ટોપ ન્યૂઝનેશનલ

દેશના આ રાજ્યમાં ફરી HIVનો હાહાકારઃ આ કારણે ફેલાઈ રહ્યો છે રોગ

અગરતલાઃ ત્રિપુરામાં 828 વિદ્યાર્થીઓ એચઆઈવી પોઝીટીવ મળી આવ્યા છે. જેમાંથી 47ના મોત થયા છે. આ સમાચાર ત્રિપુરા સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી (TSACS)ના એક વરિષ્ઠ અધિકારીએ આપ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રિપુરામાં HIV પોઝીટીવ જોવા મળતા ઘણા વિદ્યાર્થીઓએ દેશભરની વિવિધ સંસ્થાઓમાં અભ્યાસ કરવાનું છોડી દીધું છે.

આ બાબતે માહિતી આપતા વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમે અત્યાર સુધીમાં 828 વિદ્યાર્થીઓને HIV પોઝીટીવ તરીકે ઓળખી કાઢ્યા છે. જેમાંથી 47 વિદ્યાર્થીઓ ખતરનાક ચેપને કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. ઘણા વિદ્યાર્થીઓ દેશભરની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે ત્રિપુરાથી બહાર ગયા છે.

આટલો ગંભીર રોગ કઈ રીતે ફેલાયો

આ ગંભીર સ્થિતિની જાણ તંત્રને ત્યારે થઈ જ્યારે ત્રિપુરા એઇડ્સ કંટ્રોલ સોસાયટીએ 220 શાળાઓ અને 24 કોલેજો અને યુનિવર્સિટીઓમાં એવા વિદ્યાર્થીઓની ઓળખ કરી છે જેઓ ઇન્જેક્શન દ્વારા ડ્રગ્સ લે છે. જેના કારણે એચઆઈવી એકબીજામાં ફેલાય છે.

આ પણ વાંચો: AIDS Treatment: HIV હવે અસાધ્ય રોગ નથી રહ્યો! આ ઈન્જેક્શનથી રોગ સામે રક્ષણ મળશે

TSACS ના જોઈન્ટ ડાયરેક્ટરે એક મીડિયા પોર્ટલ સાથે વાત કરતા જણાવ્યું કે અત્યાર સુધીમાં 220 શાળાઓ અને 24 કોલેજો અને યુનિવર્સિટીઓની ઓળખ કરવામાં આવી છે જ્યાં વિદ્યાર્થીઓ ડ્રગ્સનો ઉપયોગ કરે છે. અમે સમગ્ર રાજ્યમાં કુલ 164 આરોગ્ય કેન્દ્રમાંથી ડેટા એકત્રિત કર્યો છે.

HIV શું છે?

એચઆઇવી એટલે કે હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ એ એક વાયરસ છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે અને તેને એટલું નબળું બનાવે છે કે આપણું શરીર અન્ય કોઈપણ ચેપ અથવા રોગ સામે ટકી શકતું નથી. એકવાર આ વાયરસથી સંક્રમિત થયા પછી, જો તેને સમયસર નિયંત્રિત કરવામાં ન આવે, તો તે એઇડ્સનું કારણ બની જાય છે.

તમને જણાવી દઈએ કે એઇડ્સ (એક્વાર્ડ ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ) માટે હજુ સુધી કોઈ નક્કર સારવાર શકય બની નથી. થોડા વર્ષો પહેલા આ બીમારીનો ફેલાવો ખૂબ થયો હતો અને અનેકે જીવ ગુમાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button