાં હતાં.